World

ઝેલેન્સ્કી જો મોસ્કો આવે, તો હું તેઓને મળવા તૈયાર છું : પ્રશ્ન તે છે કે તે મંત્રણા સાર્થક બનશે ? : પુતિન

By GS TEAM
4 Sep 20252 mins read
ઝેલેન્સ્કી જો મોસ્કો આવે, તો હું તેઓને મળવા તૈયાર છું : પ્રશ્ન તે છે કે તે મંત્રણા સાર્થક બનશે ? : પુતિન

- રશિયા ભૂમિ માટે નહીં : લોકોના અધિકારો માટે લડે છે

- દરેક દેશને તેનું રક્ષણ કરવાનો અધિકાર છે પરંતુ તે બીજાના ભોગે થવું ન જોઇએ : રશિયા યુક્રેનનાં નાટો સભ્ય પદનું વિરોધી છે

મોસ્કો : પ્રમુખ પુતિને કહ્યું હતું કે ઝેલેન્સ્કી જો મોસ્કો આવે તો હું તેમને મળવા તૈયાર છું પરંતુ, પ્રશ્ન તે છે કે કીવની વર્તમાન રાજકીય અને સંવૈધાનિક પરિસ્થિતિ જોતાં તે મંત્રણા, કેટલે અંશે અર્થસભર બની શકશે ? આ સાથે પુતિને તે પણ સ્પષ્ટતા કરી હતી કે જો ઝેલેન્સ્કી અને પશ્ચિમના દેશો વ્યવહારૂ અભિગમ અપનાવે તો વિવાદ મંત્રણા દ્વારા ઉકેલી શકાશે. આમ છતાં પુતિને તે પણ ચેતવણી ઉચ્ચારી હતી કે જો તે રીતે પ્રશ્નનો ઉકેલ ન આવે તો રશિયાને લશ્કરી રીતે તેનો ઉકેલ લાવવાની ફરજ પડશે.

પ્રમુખ પુતિને વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે મેં ઝેલેન્સ્કીને મળવાની કદી ના કહી જ ન હતી. પરંતુ પ્રશ્ન તે છે કે તે ગેરકાયદે બની ગયેલા પ્રમુખ સાથેની મંત્રણા કેટલે અંશે સાર્થક રહેશે ? તેઓએ તો (રશિયા ભાષી વિસ્તારોમાં) લોકમત લેવાનો ઇનકાર કર્યો છે અને અનિશ્ચિત મુદતનો લશ્કરી કાનૂન તેમણે (ત્યાં) લાદી દીધો છે.

આ સાથે પ્રમુખ પુતિને કહ્યું હતું કે મોસ્કોનું યુદ્ધ ભૂમિ માટે નથી, પરંતુ (રશિયન ભાષી વિસ્તારોના) અધિકારો માટે લડીએ છીએ. તેઓ તેમની ભાષાનો ઉપયોગ કરી શકે અને તેમની સંસ્કૃતિની જાળવણી કરી શકે અને જ્યાં લોકશાહી રીતે રશિયા સાથે જોડાવા ઇચ્છે તેઓને રશિયા સાથે જોડાવા દેવા જોઇએ. આપણે તેમની પસંદગીને માન આપવું જોઇએ.

પ્રમુખે વધુમાં કહ્યું હતું કે મોસ્કોનું સતત તે વલણ રહ્યું છે કે યુક્રેને નાટોમાં જોડાવું ન જોઇએ. કારણ કે નાટો રશિયાની સલામતી સામેની સીધી ભીતિ છે. દરેક દેશને તેનાં રક્ષણનો અધિકાર છે, પરંતુ તે બીજાના ભોગે ન હોઈ શકે, રશિયા નાટોનાં વિસ્તરણનો સતત વિરોધ કરી રહ્યું છે (તે સિવાય) રશિયાએ કીવનાં યુરોપીય યુનિયન સાથેના ઘનિષ્ટ સંબંધો સહિત તેના આર્થિક નિર્ણયોનો કદી વિરોધ કર્યો જ નથી.

પુતિનનાં આ વિધાનો અંગે પ્રત્યાઘાતો આપતાં અમેરિકામા પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે મારૃં વહીવટી તંત્ર યુદ્ધને લીધે થતાં મૃત્યુઓ અટકાવવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ પ્રમુખ પુતિનનાં વલણથી હું ઘણો નિરાશ થયો છું પરંતુ ત્યાં માનવોનાં મૃત્યુ અટકી શકે તે માટે અમે પગલાં લઇ રહ્યા છીએ.