Indonesia Earthquake: શનિવારે મોડી રાત્રે ઇન્ડોનેશિયાના પૂર્વ વિસ્તારમાં 6.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, ઘણા કિલોમીટર સુધી આંચકાનો અનુભવ થતાં સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા, ત્યાંના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ ઇન્ડોનેશિયાના ટોબેલો ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 6.7 હોવાની માહિતી હતી પરંતુ પછી રિક્ટર સ્કેલ પર 6.5 આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ઉત્તર માલુકુ પ્રાંતના ટોબેલોમાં આવેલા હલમહેરા ટાપુના ઉત્તરી છેડા પાસે 52 કિલોમીટરની ઊંડાઈમાં સ્થિત હતું.
આ દેશ રીંગ ઓફ ફાયર પર સ્થિત છે
મહત્વનું છે કે કે ઇન્ડોનેશિયા વિશ્વનો એક એવો ખૂણો છે જ્યાં ભૂકંપના 'હોટ સ્પોટ' આવેલા છે. કેમ કે તે 'રીંગ ઓફ ફાયર' પર વસેલું છે. જ્યાં પૃથ્વીની નીચે ટેક્ટોનિક પ્લેટો વારંવાર અથડાય છે. ઇન્ડોનેશિયાનું ટોબેલો એક નાનું દરિયાકાંઠાનું શહેર છે જ્યાં મોટાભાગના લોકો માછીમારી અને ખેતી પર આધાર રાખે છે. ભૂકંપ બાદ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ નથી. સ્થાનિક મીડિયા મુજબ ભૂકંપનો અનુભવ થતાં જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.


