World Elephant Day : જાણો, હાથી વિશે કેટલીક રસપ્રદ માહિતી
- એક દશક પહેલાં ભારતમાં હાથીઓની સંખ્યા 10 લાખ હતી
નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2020, બુધવાર
વિશ્વભરમાં 12 ઓગષ્ટના રોજ હાથી દિવસ તરીકે મનાવવામાં આવે છે. એશિયન અને આફ્રીકન હાથીઓની દુર્દશા વિશે જાગરૂકતા ફેલાવવા માટે અને તેના તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને પ્રથમવાર 12 ઓગષ્ટ, 2012ના દિવસે લોન્ચ કરવામાં આવ્યો હતો.
દેશમાં વર્ષ 2017માં હાથીઓની સંખ્યાની ગણતરી કરવામાં આવી હતી. વર્ષ 2017માં હાથીઓની ગણતરી અનુસાર ભારતમાં 30 હજાર હાથી છે, પરંતુ ધીમે-ધીમે તેની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેરળમાં સૌથી વધારે હાથીઓનાં મૃત્યુ થયા છે
હાથીઓના મૃત્યુના કેસમાં કેરળ ભારતનું સૌથી બદનામ રાજ્ય છે, જ્યાં દર ત્રીજા દિવસે એક હાથીની મૃત્યુ થાય છે.
પ્રાણીઓને મારવું અપરાધ માનવામાં આવે છે
કોઇ પણ પ્રાણીને નુકશાન પહોંચાડવું અથવા તેને મારી નાંખવું એક અપરાધ છે, પરંતુ આ અપરાધ કરનાર ઘણા ઓછા લોકોને સજા થતી હોય છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ પ્રાણીઓને મારવા પર ત્રણ વર્ષ સુધીની સજા અને 25 હજાર રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે. ફરીથી પશુઓને હાનિ પહોંચાડવા પર સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે.
કેટલીક અન્ય રસપ્રદ માહિતી
જન્મના 20 મિનિટ બાદથી જ હાથીનું બાળક ઊભુ થઇ જાય છે. હાથી દિવસભરમાં 150 કિલો જમવાનું ખાઇ શકે છે. વજનની વાત કરીએ તો હાથીનું વજન 5 હજાર કિલો સુધી હોઇ શકે છે. હાથી સાથેના સંઘર્ષમાં 500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવી શકે છે.
દેશમાં હાલ 27 હજાર હાથી બચ્યા છે. 02 હજારથી વધારે હાથીઓને બંધક બનાવવામાં આવ્યા છે. એક દશક પહેલા દેશમાં હાથીઓની સંખ્યા 10 લાખ હતી. 100 હાથીઓને દર વર્ષે મારી નાંખવામાં આવે છે.