Get The App

'જેમ મધ્ય પૂર્વમાં યુદ્ધ રોક્યું, એવી જ રીતે રશિયા-યુક્રેનમાં શાંતિ લાવો', ઝેલેન્સ્કીની ટ્રમ્પને અપીલ

Updated: Oct 11th, 2025

GS TEAM

Google News
Google News


'જેમ મધ્ય પૂર્વમાં યુદ્ધ રોક્યું, એવી જ રીતે રશિયા-યુક્રેનમાં શાંતિ લાવો', ઝેલેન્સ્કીની ટ્રમ્પને અપીલ 1 - image

Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી અને તેમણે યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિ કરારમાં મધ્યસ્થતા કરવાની અપીલ કરી. તેમણે ટ્રમ્પને કહ્યું કે, જેમ તેમણે હાલમાં મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું, એમ જ આ યુદ્ધને ખતમ કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે.

ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું કે, 'મારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખુબ જ સકારાત્મક અને ઉપયોગી વાતચીત થઈ. મેં તેમને મધ્ય પૂર્વમાં યુદ્ધવિરામ કરાવવાની સફળતા શુભેચ્છા આપી. જો એક વિસ્તારમાં યુદ્ધ અટકી શકે છે, તો નિશ્ચિત રીતે અન્ય યુદ્ધ પણ રોકી શકાય છે. જેમાં રશિયાનું યુદ્ધ પણ સામેલ છે.'

રશિયાના ઉર્જા તંત્ર પર હુમલાની માહિતી આપી

ઝેલેન્સકીએ જણાવ્યું કે, 'તેમણે ટ્રમ્પને રશિયા દ્વારા યુક્રેનની ઉર્જા પ્રણાલી પર હાલના હુમલા અંગે પણ માહિતી આપી. તેમણે કહ્યું કે, હું રાષ્ટ્ર્પ્રમુખ ટ્રમ્પના સમર્થન માટે આભારી છું. અમે પોતાની વાયુ સુરક્ષાને વધુ મજબૂત કરવાના અવસરો અને નક્કર કરારો પર ચર્ચા કરી. અમારી પાસે અમને મજબૂત બનાવવા માટે સારા વિકલ્પો અને નક્કર વિચારો છે.'

ટ્રમ્પ-ઝેલેન્સકી સંબંધોમાં આવ્યો નાટકીય ફેરફાર

ફેબ્રુઆરી 2022થી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સંબંધોમાં પણ ફેબ્રુઆરીમાં વ્હાઈટ હાઉસમાં થયેલી ઉગ્ર ચર્ચા બાદ નાટકીય ફેરફાર આવ્યો છે. આ સમયે બંને નેતાઓ વચ્ચે ટીવી મીટિંગમાં તકરાર થઈ હતી. જો કે, હવે ટ્રમ્પે ઝેલેન્સકીને એક સારા અને બહાદુર માણસ ગણાવતા તેમના નેતૃત્વના વખાણ કર્યા છે. તેમણે યુક્રેનને મદદ યથાવત્ રાખવાનો ભરોસો પણ આપ્યો છે.

યુએન જનરલ એસેમ્બલીમાં થઈ હતી મહત્ત્વની મુલાકાત

સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દરમિયાન ટ્રમ્પ અને ઝેલેન્સકીની આમને-સામને મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં રશિયા પર પ્રેશર બનાવવા અને યુદ્ધને સમાપ્ત કરવા મામલે ચર્ચા થઈ. ઝેલેન્સકીએ અમેરિકા પાસે રશિયા પર વધુ પ્રતિબંધ લગાવવા અને યુક્રેનની રક્ષા ક્ષમતા વધારવાની માગ પણ કરી હતી.


Tags :