શી જિનપિંગને તેના સૈન્ય અધિકારીઓનો જ ભરોસો નથી : અનેકની ફટાફટ બરતરફી
- લોખંડી કવચ પાછળ નિર્બળ દેહ
- 3જી સપ્ટેમ્બરે યોજેલી ભવ્ય મિલિટરી પરેડમાં આધુનિક શસ્ત્રો પ્રદર્શિત કરાયા : પ્રશ્ન તે છે કે પ્રચંડ મિસાઇલ્સ સહિતના શસ્ત્રો ખરેખર કેટલા કાર્યસાધક છે ?
નવી દિલ્હી : ચીનના પ્રમુખ શી જિનપિંગે પીપલ્સ લિબરેશન આર્મીમાં ઝડપભેર સાફસૂફી શરૂ કરી દીધી છે. નામ ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશનું અપાય છે, પરંતુ વાસ્તવમાં જે અધિકારીઓ, સામ્યવાદી પક્ષને સંપૂર્ણ રીતે વફાદાર ન હોય તે સર્વેને વીણી વીણીને પદ ઉપરથી દૂર કરાઈ રહ્યા છે.
સત્તા ભ્રષ્ટ કરાયેલા અધિકારીઓ કૈં જેવા તેવા અધિકારીઓ નથી તેમાં કમાન્ડર ઑફ પીપલ્સ આર્મ્ડ પોલીસ વાંગ ચુનિંગ, સેન્ટ્રલ મિલીટરી કમિશન (સીએમસી) સભ્ય એડમિરલ મિયામો હુઆ તેમજ સીએમસીના વાઇસ ચેરમેન જનરલ હી વી ડોંગ પણ સમાવિષ્ટ છે. જનરલ વાંગ ઝીબીન જેઓ રોકેટ ફોર્સના ચીફ ઑફ ડીસીપ્લીન હતા તેમને પણ પદ ઉપરથી દૂર કરાયા છે.
તેવી જ રીતે સેન્ટ્રલ મિલિટરી કમિશનના લોજિસ્ટીક સપોર્ટ ડીપાર્ટમેન્ટના હેડ ઝાંગ લી તથા સીએમસીના જોઇન્ટ લોજીસ્ટીક સપોર્ટ ફોર્સના પોલિટિકલ કમિશ્નર ગારવો- ઠાગોંગની પણ કુકરી ઉડી ગઈ છે.
આ બરતરફી માટે તઓએ આચરેલા ભ્રષ્ટાચારનું બહાનું દર્શાવવામાં આવ્યું છે પરંતુ જેઓ 'ઇનસાઇડ' સ્ટોરી જાણે છે તેઓ તો અનામી રહેવાની શરતે ખાનગીમાં જણાવે છે કે, અત્યારે ચીનના સામ્યવાદી પક્ષ અને સશસ્ત્ર દળો વચ્ચે ઉભી થયેલી તિરાડો અને બંને વચ્ચે જાગેલો અવિશ્વાસ જ મૂળ કારણ છે.
વાસ્તવમાં આ દ્વારા શીએ સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે, જેમની વફાદારી (સામ્યવાદી પક્ષ) તરફની ખાતરી નહીં હોય તે બધાને દૂર કરવામાં આવશે જ (તમામ સરમુખત્યારશાહી દેશોની તે રસમ રહી છે ઓચિંતા કોઈ માંદા પડી ગયા છે તેવું સત્તાવાર રીતે દર્શાવી. તેમ જાહેર કરાય છે કે તેઓની માંદગી ગંભીર બની રહી હોવાથી તબીબી સલાહ પ્રમાણે કોઈએ તેઓને મળવા જઈ 'ડીસ્ટર્બ' કરવાના નથી. તેથી તેઓને તબીબો સિવાય કોઈ મળી શકશે નહીં. થોડાક દિવસ પછી નિવેદન પ્રસિદ્ધ થાય છ કે, 'કોમરેડ.... ની માંદગી અતિ ગંભીર બની ગઈ છે. પછી થોડા દિવસે જાહેર કરાય છે કે, 'દેશે એક સાચો સામ્યવાદી ગુમાવ્યો છે.'' આ બધું સ્ટેજ મેનેજ હોય છે. હકીકતમાં તે 'કોમરેડ'ને પતાવી જ દેવામાં આવ્યા હોય છે. આ કટ્ટર સામ્યવાદી દેશોની પરંપરા છે તેમાં કશું 'નવું' નથી.
હવે વાત 'હાર્ડવેર' (શસ્ત્રાસ્ત્રો)ની લઈએ ૩જી સપ્ટેમ્બર જાપાન સામેના વિજયની ૮૦મી જ્યંતીએ યોજાયેલ ભવ્ય પરેડમાં હાઇપર સોનિક મિસાઇલ ડ્રોન સબમરીન, પ્રબળ જેટ વિમાનો વગેરે દર્શાવવામાં આવ્યા હતા. પ્રશ્ન તે છે કે હાઇપર સોનિક મિસાઇલ્સની આ ગુલબાંગ માટે છે. તે કેટલા પરીક્ષણ પછી ખરા ઉતર્યા છે ? તેના પરીક્ષણો વિષે કોઈને જાણ કેમ નથી કરાઈ ? તેનો જવાબ મળતો નથી તેથી સંભવ પણ છે કે તે શસ્ત્ર પ્રદર્શન ચીનનો ભય પ્રસારવા જ કર્યું હશે.
આમ ૩જી સપ્ટેમ્બરના દિને યોજાયેલી ભવ્ય પરેડ ઘણાં પ્રશ્નો ઉપસ્થિત કરે છે.