અલાસ્કાની ટ્રમ્પ અને પુતિનની પ્રસ્તાવિત શિખર મંત્રણામાં ઝેલેંસ્કી જોડાશે નહી: વ્હાઈટ હાઉસ

વોશિંગ્ટન,૧૩ ઓગસ્ટ,૨૦૨૫, બુધવાર
શુક્રવારે અલાસ્કા ખાતે રશિયા અને અમેરિકાના રાષ્ટ્રપતિઓ વચ્ચે શિખર બેઠક શરુ થઇ રહી છે. છેલ્લા ૩ વર્ષથી યુક્રેન યુધ્ધ શરુ થયા પછી બંને મહાસત્તાઓના સમકક્ષ વચ્ચે પ્રથમ વાર બેઠક યોજાઇ રહી છે. ખાસ કરીને યુક્રેન યુધ્ધને અટકાવીને શાંતિ સ્થાપવી બેઠકની મુખ્ય પ્રાથમિકતા રહેશે. છેલ્લા કેટલાક સમયથી આ બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેંસ્કી જોડાશે એની અટકળો થઇ રહી હતી જેને અમેરિકાના મુખ્યાલય વ્હાઇટ હાઉસે ફગાવી દીધી છે. આ સાથે જ પુતિન અને ટ્રમ્પ વચ્ચેની પ્રસ્તાવિત શિખર બેઠકમાં ઝેલેંસ્કી જોડાશે નહી.
વાઇટ હાઉસની પ્રેસ સચિવ કેરોલાઇન લેવિટે સંવાદદાતાઓને જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતીન અલાસ્કાને મુખ્ય શહેર એંકરેજમાં મળશે. લેવિટ કહયું હતું કે આ બેઠકમાં દ્વીપક્ષીય યુધ્ધનો એક માત્ર પક્ષ જ ભાગ લેશે પરંતુ કોઇ પણ સમજુતી માટે બંને દેશો સહમતિ જરુરી બનશે. આથી જે પણ નિર્ણય લેવાશે તેમાં યુક્રેનની ઉપેક્ષા કરીને લેવાશે નહી. અમેરિકી રાષ્ટ્રપતિ યુક્રેન યુધ્ધના ઉકેલ માટે બહેતર સમજવા પ્રયાસ કરશે. યુધ્ધ પર પૂર્ણ વિરામ માટે તેના તરીકાને સમજવાની સાથે આગળ વધશે.








