મેક્સિકોમાં ભીષણ અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 27નાં મોત, 17 લોકો ઘવાયા, ગવર્નરે દુઃખ વ્યક્ત કર્યું
આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો
મુસાફરોથી ભરેલી બસ બુધવારે મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી.
image : pixabay |
મેક્સિકોમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ બસ અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં થયો હતો. ઓક્સાકાના ગવર્નરે ટ્વીટ કરીને દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
આ છે સમગ્ર મામલો
વિદેશી મીડિયા અનુસાર મુસાફરોથી ભરેલી બસ બુધવારે મેક્સિકો સિટીથી યોસુન્દુઆ જઈ રહી હતી. આ દરમિયાન મેગડાલેના પેનાસ્કો શહેરમાં સવારે લગભગ 6.30 વાગ્યે બસ ખીણમાં ખાબકી ગઈ હતી. ઓક્સાકાના ગવર્નરે ટ્વિટ કરીને અકસ્માતની જાણકારી આપી હતી. ત્લેક્સિયાઓ સિવિલ પ્રોટેક્શનના કર્મચારીઓએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા.
સ્થાનિકો અને નગરપાલિકાના કર્મચારીઓ બચાવ માટે દોડી આવ્યા
માહિતી અનુસાર સ્થાનિક રહીશો અને નગરપાલિકાના કાર્યકરોએ પણ સ્થળ પર જ મોરચો સંભાળી લીધો હતો. પરંતુ આરોગ્ય કર્મચારીઓના અભાવે ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલાકી ભોગવવી પડી રહી હતી. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં એક વર્ષનું બાળક, 13 મહિલાઓ અને 13 પુરુષોનો સમાવેશ થાય છે.
રાજ્યપાલે ટ્વિટ કર્યું
ઓક્સાકાના ગવર્નર સોલોમને આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. રાજ્યપાલે વિવિધ એજન્સીઓને ઘટનાસ્થળે દોડી જવા અને પીડિતોને મદદ કરવા નિર્દેશ આપ્યો છે. રાજ્યપાલે ટ્વિટ કર્યું કે તેમણે સરકાર, આરોગ્ય, જાહેર સુરક્ષા, કલ્યાણ અને અન્ય વિભાગોના સચિવોને સ્પષ્ટ સૂચના આપી છે. અકસ્માતમાં અસરગ્રસ્ત લોકોની મદદ કરવા નિર્દેશ આપ્યો છે.