- યુનુસનું વક્તવ્ય ચાઈના તરફી અને ભારતમાં ટેન્શન ઊભું કરે છે
- ભારતનું નામ લીધા સિવાય ઉત્તર-પૂર્વનાં ભારતનાં સાત રાજ્યોનાં પ્રાદેશિક-આર્થિક માળખાં અંગે ઘણાં ઘણાં વિધાનો કર્યાં
ઢાકા : બાંગ્લાદેશમાં લઘુમતિઓને રક્ષણ આપવામાં નિષ્ફળ ગયા હોવાથી તેમજ દેશમાં લોકશાહી સ્થાપવામાં પણ નિષ્ફળ જતાં, બાંગ્લાદેશની વિદાય લેતી (વચગાળાની) સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તેના નિવૃત્તિ વક્તવ્યમાં ફરી ફરી વિષ વમન કર્યું હતું. તેણે ફરી ફરી ઉત્તર પૂર્વ ભારતમાં સેવન સીસ્ટર્સ તરીકે ઓળખાતાં સાતે રાજ્યો વિષે ફરી એકવાર રાજકારણી દાવ ખેલ્યો હતો. જોકે, તેણે કદાચ સમજી વિચારીને જ ભારતનાં નામનો ઉલ્લેખ તેમનાં તે વક્તવ્યમાં કર્યો ન હતો.
તેમણે સામાન્ય રીતે વિદાય વક્તવ્યમાં, સૌ કોઈનો આભાર માનવાને બદલે ઉત્તર પૂર્વ ભારતનાં સેવન સીસ્ટર્સ તરીકે ઓળખાતાં રાજ્યો ઉપરાંત નેપાળ અને ભૂતાનને પણ બાંગ્લાદેશના આર્થિક પટમાં લઈ લીધાં હતાં. અને નેપાળ તથા ભૂતાન સહિત ઉત્તર-પૂર્વ ભારતનાં સેવન સીસ્ટર્સ તરીકે ઓળખાતાં સિક્કીમ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા અને મિઝોરમ તે સાતે રાજ્યોને બાંગ્લાદેશનાં આર્થિક માળખા સાથે જોડવાની સિફારસ કરી હતી.
આ ઉપરાંત એ નોબેલ લોરિયેટે ચીનની ભરપેટ પ્રશંસા કરી હતી. આ વક્તવ્યમાં તેઓએ ભારતનું સીધી જ રીતે નામ લીધું ન હતું. પરંતુ જે રીતે રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો, તેમાં તેમ પણ કહ્યું હતું કે વાસ્તવમાં બાંગ્લાદેશ જ આ લેન્ડ લોક્ડ સાતે રાજ્યોને આયાત નિકાસ માટે બાંગ્લાદેશ ઉપર જ આધાર રાખવો પડે છે.
યુનુસે પોતાનાં તે વિદાય સંબોધનમાં ન તો બાંગ્લાદેશની ખાડે ગયેલી સ્થિતિ વિષે કે ન તો તેઓ જે સમયે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર હતા તે સમયે હિન્દુઓ અન્ય તમામ લઘુમતિઓ ઉપર થયેલા અત્યાચારો અને તેના સભ્યોની હત્યાઓ વિષે એક શબ્દ ઉચ્ચાર્યો ન હતો.


