પાકિસ્તાનમાં લોકશાહીનો 'મૃત્યુ-ઘંટ' વાગી રહ્યો છે ? મુનિર ફિલ્ડ-માર્શલ જાહેર થતાં લશ્કરી શાસન આવી જશે ?
- 'મુનિરને બાદશાહ જાહેર કરો' : ઈમરાનના બહેનનો કટાક્ષ
- પાકિસ્તાનના 78 વર્ષના ઇતિહાસમાં 'ફિલ્ડ-માર્શલ' બનનારા આસીમ મુનિર બીજા લશ્કરી વડા છે : 1959માં જન. ઐય્યુબ ખાન સ્વયમેવ ફિલ્ડ-માર્શલ બન્યા હતા
નવી દિલ્હી : 'ઓપરેશન સિંદૂર' દ્વારા ભારતના હાથે ભયંકર પછડાટ ખાધી હોવા છતાં, પાકિસ્તાનના લશ્કરના વડા જન. આસીમ મુનિરને ફિલ્ડ-માર્શલ બનાવવાના શરીફ સરકારના નિર્ણયની ઉગ્ર ટીકા થઈ રહી છે. લોકશાહી સિદ્ધાંતોને તે નગ્ન-ભંગ છે.
હદ તો તે વાતની છે કે, 'ઓપરેશન સિંદૂર'માં મળેલી ભયંકર પછડાટ માટે લશ્કર અને લશ્કરના વડાઓને જવાબદાર ગણવાને બદલે મુનિરને સેનામાં અપાતું સર્વોચ્ચ પદ ફિલ્ડ-માર્શલનું પદ - આપવામાં આવ્યું છે. આ રીતે મુનિરને તેમની અક્ષમતાને બદલે નિર્બંધ-સત્તા આપવામાં આવી છે.
વાત સીધી અને સાદી છે. એક્ષપર્ટસ પાકિસ્તાનમાં લશ્કરનો વધતો પ્રભાવ જોઈ રહ્યા છે. 'ઓપરેશન સિંદૂર' પછી પાકિસ્તાનમાં મિલિટરી સરકાર ઉપર તેની પકડ મજબૂત કરતી દેખાઈ રહી છે. ભીતિ તો તે છે કે, પાકિસ્તાનમાં લોકશાહીનો મૃત્યુ-ઘંટ વાગવો શરૂ થઈ ગયો છે.
ફિલ્ડ-માર્શલ થતાં હવે મુનિર કાનુનથી પર બની ગયા છે. પાકિસ્તાનની કોઈ પણ કોર્ટ તેમની ઉપર કાર્યવાહી નહીં કરી શકે. તેઓ ન્યાયતંત્ર તેમજ સંસદથી પણ ઉપર બની ગયા છે.
મુનિર બીજા તેવા લશ્કરી વડા છે કે જેઓ ફિલ્ડ-માર્શલ બન્યા છે. પાકિસ્તાનના ૭૮ વર્ષના ઈતિહાસમાં તેઓ બીજા ફિલ્ડ-માર્શલ છે.
આ પૂર્વે જનરલ ઐય્યુબ ખાને ૧૯૫૮માં બળવો કરી સત્તા -સર્વ સત્તા- હાથમાં લીધી હતી. તે પછીનાં વર્ષે (૧૯૫૯માં) તેમણે સ્વયેવ જ પોતાને ફિલ્ડ-માર્શલ અને સિપાહી-સાબાદ જાહેર કરી દીધા હતા.
જનરલ મુનિરે બીજો માર્ગ અપનાવ્યો. તેઓએ ચૂંટાયેલી સરકાર પાસેથી જ ફિલ્ડ-માર્શલ નો ખિતાબ મેળવી લીધો. આ રીતે પોતાની પદવી ઊંચી લઈ જવા માટે તેમણે સરકારનો જ માર્ગ લીધો.
વડાપ્રધાન શહાબાઝ શરીફે આ નિર્ણયને યોગ્ય ઠરાવવા ઉપરાંત જાહેરમાં મુનિરની પ્રશંસા કરી.
આ પદ જીવનભરનું પદ છે. તે પાછું ખેંચી શકાતું નથી. ફિલ્ડ-માર્શલ પદ લશ્કરનું ટોચનું પદ છે. તે ફાઈવ સ્ટાર જનરલ કહેવાય છે. એટલે કે તેઓના કોલર ઉપર પાંચ-તારકો લગાડેલા હોય છે.
આ અંગે ટીકાકારો કહે છે કે, પાકિસ્તાન એવો દેશ છે કે જયાં બધું જ અને ગમે તે બની શકે તેમ છે.
પાકિસ્તાનમાં શહબાઝ સરકારના આ પગલાની ઉગ્ર ટીકા થઈ રહી છે. વાસ્તવમાં આસીમ મુનિર સાથે જ વાંધો પડતાં આખરે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને કારાવાસ આપવામાં આવ્યો છે.
બીજી તરફ પાકિસ્તાનના વરિષ્ટ પત્રકાર વકાર મલિક તો સ્પષ્ટ રીતે કહે છે ક ેહવે મુનિર જ પાકિસ્તાનના સર્વે સર્વા બની રહેશે. લોકશાહીનો મૃત્યુ ઘંટ વાગવો શરૂ થઈ ગયો છે. મુનિરની મુદત નવેમ્બર ૨૯ના દિને પૂરી થાય છે. પરંતુ તેઓ પદ છોડે તે સંભવિત લાગતું નથી. જયારે ઇમરાન ખાનના બહેન અલીમા ખાને તો આક્રોશ ઠાલવતાં કહી દીધું કે, મુનિરને માત્ર ફિલ્ડ-માર્શલ જ શું કામ તેને શહવાઝ શરીફે 'બાદશાહ' જાહેર કરવો જોઈએ.