શસ્ત્રવિરામમાં તમારી કોઈ ભૂમિકા નથી : મોદીનો ટ્રમ્પને જવાબ

- કેનેડામાં જી-7 સમિટ દરમિયાન મોદીએ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સાથે ફોન પર 35 મિનિટ વાત કરી
- પાકિસ્તાનની વિનંતી બાદ બન્ને દેશોની સેનાએ સઘન વાટાઘાટોથી શસ્ત્રવિરામનો નિર્ણય લીધો હતો : વડાપ્રધાનની સ્પષ્ટતા
- પોતે યુદ્ધ અટકાવ્યાનો દાવો કરનારા ટ્રમ્પને મોદીએ કહ્યું ભારતે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી, ક્યારેય સ્વીકારશે પણ નહીં
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં જી-૭ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોએ એકબીજાની સાથે વાતચીતથી શસ્ત્રવિરામનો નિર્ણય લીધો છે. જેમાં અમેરિકાની કોઇ જ મધ્યસ્થી નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર દાવા કરતા આવ્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શસ્ત્રવિરામ કરાવ્યું છે. ટ્રમ્પના આ દાવા વચ્ચે મોદીએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે ભારતે ક્યારેય પણ કોઇ ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી અને સ્વીકારશે પણ નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે ૩૫ મિનિટ સુધી ફોન પર ચર્ચા કરી હતી અને તેમાં સ્પષ્ટતઃ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી ચાલુ જ છે. ભારત પાકિસ્તાનને બોમ્બ અને બુલેટથી જવાબ આપશે જ. આ સાથે તેઓએ પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારતે કદી મધ્યસ્થી સ્વીકારી નથી, અને ભવિષ્યમાં પણ કોઇની મધ્યસ્થી સ્વીકારશે નહીં. પૂર્વ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેઓના હસ્તક્ષેપને લીધે તાજેતરનું ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ થયું હતું. ટ્રમ્પના આ દાવાને તદ્દન પાયા વિહોણો કહેતાં મોદીએ કહ્યું હતું કે, વાસ્તવમાં પાકિસ્તાનની સેના તરફથી યુદ્ધ વિરામ માટે (શ્વેત ધ્વજ ફરકાવાતાં) તે યુદ્ધ વિરામ થયો હતો.
આ અંગે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું હતું કે બુધવારે પ્રમુખ ટ્રમ્પ સાથે થયેલી ફોન પરની ૩૫ મિનિટની વાતચીતમાં ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી વિષે વાત નહોતી થઇ. વાતચીતનું કેન્દ્ર ભારત-પાકિસ્તાન વચ્ચે ૭મેથી ૧૦ મે દરમિયાન થયેલાં યુદ્ધ ફરતી જ તે ચર્ચા કેન્દ્રિત થઇ હતી. ટ્રમ્પે એક ડઝનથી વધુ વખત જણાવ્યું હતું કે બન્ને દેશો સાથે વ્યાપાર બંધ કરવાની મેં ધમકી આપી હોવાથી તે યુદ્ધ તા. ૧૦ મી મેના દિવસે બંધ થયું હતું. તેમજ મેં મધ્યસ્થીની પણ તૈયારી દર્શાવી હતી. નરેન્દ્ર મોદીએ ટ્રમ્પના તે દાવાઓને અસ્વીકાર્ય કહેતાં પહેલી જ વખત આવી સ્પષ્ટતા કરી હતી. દરમિયાન મોદીએ ભારતમાં યોજાનારી કવૉડ સમિટમાં ઉપસ્થિત રહેવા ટ્રમ્પને આમંત્રણ આપ્યું હતું જે તેઓએ સ્વીકાર્યું હતું. આ ટેલિફોનિક વાતચીત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને કેનેડાથી અમેરિકા આવવા કહ્યું હતું. જોકે મોદીએ અગાઉના કાર્યક્રમો નિશ્ચિત હોવાથી ના પાડી હતી. કેનેડા અને અમેરિકા બન્ને દેશો એકબીજાની નજીક છે, મોદી કેનેડામાં હતા તે સમયે તેમને અમેરિકા થઇને પરત ભારત જવા કહ્યું હતું. જોકે મોદીએ સમયના અભાવે ના પાડી દીધી હતી.









