- 'તેઓ જાણતા જ હતા કે આ ચુકાદાનો અમલ થઈ શકે તેમ નથી'
- હસીનાના નિકટવર્તી અનુયાયીએ કહ્યું : તે ચુકાદો તો પહેલેથી જ લખાયેલો હતો, યુનુસ સરકારે નાટક કરી કાંગારૂ કોર્ટ દ્વારા જાહેર કરાવ્યો હતો
નવી દિલ્હી : આવામી લીગના નેતાએ બાંગ્લાદેશની વચગાળાની સરકાર ઉપર લશ્કર- એ- તૈય્યબા અને જૈશ-એ- મોહમ્મદ જેવા ત્રાસવાદી જૂથો સાથે સંબંધ હોવાનો સીધો આક્ષેપ મુકયો છે. આ સાથે તેમણે યુનુસ સરકાર પર વધુ ચાબખા મારતા કહ્યુંકે, તેણે એક નાટક રચી કાંગારૂ કોર્ટ દ્વારા અમારા નેતાને ફાંસીની સજા કરાવી છે.
યાદ રહે કે, ઢાકા સ્થિત કહેવાતી ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે બાંગ્લાદેશમાં થયેલા રમખાણો અને રમખાણકારો ઉપર કરવા પડેલા ગોળીબારોને લીધે શેખ હસીનાના ૧૫ વર્ષના શાસનનો અંત આવ્યો હતો અને હસીનાને ભારતમાં રાજ્યાશ્રય લેવો પડયો છે.
હસીનાના નિકટવર્તી અનુયાયી અને આવામી લીગના નેતા મોહીલ- ઉલ- હસન ચૌધરીએ જણાવ્યું હતું કે, તે ચુકાદો તો પહેલેથી જ લખાયેલો હતો, તેમાં અમારા નેતાને પોતાનો બચાવ કરવાની પણ કોઈ તક અપાઈ ન હતી. પરંતુ હસીના અને આવામી લીગને લોકોનો ટેકો છે. આ સાથે તેઓએ કહ્યું હતું કે, મોહમ્મદ યુનુસ આ રીતે દેશને ગૃહ યુદ્ધ તરફ ઘસડી રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું : આ તો રચવામાં આવેલું એવું નાટક માત્ર હતું. તેઓ જાણતા જ હતા કે આ ચુકાદાનો અમલ થઇ શકે તેમજ નથી. તેથી તેઓએ કશું કરવું તો પડશે જ. તેઓ ચુકાદો પહેલેથી જ લખાવી રાખ્યો. છેલ્લા એક મહિનાથી તે ટ્રિબ્યુનલના ચેરમેન કોર્ટમાં આવતા જ નથી. વળી, કોર્ટની રચના જ ગેરકાયદે છે. કારણ કે વચગાળાની સરકારને આવી કોઈ કોર્ટ રચવાની સંવૈધાનિક સત્તા જ નથી કે જે દ્વારા તે અમને બધાને તે કાંગારૂ કોર્ટમાં ઢસડી જઈ શકે.
તેઓએ આગળ પત્રકારોને અહીં જણાવ્યું કે, અમોને અમારો વકીલ રોકવાની પણ પરવાનગી અપાઈ ન હતી. તેઓએ અમોને ભાગેડુ જાહેર કરી દીધા. આમ છતાં કેટલાક વકીલોએ શેખ હસીના અને અમારો બચાવ કરવાની તૈયારી પણ દર્શાવી હતી. પરંતુ તેઓને તે માટે પરવાનગી ન અપાઈ. તેઓને કોર્ટમાં પણ જવા ન દીધા. તેથી કોર્ટમાં જે કાર્યવાહી ચાલી તેમાં અમારા વતી કોઈ બચાવ કરવા પણહાજર રહી ન શક્યું.
આ તબક્કે જ્યારે પત્રકારોએ આવામી લીગના ભાવિ વિષે પૂછ્યું ત્યારે ચૌધરીએ કહ્યું હજી પાર્ટીને બહુમતી જનતાનો ટેકો છે... અમે યુદ્ધ ચાલુ જ રાખીશું. અમારા (પૂર્વ) વડાપ્રધાનના પુત્ર, શાજિબ વજીદે તો કહ્યું જ છે કે, તેઓ (યુનુસ સરકાર) દેશને ગૃહ યુદ્ધમાં જ ઢસડી જશે. તે જે થાય તે, અમે તેનો (યુનુસ સરકારનો) સામનો કરવા તૈયાર છીએ.


