વ્હાઇટ હાઉસમાં બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો, ઝેલેન્સ્કીએ કહ્યું- જાણી જોઈને બોમ્બ વરસાવ્યા
Trump And Zelenskyy Meeting: વોશિંગ્ટનમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પહેલાં રશિયાએ ફરી એકવાર યુક્રેન પર નિશાન સાધ્યું છે. યુક્રેનના પ્રમુખે પોતે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. ઝેલેન્સ્કીએ એ વીડિયો જાહેર કરતાં લખ્યું હતું કે, વોશિંગ્ટનમાં શાંતિ મુદ્દે ચર્ચા પહેલાં જ રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. આ બેઠકમાં યુક્રેન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, ફિનલૅન્ડ, ઈયુ અને નાટોના નેતા સામેલ થશે. પરંતુ રશિયાએ આ બેઠક પહેલાં જ યુક્રેનના ખાર્કિવ, જાપોરિજ્જિયા, સૂમી અને ઓડેસા શહેરો પર હુમલા શરુ કરી દીધા છે. ઘર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યું છે.
ડ્રોન હુમલામાં 10 લોકોના મોત
ઝેલેન્સ્કીએ આગળ જણાવ્યું કે, ખાર્કિવમાં ડ્રોન હુમલામાં સાત લોકો માર્યા ગયા છે. જેમાં દોઢ વર્ષની બાળકી પણ સામેલ છે. જાપોરિજ્જિયામાં મિસાઇલ હુમલાથી ત્રણના મોત અને 20 ઘાયલ થયા છે. મારી સંવેદના તમામ પીડિતોના પરિવારજનો અને પ્રિયજનો સાથે છે. ઓડેસામાં એક એનર્જી સેન્ટર પર હુમલો કર્યો છે. જે અઝરબૈજાનની કંપની છે. રશિયા જાણી જોઈને લોકો પર ખાસ કરીને બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. પુતિન દબાણ વધારવા તેમજ રાજકીય પ્રયાસોને નબળા બનાવવા આ પ્રકારના હુમલા કરી રહ્યા છે. અમને મદદની જરૂર છે. જેથી અમે હુમલા રોકી શકીએ. રશિયાને યુદ્ધ માટે રિવોર્ડ આપવો જોઈએ નહીં. યુદ્ધ સમાપ્ત કરવું પડશે.
વ્હાઇટ હાઉસમાં લેવાશે નિર્ણય
યુક્રેનના પ્રમુખ યુરોપિયન યુનિયનના નેતાઓ પાસેથી સમર્થન મેળવ્યા બાદ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરશે. સ્થાનિક સમયાનુસાર, 18 ઑગસ્ટના રોજ બપોરે 12 વાગ્યે વ્હાઇટ હાઉસમાં યુરોપિયન નેતાઓ પહોંચશે. 1 વાગ્યે ટ્રમ્પ ઝેલેન્સ્કીનું સ્વાગત કરશે. 1.15 વાગ્યે બંને વચ્ચે ઓવલ ઑફિસમાં દ્વિપક્ષીય બેઠક યોજાશે.