'અમારા જહાજ ડૂબાડી નહીં શકો...' 25 સેકન્ડમાં હુથીઓનું જૂથ તબાહ, ટ્રમ્પે શેર કર્યો VIDEO
Donald Trump Houthi Video : હાલના દિવસોમાં અમેરિકા હુથી બળવાખોરોને નિશાન બનાવી વિનાશ વેરી રહ્યું છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વીડિયો શેર કરીને હુથીઓને ચેતવણી આપી હતી. આ વીડિયોમાં દેખાય છે કે કેવી રીતે હુથી બળવાખોરોના એક જૂથનો માત્ર 25 સેકન્ડમાં નાશ કરવામાં આવ્યો.
હુથીઓ પર અમેરિકન હુમલા વધ્યા
આ વીડિયો રાજકીય અને વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે. હુથી બળવાખોરોએ આંકડા જાહેર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકન હુમલાઓમાં ઓછામાં ઓછા 67 લોકો માર્યા ગયા છે. જોકે, વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે.
તાજેતરના વીડિયોમાં શું?
ડોનાલ્ડ ટ્રમ્પના લેટેસ્ટ વીડિયોમાં હુથીઓ એક વર્તુળમાં ઉભા રહેલા જોઈ શકાય છે. ત્યાર બાદ અચાનક વિસ્ફોટ થાય છે અને ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાય છે. ત્યારબાદ વીડિયો ઝૂમ આઉટ થાય છે. તેમાં બે વાહનો પણ દેખાય છે. એવું માનવામાં આવે છે કે આ વાહનોનો ઉપયોગ હુમલા માટે થયો હશે.
ટ્રમ્પે આપ્યો મેસેજ
ડોનાલ્ડ ટ્રમ્પે વીડિયો શેર કરતી વખતે એક સંદેશ પણ આપ્યો. તેમણે લખ્યું, આ હુથીઓ હુમલાનું કાવતરું ઘડવા માટે ભેગા થયા હતા. હવે હુથીઓ કોઈ હુમલો કરી શકશે નહીં. હવે તેઓ અમારું જહાજ ડૂબાડી શકશે નહીં. હુથીઓ રાતા સમુદ્રમાં અવર-જવર કરતા જહાજોને નિશાન બનાવે છે. હમાસને ટેકો આપવા માટે હુથીઓ ઇઝરાયલી અને યુએસના જહાજોને વધુને વધુ નિશાન બનાવી રહ્યા છે. તેનો જવાબ આપવા માટે, અમેરિકાએ હુથીઓના ઠેકાણાઓનો નાશ કર્યો.