- વ્હાઈટ હાઉસમાં નિવેદનમાં જણાવાયું છે કે, નાટોએ ડેન્માર્કને તેની તથા ગ્રીનલેન્ડની સલામતી અંગે ચેતવણી આપી હતી, છતાં તેણે કશું કર્યું નથી
નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ અંગે અતિ કઠોર નિવેદન પ્રસિદ્ધ કર્યું છે અને જણાવ્યું છે કે છેલ્લા ૨૦ વર્ષથી ડેન્માર્કે નાટોની ચેતવણી પ્રત્યે ધ્યાન જ આપ્યું નથી. આ ચેતવણી આર્કટિક રીજયન (ધુ્રવ-પ્રદેશ)માં રશિયા અને પછી ચીનની વધતી જતી ભીતિ અંગે આપવામાં આવી હતી.
વ્હાઈટ હાઉસના આ નિવેદનમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે, નાટોએ ગ્રીનલેન્ડ અંગેના જોખમ વિષે ડેન્માર્કને વારંવાર ચેતવ્યું હતું. સલામતી સામે ખતરો ઉપસ્થિત થયો હોવા છતાં ડેન્માર્કે ધ્યાન આપ્યું નહીં. નાટો ૨૦ વર્ષથી ડેન્માર્કને કહેતું આવ્યું છે કે તમારે રશિયાની ભીતિ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ પરંતુ ડેન્માર્ક તે અંગે કશું કરી શકે તેમ જ ન હતું. હવે સમય છે કે તે કરવું જ પડશે. તેમ પણ પ્રમુખ ટ્રમ્પે કહ્યું.
ટ્રમ્પની આ કોમેન્ટ પછી ગ્રીનલેન્ડની પરિસ્થિતિ વધુ અનિશ્ચિત બની રહી છે. ઘણા વિશ્લેષણકારો કહે છે કે, અમેરિકા, ગ્રીનલેન્ડ પર કાબુ મેળવવા કદાચ હુમલો પણ કરે.
આમ છતાં યુરોપીય દેશોએ ટ્રમ્પના આ કથનનો સખત વિરોધ કર્યો છે. નોર્વે, જર્મની, ફ્રાંસ અને ઇંગ્લેન્ડે તથા અન્ય યુરોપીય દેશોએ ટ્રમ્પના આ દાવાને અસ્વીકાર્ય જ ગણ્યો છે અને તેની ટીકા પણ કરી છે. આથી ટ્રમ્પ ધૂંધવાયા છે અને ડેન્માર્ક, નોર્વે, સ્વીડન સહિત ૮ યુરોપીય દેશો ઉપર વધારાનો ૧૦ ટકા ટેરીફ નાખવાની ધમકી ઉચ્ચારી છે.
આ સામે ડેન્માર્કના વડાપ્રધાન પેટે ફ્રેડરિકસને ગંભીર ચેતવણી આપતાં કહ્યું છે :
* ડેન્માર્ક ગ્રીનલેન્ડ વેચશે નહીં.
* પ્રદેશ ઉપરનો કંટ્રોલ હસ્તાંતરિત નહીં કરે.
* કોઈ પણ પ્રકારના લશ્કરી કબજાનો સામનો કરાશે.
કેટલાએ યુરોપીય દેશોએ તેમના સૈનિકો ગ્રીનલેન્ડમાં રવાના કરી દીધા છે.


