ગ્રીસમાં ચાર બાળકો ધરાવતા ઓછી આવકવાળા પરિવારો માટે શૂન્ય કરવેરા

- વસતી વિષયક કટોકટી નિવારવા 1.6 અબજ યુરોની યોજના
- વેરામાં છૂટ, બેબી બોનસ અને ગ્રામીણ પ્રોત્સાહન-ઘટતા ફળદ્રૂપતા દર રાષ્ટ્રીય કટોકટી હોવાની પીએમની કબૂલાતે
એથેન્સ : ગ્રીસે તેને યુરોપનો સૌથી વધુ વૃદ્ધોની વસતી ધરાવતા દેશનું જોખમ સર્જતી તોળાઈ રહેલી વસતી સંબંધિત કટોકટીનો સામનો કરવા વ્યાપક આર્થિક પગલા લીધા છે. ગ્રીસના વડા પ્રધાન કિરિયાકોસ મિત્સોતાકિસએ ૧.૬ અબજ યુરોના કર સુધારા અને પ્રોત્સાહનોની જાહેરાત કરી છે જેનો હેતુ ફળદ્રૂપતા દર વધારવા, પરિવાર પર બોજ ઘટાડવો અને જનસંખ્યામાં થઈ રહેલા ઘટાડાને રોકવાનો છે. ઉપરાંત ગ્રીસ સરકાર યુવાનોને પણ વિદેશ જતા રોકવા એસ્ટેટ કર નાબૂદ કરીને દેશમાં જ સ્થાયી થવાનું પ્રોત્સાહન આપશે.
૨૦૨૬થી અમલમાં આવનારા આ પગલાંમાં તમામ શ્રેણીના કરમાં બે-પોઈન્ટનો ઘટાડો, ચાર બાળકો ધરાવતા ઓછી આવક ધરાવતા પરિવારો માટે શૂન્ય કરવેરા અને નાના ગ્રામીણ વસાહતોના રહેવાસીઓ માટે કર-મુક્તિનો સમાવેશ થાય છે. મિત્સોતાકિસે આ સુધારાઓને પચાસથી વધુ વર્ષોમાં સૌથી મહત્વાકાંક્ષી કર સુધારણા તરીકે વર્ણવ્યા તેમજ બાળકોનો ઉછેર કરવાનું પસંદ કરતા નાગરિકોને પુરસ્કાર આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
ગ્રીસનો વર્તમાન પ્રજનન દર પ્રતિ મહિલા ૧.૪ બાળકો છે, જે ૨.૧ના રિપ્લેસમેન્ટ સ્તરથી ઘણો નીચે છે. યુરોસ્ટેટનો અંદાજ છે કે ૨૦૫૦ સુધીમાં, દેશની વસ્તી ૧.૨ કરોડથી ઘટીને એંસી લાખથી ઓછી થઈ શકે છે, જેમાં ૩૬ ટકા નાગરિકો ૬૫ વર્ષથી વધુ ઉંમરના હશે. નાણામંત્રી કિરિયાકોસ પિયરાકાકિસે સ્વીકાર્યું કે પંદર વર્ષ પહેલાં નાણાકીય મંદી પછી કટોકટી વધુ ખરાબ થઈ ગઈ છે, જ્યારે તંગીથી કંટાળીને ઘણા ગ્રીક યુવા વિદેશ ચાલ્યા ગયા હતા. આ સમયગાળા દરમ્યાન પાંચ લાખથી વધુ નાગરિકો, જેમાં મોટાભાગે કુશળ યુવાનો હતા, સ્થળાંતરિત થયા હતા.
સરકારે અગાઉ પણ બેબી બોનસ અને ચાઈલ્ડ સ્ટાઇપેન્ડ જેવા પ્રોત્સાહનો રજૂ કર્યા હતા, છતાં વધતા જીવન ખર્ચ, ઓછા વેતન અને મકાનોની મોંઘી કિંમતોએ તેની અસરકારકતાને નબળી પાડી હતી. વિદ્યાર્થીઓના અભાવે શિક્ષણ મંત્રાલયે સાતસોથી વધુ સ્કૂલો બંધ કરવી પડી હતી જે આ ઘટાડાની ગંભીરતા દર્શાવે છે. મિત્સોતાકિસે બિનઉપયોગી લશ્કરી જમીન પર મિલકતો વિકસાવીને અને દૂરના વિસ્તારોમાં રિયલ એસ્ટેટ કર નાબૂદ કરીને યુવાનોને સ્થળાંતર કરવા માટે પ્રોત્સાહિત કરીને રહેઠાણના પડકારોનો સામનો કરવાનું પણ વચન આપ્યું હતું. અધિકારીઓ ચેતવણી આપી છે કે ઘટતો પ્રજનન દર, ખાસ કરીને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા વચ્ચે ગ્રીસની પેન્શન, આરોગ્ય અને શ્રમ પ્રણાલીઓ માટે જોખમ ઊભું કરી શકે છે.
લેન્સેટે તાજેતરમાં ચેતવણી આપી હતી કે ગ્રીસના વસ્તી વિષયક ફેરફારો તેની જાહેર આરોગ્ય પ્રણાલીને જોખમમાં મૂકી શકે છે અને આવા જ પડકારોનો સામનો કરી રહેલા અન્ય રાષ્ટ્રો માટે પણ એક કડક ચેતવણી આપે છે.
મિત્સોતાકિસ માટે તાકીદ સ્પષ્ટ છેઃ નિર્ણાયક હસ્તક્ષેપ વિના, ગ્રીસ સામે તેના ભાવિ કાર્યબળ અને સામાજિક સંતુલન ગુમાવવાનું જોખમ સર્જાઈ શકે છે.








