- વિશ્વના અગ્રીમ બૌદ્ધ સાધુઓ, સાધ્વીઓ, શાંતિ-પ્રેમીઓ આ 13 દિવસના મહા-અભિયાનમાં ઉપસ્થિત રહ્યા છે
થિમ્બુ : ભૂતાનની રાજધાની ચાંગલી, મિથાંગ સ્ટેડીયમમાં આજ ૪ નવેમ્બર થી ૧૩ દિવસનો વિશ્વ શાંતિ અભિયાન પ્રાર્થનાઓ વગેરે હાથ ધરાઈ રહ્યાં છે. તેમાં વિશ્વના અગ્રીમ બૌદ્ધ સાધુઓ સાધ્વીઓ તથા વિશ્વ શાંતિ પ્રેમીઓ ભાગ લઈ રહ્યા છે. આ અભિયાનમાં ભૂતાનના વડાપ્રધાન ત્સેરિંગ તોગ્બે પણ ઉપસ્થિત રહ્યા છે.
વિશ્વના લગભગ દરેક ખૂણામાં જ્યારે હિંસા અને અશાંતિ ફેલાઈ રહ્યાં છે, ત્યારે વિશ્વમાં ભગવાન બુદ્ધનો શાંતિનો સંદેશો પ્રસારવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે ૪ નવેમ્બર થી ૧૭ નવેમ્બર સુધી ચાલશે.
આ અભિયાનનું આયોજન, રોયલ ગવર્નમેન્ટ ઓફ ભૂતાન દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં બૌદ્ધ ધર્મના તમામ પંથોના અગ્રીમ સાધુઓ અને સાધ્વીઓ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવાના છે. તેમજ વિશ્વ-સમસ્તને આશિર્વાદ આપતા બઝાગુરૂનું પણ પઠન કરવામાં આવનાર છે.
આ અભિયાનમાં થેરાવદા, મહાયાન અને વજૂયાનના અગ્રીમ વિદ્વાન લામાઓ પઠન કરવાના છે અને વિશ્વ સમસ્તને આર્શિવચન ઉચ્ચારશે. ઉપરાંત બૌદ્ધ ધર્મમાં કાવ-સરનું સશક્તીકરણ પણ કરશે. તેઓ વિશ્વમાં શાંતિ, કરૂણા અને સંવાદિતાનો સંદેશો પ્રસારવા માગે છે.
આ અભિયાનનો પ્રારંભ, ઝબ્ઝી ધોએચોગની પવિત્ર ધાર્મિક વિધિ સાથે કરવામાં આવ્યો. જેના મંત્રોચ્ચારો, મધ્યસ્થ મઠના લામાઓએ કર્યો હતો. તેમાં તન અને મનની સ્વચ્છતા અને પવિત્રતા ઉપર ભાર મુકાયો છે.
ચાંગલિ મિથંગના ગ્રાઉન્ડ ઉપર યોજાયેલા આ અભિયાનમાં ઇંગ્લીશ, તિબેટી અને ઝોંગખા (ભૂતાની) ભાષાઓમાં પ્રાર્થના કરવામાં આવે છે.
આ અભિયાનમાં બૌદ્ધ ધર્મના કાલ-ચક્રના પૂજન-અર્ચન અને ભગવાન બુદ્ધના આ ઉપદેશો કેન્દ્ર સ્થાને રહે તે સહજ છે.
વિશ્વભરમાં જ્યારે અશાંતિ, આક્રોશ અને માનવતા પ્રત્યેની ઉપેક્ષા વ્યાપક ભૂખમરો અને ક્ષિતિજે વાગતી ગર્ભિત યુદ્ધ દુંદુંભિઓ ગર્જે છે ત્યારે આ અભિયાન વંદનીય બની રહ્યું છે. ભારત તરફથી નિર્મલા સીતારામન ઉપસ્થિત રહ્યા હતાં.


