દુનિયાના બીજા ક્રમના ધનિક લેરી એલિસન તેમની સંપત્તિના 95 ટકાનું દાન કરશે
- સખાવત કરવા બનાવેલી એલિસન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં નેત્તૃત્વની કટોકટી
- લેરી એલિસને પોતાની શરતે દાન આપવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એલિસન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી સ્થાપેલી છે
કેલિફોર્નિયા : દુનિયાના ટોચના ધનિકોમાં ઇલોન મસ્ક બાદ બીજું સ્થાન ધરાવતાં ૩૯૩ અબજ ડોલર્સની સંપત્તિના માલિક લેરી એલિસને તેમની ૯૫ ટકા સંપત્તિનું દાન કરવા માટે ખાસ ઉભી કરેલી લેરિસન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-ઇઆઇટી-માં નેત્તૃત્વની કટોકટી ઉભી થઇ હોવાના અહેવાલો પ્રકાશિત થયા છે. એઆઇની તેજીને કારણે તેમની કંપની ઓરેકલના શેરના ભાવો વધતાં તથા ટેસ્લામાં તેમના હિસ્સામાં સારો એવો વધારો થવાને પગલે એલિસને આ વર્ષેે જ તેમની સંપત્તિમાં ૧૭૬ અબજ ડોલર્સ ઉમેરી લીધાં છે. લેરી એલિસન તેમની કંપની ઓરેકલના ૪૧ ટકા શેર ધરાવે છે.
દુનિયાના ટોચના ધનિકોની યાદીમાં બીજું સ્થાન ધરાવતાં એલિસને ૨૦૧૦માં જ તેમની ૯૫ ટકા સંપત્તિનું દાન કરવાનો નિશ્ચય જાહેર કર્યો હતો. તેઓ પોતાની શરતે દાન આપવામાં માનતાં હોઇ તેમણે આ હેતુ માટે એલિસન ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી-ઇઆઇટીની સ્થાપના કરી છે. આ સંસ્થા યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં આવેલી એક ફોર પ્રોફિટ સંસ્થા છે. આ સંસ્થા આરોગ્ય, અન્ન સુરક્ષા, જળવાયુ પરિવર્તન અને એઆઇના ક્ષેત્રમાં આધુનિક સંશોધન ક્ષેત્રમાં કામ કરે છે.
એલિસને જાહેરાત કર્યા અનુસાર ૨૦૨૭માં ઇઆઇટી માટે ૧.૩ અબજ ડોલર્સના ખર્ચે એક નવો કેમ્પસ ઓક્સફર્ડમાં ખુલશે. જો કે, ન્યુ યોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર ઇઆઇટીમાં હાલ નેતાગીરીની કટોકટી ચાલી રહી છે. ૨૦૨૪માં એલિસને વિજ્ઞાાની જ્હોન બેલની સંશોધન ટીમના વડા તરીકે નિમણૂક કરી હતી. એલિસને ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે બેલ સાથે સહકાર સાધવા તેમણે મિશિગન યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રમુખ સાન્ટા ઓનોને કામે રાખ્યા છે. પણ પખવાડિયામાં જ બેલે પોતે રવાના થઇ રહ્યા હોવાની જાહેરાત કરી નાંખી હતી.
આ સંસ્થામાં એલિસનના વૈજ્ઞાાનિક સંશોધનનું વેપારીકરણ કરવાના મામલે હમેંશા તનાવ બની રહે છે. આ ઉપરાંત ઇન્સ્ટિટયુટમાં એવો પણ સવાલ સતત પૂછાઇ રહ્યો છે કે એલિસન તેમના નાણાંકીય સહાયના વચનનું કેટલા અંશે પાલન કરશે તે કેમ તે મુદ્દો છે. ભૂતકાળમાં એલિસને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાને કેન્સરના સંશોધન માટે ૨૦૦ મિલિયન ડોલર્સનું દાન કર્યું હતું. આ ઉપરાંત તેમણે મેડિકલ રિસર્ચ માટે એલિસન મેડિકલ ફાઉન્ડેશનની સ્થાપના માટે એક અબજ ડોલર્સનું દાન કર્યું હતું. પણ હવે આ ફાઉન્ડેશન બંધ થઇ ગયું છે.