World

ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલનો ઈરાન પર મોટો હુમલો, નેતન્યાહૂએ કહ્યું- સીઝફાયર ઉલ્લંઘનનો જવાબ આપવો જરૂરી

By GS TEAM
24 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર પર મંજૂરીના અઢી કલાકમાં જ ઈરાને હુમલો કર્યો હતો. આ હુમલાનો વળતો જવાબ આપતાં ઈઝરાયલે પણ તેહરાનમાં એક-પછી એક બે હુમલા કરી દીધા છે. ટ્રમ્પે ઈઝરાયલને હુમલો કરવાની ના પાડી હોવા છતાં ઈઝરાયલે તેહરાન નજીક સ્થિત ઈરાની રડાર મથક પર એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો મળ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પની ચેતવણી છતાં ઇઝરાયલનો ઈરાન પર મોટો હુમલો, નેતન્યાહૂએ કહ્યું- સીઝફાયર ઉલ્લંઘનનો જવાબ આપવો જરૂરી

Iran Israel Ceasefire Violation: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયર પર મંજૂરીના અઢી કલાકમાં જ ઈરાને હુમલો કર્યો હતો. આ હુમલાનો વળતો જવાબ આપતાં ઈઝરાયલે પણ તેહરાનમાં એક-પછી એક બે હુમલા કરી દીધા છે. ટ્રમ્પે ઈઝરાયલને હુમલો કરવાની ના પાડી હોવા છતાં ઈઝરાયલે તેહરાન નજીક સ્થિત ઈરાની રડાર મથક પર એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલો મળ્યા છે. 

સ્થાનિક મીડિયા અનુસાર, તેહરાનથી લગભગ 200 કિમી કેસ્પિયન સમુદ્રના કિનારે સ્થિત બાબોલ અને બાબોલસર શહેરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. હજુ સુધી હુમલામાં નુકસાન અને જાનહાનિના કોઈ અહેવાલ મળ્યા નથી. આ હુમલા બાદ મધ્ય-પૂર્વમાં ફરી તણાવ વધ્યો છે.

Axiosના મતે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ કર્યું કે, 'હુમલાને ટાળવા શક્ય નથી અને ઈરાનની કાર્યવાહીના જવાબમાં કંઈક કરવું જરૂરી છે.'

આજે સવારે જ કર્યું હતું સીઝફાયર

છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત લાવવા આજે સવારે જ બંને દેશોએ સીઝફાયરને સહમતિ આપી હતી. આ અંગે સૌપ્રથમ જાહેરાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. જો કે, આ જાહેરાતના અઢી કલાકમાં જ ઈરાને ઈઝરાયલ પર હુમલો કરતાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. ઈઝરાયલે પણ સામે વળતો જવાબ આપવાની તૈયારી બતાવી હતી. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ સેનાને મજબૂતાઈથી આકરો જવાબ આપવા આદેશ આપ્યો હતો. જેના ભાગરૂપે ઈઝરાયલે તેહરાનમાં એક-પછી એક બે હુમલા કર્યા હતા. નોંધનીય છે, ઈરાને સીઝફાયરના ઉલ્લંઘનનો દાવો નકાર્યો હતો. તેણે સીઝફાયર બાદ કોઈ હુમલો કર્યો ન હોવાનું જણાવ્યું હતું.


ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી

ટ્રમ્પે વ્હાઈટ હાઉસ લૉન પર મીડિયા સાથે વાતચીત કરતાં આ સમગ્ર ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઈરાન અને ઈઝરાયલ યુદ્ધ પર ટીપ્પણી કરતાં ગુસ્સામાં અપશબ્દો પણ કહ્યા હતાં. ટ્રમ્પે કહ્યું કે, આટલા સમયથી બંને લડી રહ્યા છે. તેમને પોતાને ખબર નથી કે, તેઓ શું કરી રહ્યા છે. હું બંનેથી ખાસ કરીને ઈઝરાયલથી નારાજ છું. ઈરાને સીઝફાયરનું ઉલ્લંઘ કર્યું છે કે નહીં તેની મને જાણ નથી. પરંતુ ઈઝરાયલે તેનો ભંગ કર્યો છે. ઈઝરાયલે બોમ્બ વરસાવ્યા છે.  હું ઈઝરાયલથી નાખુશ છું.