World

મકાનનું મોંઘું ભાડુ બચાવવા મહિલાનો કિમિયો, 500 ડોલર ચુકવીને દોઢ વર્ષથી રહે છે બંકરમાં

By GS TEAM
4 Jul 20252 mins read
મકાનનું મોંઘું ભાડુ બચાવવા મહિલાનો કિમિયો, 500 ડોલર ચુકવીને દોઢ વર્ષથી રહે છે બંકરમાં

ન્યૂયોર્ક,૪ જુલાઇ,૨૦૨૫,શુક્રવાર 

યુદ્ધ જેવી આફતના સમયમાં ઇઝરાયેલ જેવા દેશમાં નાગરિકોને બંકરમાં રહેવું પડે છે પરંતુ અમેરિકામાં એક મહિલાને મકાનનું ભાડું વધારે પડતા સસ્તું બંકર ભાડે લઇને રહે છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ અનુસાર ૪૪ વર્ષની કેટલિન જોનસન નામની મહિલાની એપ્રિલ ૨૦૨૪માં ન્યૂયોર્કથી કેલિફોર્નિયા ટ્રાન્સફર થઇ હતી. આ સમયે તેને બેકર્સફીલ્ડમાં પોતાના મિત્રના બંગલાના યાર્ડમાં જમીનની અંદર બનેલા બંકરમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. પોતાના મિત્રને બંકરમાં રહેવાના ભાડા પેટે ૫૦૦ ડોલર પ્રતિ મહિના આપે છે.

આ બંકરમાં એક માસ્ટર બેડરુમ, એક ફૂલ ફર્નિશ્ડ, રસોઇઘર, ડ્રોઇંગ રુમ, ૧૮ બંક બેડ, અલગ બે બાથરુમ અને એક શાવરનો સમાવેશ થાય છે. ૧૨૦૦ વર્ગ ફૂટના અંડર ગ્રાઉન્ડ બંકરમાં રહેતી મહિલાનું માનવું છે કે કેલિફોર્નિયામાં એક બેડરુમવાળા ઘરનું ભાડુંં ૧.૫ થી ૨ હજાર ડોલર પ્રતિ મહિના છે પરંતુ બંકરમાં રહીને વર્ષે ૧૮૦૦૦ ડોલરની બચત કરે છે. આમ મહિલાનું બંકરમાં ભાડે રહેવું બચતનો પર્યાય બની ગયું છે. કેટલિનના જણાવ્યા અનુસાર પોતાના મિત્રએ આ પ્રોપર્ટી વર્ષ ૨૦૨૨માં લીધી હતી. જેમાં એક બંકર હતું જે મકાનના મૂળ માલિકે બનાવ્યું હતું.


 આ બંકર ખાલી હોવાથી તેના મિત્રએ  ૫૦૦ ડોલર પ્રતિ માસના દરથી ભાડે આપ્યું હતું. કેટલીને ઓફરનો તરત જ સ્વીકાર કરી લીધો અને બંકરમાં રહેવાની સાથે તે યાર્ડની પણ દેખરેખ કરે છે. કેટલિને કહયું હતું કે બંકરમાં જવા માટે હાઇડ્રોલિક દરવાજો ખોલવો પડે છે ત્યાર પછી ૧૫ પગથિયા ઉતરીને એક વિસ્ફોટ પ્રતિરોધી દરવાજામાં પ્રવેશ કરવો પડે છે. આ બંકર એકદમ શાંત જેમાં કોઇ પણ પ્રકારનો કોલાહલ જોવા મળતો નથી. બંકર જાણે કે જમીનની ઉપરનું એપાર્ટમેન્ટ હોય તેવું લાગે છે. ફોન સિગ્નલ અને ઇન્ટરનેટ સરળતાથી મળી રહે છે.

કેટલિન જાણે છે કે બંકર કાયમને માટે ઘર હોતું નથી પરંતુ તેને ફાવી ગયું છે. પહેલીવાર બંકરમાં રહેવાનો નિર્ણય કર્યો ત્યારે અજીબ લાગતું હતું પરંતુ હવે નોર્મલ લાગે છે. બંકરમાં રહો કે જમીન ઉપર બાંધેલા ઘરમાં કોઇ જ ફર્ક નથી પરંતુ કેટલિન માને છે કે જો આ દુનિયામાં વિશ્વયુદ્ધ જેવી કોઇ પણ પરિસ્થિતિ ઉભી થાય તો પોતે સુરક્ષિત છે.

બંકરમાં પ્રાકૃતિક અજવાળું ના મળતું હોવા છતાં કોઇ જ મુશ્કેલી પડતી નથી. શયનકક્ષમાં કૃત્રિમ પ્રકાશની પુરતી વ્યવસ્થા છે. શિયાળાના સમયમાં થોડીક તકલીફ પડે છે. પ્રકાશ માટે બંકરના ૧૦ ફૂટ બાય ૪ ફૂટના બે હાઇડ્રોલિક દરવાજો ખુલ્લા કરી નાખે છે. સામાન્ય રીતે બંકરમાં કોઇનું કાયમી રહેઠાણ હોતું નથી. મુશ્કેલભરી સ્થિતિમાં લોકો થોડોક સમય જ રહેતા હોય છે આ મજબૂરી હોય છે પરંતુ કેટલિને સામે ચાલીને બંકરમાં રહેવાનું પસંદ કરતા ચર્ચામાં આવી છે.