રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે 100 રાફેલ જેટની એન્ટ્રી થતાં બદલાશે યુદ્ધની દિશા! હવે શું કરશે પુતિન?

Image Source: Twitter
Ukraine Buy 100 Rafale Fighter Jets From France: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે એક મોટો વળાંક આવી શકે છે. સોમવારે યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ યુક્રેનને આગામી 10 વર્ષમાં ફ્રાન્સ પાસેથી 100 રાફેલ ફાઈટર જેટ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને અન્ય હથિયાર મળશે. ઝેલેન્સ્કીએ તેને 'વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ' ગણાવી છે. પરંતુ શું આ જેટ યુદ્ધની દિશા બદલી નાખશે? અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો શું જવાબ હશે?
રાફેલ જેટ શું છે અને તે કેમ ખાસ છે?
રાફેલ ફ્રાન્સનું સૌથી ઍડ્વાન્સ ફાઇટર વિમાન છે. તે ચોથી પેઢીનું મલ્ટી-રોલ જેટ છે, જે હવામાં લડાઈ, લાંબા અંતરના હુમલા અને મિસાઇલ રોકવાનું કામ કરી શકે છે. એક જેટની કિંમત લગભગ 850 કરોડ રૂપિયા છે. ફ્રાન્સે અગાઉ યુક્રેનને મિરાજ જેટ આપ્યા હતા, પરંતુ રાફેલ પહેલી વાર આપવામાં આવી રહ્યા છે.
આ જેટ અમેરિકન F-16 જેટની જેમ કામ કરે છે. યુક્રેન પાસે હાલમાં માત્ર 9 F-16 અને 2 મિરાજ છે, બાકીના જૂના સોવિયેત વિમાનો છે. રાફેલ જેટની એન્ટ્રીથી યુક્રેનની હવાઈ તાકાત મજબૂત થશે. નિષ્ણાતો કહે છે કે, તે રશિયન મિસાઇલો અને ડ્રોનને સરળતાથી અટકાવી શકશે. જોકે, પ્રથમ જેટ આવવામાં ઓછામાં ઓછા ત્રણ વર્ષ લાગશે, કારણ કે પાયલટ્સને ટ્રેનિંગ આપવી પડશે.
ડીલ કેલી રીતે થઈ અને તેમાં શું-શું છે?
17 નવેમ્બર 2025ના રોજ પેરિસના વિલાકોબ્લે એરબેઝ પર બંને પ્રમુખોએ લેટર ઓફ ઇન્ટેન્ટ (કરાર પત્ર) પર હસ્તાક્ષર કર્યા. આ કોઈ ફાઇનલ કોન્ટ્રાક્ટ નથી પરંતુ ભવિષ્યની ખરીદ માટેની યોજના છે. આ ડીલમાં શામેલ છે...
- 100 રાફેલ F4 જેટ: 2035 સુધીમાં ડિલીવરી.
- ડ્રોન અને રડાર: હવાથી હવામાં અને હવાથી જમીન પર હુમલો કરવા માટે.
- SAMP/T એર ડિફેન્સ સિસ્ટમ: આ અમેરિકન પેટ્રિઅટ કરતાં રશિયન મિસાઇલોને વધુ સારી રીતે અટકાવે છે.
ફ્રાન્સ EU પ્રોગ્રામ અને રશિયાના ફ્રીઝ્ડ એસેટ્સ (જપ્ત સંપત્તિ)માંથી પૈસા આપશે. યુક્રેન પણ કો-પ્રોડક્શન પર વિચાર કરી રહ્યું છે, જેથી જેટ ખુદ બનાવી શકે. આ ડીલ સ્વીડન સાથે 150 ગ્રિપેન જેટની ડીલ બાદ થઈ છે. યુક્રેનની યોજના 250 નવા વિમાનોથી હવાઈ તાકાત બનાવવાની છે.
યુદ્ધ પર શું પડશે અસર?
