રશિયાનો મુકાબલો કરવા યુરોપ સાથે વાયુ રક્ષા પ્રણાલી તૈયાર કરવાનો ઝેલેંસ્કીનો પ્રસ્તાવ

વર્શાવા,૩૦ સપ્ટેમ્બર,૨૦૨૫,મંગળવાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ રશિયાના હવાઇ હુમલાના ભયને ધ્યાનમાં રાખીને યુરોપ સાથે એક અભેદ વાયુરક્ષા પ્રણાલી તૈયાર કરવાનું આહ્વવાન કર્યુ છે. આ અંગે ઝેલેંસ્કીએ પોલેન્ડના વર્સાવામાં આયોજીત એક સુરક્ષા મંચને ઓનલાઇન સંબોધન કર્યુ હતું. પોલેન્ડ અને અન્ય યુરોપીય દેશોના વાયુ ક્ષેત્રમાં તાજેતરમાં રશિયાની ઘૂસપેઠનો ઉલ્લેખ કરતા રશિયાના સંભવિત હવાઇ હુમલાને ધ્યાનમાં રાખીને એક સંયુકત અને ખૂબજ વિશ્વસનીય કવત તૈયાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
ઝેલેંસ્કીએ કહયું હતું કે યુક્રેન રશિયાના તમામ પ્રકારના ડ્રોન વિમાનો અને મિસાઇલોનો મુકાબલો કરી શકે છે આના માટે બધાએ સાથે મળીને કામ કરવું જરુરી છે. બધા સાથે મળીશું તો વાયુ રક્ષા પ્રણાલી માટે પુરતા પ્રમાણમાં શસ્ત્રોની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધને રોકવા માટે અગાઉ અનેક શાંતિ પ્રસ્તાવ મુકાયા છે પરંતુ તેનો ગ્રાઉન્ડ પર અમલ થઇ શકયો નથી.
ખાસ કરીને રશિયા પોતે જીતેલા વિસ્તારો માટે નમતું જોખવા તૈયાર નથી. ઝેલેંસ્કી ઇચ્છે છે કે રશિયન દળો યુક્રેનમાંથી ખસીને પોતાની હદમાં જતા રહે તો જ કાયમી અને ટકાઉ શાંતિ શકય બનશે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ રશિયા-યુક્રેન લડાઇ અટકાવવા માટે પ્રયાસ કરી ચુકયા છે પરંતુ સફળતા મળી નથી.









