World

જિનપિંગ સાથેની બેઠકમાં તાઈવાન અને જિમ લાઈનો મુદ્દો ઉઠાવીશ : ટ્રમ્પ

By GS TEAM
26 Oct 20253 mins read
જિનપિંગ સાથેની બેઠકમાં તાઈવાન અને જિમ લાઈનો મુદ્દો ઉઠાવીશ : ટ્રમ્પ

- અમેરિકન પ્રમુખ ટ્રમ્પ મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયાના પ્રવાસે

- પ્રમુખ ટ્રમ્પ મલેશિયામાં આસિયાન, દક્ષિણ કોરિયામાં એપેક મંત્રણામાં જોડાશે : બુસાનમાં ચીનના પ્રમુખ જિનપિંગને મળશે

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દક્ષિણ કોરિયાના બુસાન શહેરમાં ઐતિહાસિક મુલાકાત નિશ્ચિત થઈ ગઈ છે. આ બેઠકને અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના વધતા તણાવને ઘટાડવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મુલાકાતમાં બંને નેતા વેપાર યુદ્ધ, ફેન્ટાનિલ સંકટ અને ટેકનોલોજી પ્રતિબંધ જેવા મુદ્દા પર ચર્ચા કરશે. જોકે, ટ્રમ્પે પાંચ દિવસના એશિયા પ્રવાસ માટે રવાના થતા પહેલાં કહ્યું હતું કે, આ બેઠકમાં તેઓ તાઇવાન અને હોંગકોંગના નેતા લાઈ જિમનો મુદ્દો પણ ઉઠાવશે.

અમેરિકામાં શટડાઉન વચ્ચે જ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મલેશિયા, જાપાન અને દક્ષિણ કોરિયાના પાંચ દિવસના પ્રવાસ માટે રવાના થયા હતા. તેમના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં આ સૌથી લાંબો વિદેશ પ્રવાસ છે. પ્રમુખ ટ્રમ્પ મલેશિયાના કુઆલાલુમ્પુરમાં રવિવારથી શરૂ થઈ રહેલા આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેશે.

વ્હાઈટ હાઉસનાં પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પુષ્ટી કરી હતી કે એશિયાના પ્રવાસમાં પ્રમુખ ટ્રમ્પ ૨૯ ઑક્ટોબરથી દક્ષિણ કોરિયાના ગ્યાંગઝૂમાં શરૂ થઈ રહેલી એશિયા-પ્રશાંત આર્થિક સહયોગ (એપેક) શિખર મંત્રણામાં પણ ભાગ લેશે. એપેક શિખર સંમેલનની સાથે પ્રમુખ ટ્રમ્પ બુસાનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ કરશે. ટ્રમ્પે આ પ્રવાસમાં ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે પણ મુલાકાત માટે તૈયારી બતાવી છે.

ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતને ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને પુષ્ટી આપી હતી. તેમણે કહ્યું કે શી જિનપિંગ દક્ષિણ કોરિયાના પ્રમુખ લી જાએ-મ્યંગના આમંત્રણ પર ૩૦ ઓક્ટોબરથી ૧ નવેમ્બર સુધી ગ્યોંગજુમાં શિખર સંમેલનમાં ભાગ લેશે અને રાજકીય પ્રવાસ કરશે. તેમણે કહ્યું કે, બંને દેશના નેતા બુસાનમાં ૩૨મી એપેક આર્થિક નેતાઓની શિખર મંત્રણાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને દેશો વચ્ચે ટ્રેડ વોર મુદ્દે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આ મુલાકાત થશે, જેમાં બંને નેતા વેપાર તણાવ ઘટાડવા પર ચર્ચા કરી શકે છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એશિયા પ્રવાસે રવાના થતા પહેલાં જણાવ્યું હતું કે, તેઓ જિનપિંગ સાથેની મુલાકાતમાં તાઈવાન અને હોંગકોંગના લોકતંત્ર તરફી નેતા જિમ લાઈની મુક્તિનો મુદ્દો ઉઠાવી શકે છે. અમારી વચ્ચે વાત કરવા માટે ઘણા મુદ્દા છે. હું તાઈવાનનો મુદ્દો ઉઠાવીશ, જોકે, ત્યાં જઈશ નહીં. જિમ લાઈ હોંગકોંગમાં લોકશાહી તરફી અખબારના સંસ્થાપક છે. બેઈજિંગે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ હોંગકોંગમાં જિમ લાઈને કેદમાં રાખ્યા છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે બંને દેશો વચ્ચે વેપારી ટક્કર અને નીતિગત મતભેદ વધી રહ્યા છે. બેઈજિંગે દુર્લભ ધાતુઓની નિકાસ પર સખત નિયંત્રણનો સંકેત આપ્યો છે જ્યારે વોશિંગ્ટને નવી ટેકનોલોજી પર અતિરિક્ત ટેરિફ અને પ્રતિબંધ લગાવવાની ધમકી આપી છે. ટ્રમ્પે ખાસ કરીને ફેંટાનિલ નિકાસ અને અમેરિકી ખેડૂતોની સમસ્યા સહિત તમામ મુદ્દા પર સમાધાનની આશા વ્યક્ત કરી છે.