યુક્રેનની હવાઈ શક્તિ એક મોટી સમસ્યા છે. રશિયા દર મહિને 6,000 ગ્લાઇડ બોમ્બ ફેંકે છે, જે સરહદ પરના શહેરોને તબાહ કરી રહ્યા છે. તાજેતરમાં જ ખાર્કિવ અને બાલાક્લિયામાં રશિયન હુમલાઓમાં ઘણા નાગરિકો માર્યા ગયા હતા. રાફેલથી યુક્રેન લાંબા અંતરના હુમલા કરી શકશે અને રશિયન વિમાનોને પાછળ ધકેલી શકશે.
નિષ્ણાતોનું શું કહેવું?
- શોર્ટ ટર્મમાં વધુ ફરક નહીં પડશે. ટ્રેનિંગ અને ડિલીવરીમાં સમય લાગશે. યુદ્ધ હાલમાં રશિયાના પક્ષમાં ચાલી રહ્યું છે, જે ધીમે-ધીમે જમીન પર કબજો કરી રહ્યું છે.
- લોન્ગ ટર્મમાં આ જેટ રશિયાને ડરાવશે. યુક્રેન લાંબા અંતરના હુમલા કરી શકશે, જેમ કે, રશિયાની અંદર સ્ટ્રાઇક. તે રશિયાને ભવિષ્યમાં હુમલા કરતા અટકાવશે. રાફેલ રશિયન જેટ્સને હરાવી શકશે.
- જોકે, બીજી તરફ પડકાર એ છે કે, યુક્રેને પૈસા એકઠા કરવા પડશે. અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રએ ઓછી મદદ કરી છે તેથી યુરોપ આગળ આવી રહ્યું છે. ફ્રાન્સે કહ્યું કે, તે યુક્રેનની આર્મીને ફરીથી બનાવશે.
હવે પુતિન શું કરશે?
આ ડીલના સમાચાર પર ક્રેમલિન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા નથી આવી. પરંતુ રશિયાનું વલણ સ્પષ્ટ છે. પુતિન યુદ્ધવિરામની માગ ઠુકરાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે યુક્રેન ધીમે-ધીમે હથિયાર જમા કરી લેશે. રશિયા ટ્રમ્પ પાસે વાતચીતની આશા રાખી રહ્યું છે, પરંતુ તેની શરતો નથી છોડી રહ્યું.
પુતિનનો સંભવિત જવાબ
- જમીન પર કબજો: રશિયા દોનેત્સક અને ઝાપોરિઝિયાના ગામડાઓ પર કબજો કરી રહ્યું છે.
- હવાઈ હુમલામાં વધારો: મિસાઇલ અને ડ્રોનથી યુક્રેનના એનર્જી પ્લાન્ટ્સ પર હુમલા વધારી શકે છે.
- હાઇબ્રિડ વોર: રોમાનિયા અને પોલૅન્ડમાં રશિયન પ્રોક્સી હુમલા કરી રહ્યા છે, જેમ કે LNG ટેન્કર પર હુમલો. બ્રિટિશ મંત્રી ટૉમ ટુંગેહાટ કહે છે કે પુતિન યુરોપને ડરાવવા માટે યુદ્ધ ફેલાવી રહ્યા છે.
- રાજનીતિક દબાણ: ટ્રમ્પ સાથે ડીલ કરવાનો પ્રયાસ, જેથી પશ્ચિમી મદદ અટકે.
મેક્રોને કહ્યું કે, રશિયાને યુદ્ધની લત છે. 2027 પહેલા શાંતિ સ્થાપિત થઈ જવી જોઈએ. પરંતુ પુતિન પીછે હઠ કરવા માટે તૈયાર નથી.
આશાનું કિરણ પરંતુ રસ્તો લાંબો
આ ડીલ યુક્રેન માટે એક મોટી જીત છે, ખાસ કરીને જ્યારે અમેરિકાની મદદ અનિશ્ચિત છે. રાફેલથી હવાઈ સુરક્ષા મજબૂત થશે, પરંતુ યુદ્ધનો અંત લાવવા માટે હજુ વધુ હથિયાર, ટ્રેનિંગ અને ડિપ્લોમેસીની જરૂર પડશે. યુક્રેનિયન લોકો શિયાળામાં રશિયન હુમલાઓ સામે સંઘર્ષ કરી રહ્યા છે. વિશ્વ શાંતિ ઇચ્છે છે, પરંતુ પુતિન પોતાની જિદ પર અડગ છે.

