ટૉમ-હોક્સ મિસાઇલ્સ નહીં મળે : પુતિન સાથે સુલેહ કરી લો : ઝેલેન્સ્કીને ડોનાલ્ડ ટ્રમ્પનો ઝાટકો

- પુતિન જે માગે છે તે આપી દો નહીં તો ખતમ થઈ જશો
- વ્હાઈટ હાઉસમાં ઝેલેન્સ્કી સાથેની મંત્રણા સમયે બંને નેતાઓ વચ્ચેની ચર્ચા રીતસરની રાડા-રાડીમાં પરિણમી ઝેલેન્સ્કી નિરાશ થયા
વૉશિંગ્ટન : રશિયા-યુક્રેન યુદ્ધ અટકવાનું નામ લેતું નથી. ડૉનાલ્ડ ટ્રમ્પના શાંતિ-પ્રયાસો એટલી હદે નિષ્ફળ ગયા છે કે છેવટે તેઓએ એક તબક્કે તેમ કહી દીધું હતું કે તેમને લડવું જ છે તો લડી લેવા દો.
વાસ્તવમાં ઝેલેન્સ્કી ટૉમ હોક મિસાઈલ્સ લેવા માટે ડોનાલ્ડ ટ્રમ્પને રૂબરૂમાં મળવા વૉશિંગ્ટન ગયા હતા ત્યાં ઓવલ ઓફીસમાં જ બંને પ્રમુખો વચ્ચે તડાતડી થઈ ગઈ હતી. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે ટૉમ-હૉક્સ મિસાઇલ્સ નહીં મળે. પુતિન સાથે સુલેહ કરી લો. આથી ઝેલેન્સ્કી પણ ગરમ થઈ ગયા હતા અને કહ્યું હતું કે તો અમે અમારૃં રક્ષણ કઈ રીતે કરીએ. ઝેલેન્સ્કીએ ઘણા મોટા અવાજે ટ્રમ્પને આ કહ્યું તો સામે ટ્રમ્પ પણ તેવા જ મોટા અવાજે કહ્યું : પુતિન જે માગે છે તે તેમને આપી દો અને ગમે તેમ કરી તેઓ સાથે સમજૂતી કરી લો. પરંતુ ટૉમ-હૉક મિસાઈલ તો નહીં જ મળે.
એવું પણ જાણવા મળ્યું છે કે હજી સુધી અમેરિકાએ યુક્રેનને એટલાં બધાં શસ્ત્રો આપ્યાં છે અને યુક્રેન સિવાય અન્ય સાથી દેશોને પણ એટલાં બધાં શસ્ત્રો આપ્યા છે કે તેના શસ્ત્રાગારમા શસ્ત્રો ખુટી રહ્યાં છે. તેમાંયે સૌથી વધુ શસ્ત્રો તો અમેરિકાએ યુક્રેનને જ આપ્યા કર્યાં છે. હવે તે વધુ શસ્ત્રો આપવા માગતું નથી તેમાંયે જો ટૉમ-હૉક મિસાઈલ્સ આપે તો રશિયા ખરેખરૃં ગિન્નાય તેમ છે. કારણ કે મિસાઇલ્સ કીવમાં બેઠાં બેઠાં યુક્રેન મોસ્કો (ક્રેમ્લીન) પર જ સીધો હુમલો કરી શકે તેમ છે. જેથી રશિયા વિરોધ કરે તે સહજ છે. માટે ટ્રમ્પે ટૉમ-હૉક મિસાઈલ્સ અપવાને બદલે પુતિન સામે સમજૂતી સાધવા કહ્યું હોય તે સહજ છે.








