ભારત સાથે ખૂબ જ મોટો સોદો કરીશું : ટ્રમ્પ

- અમેરિકાએ ચીન સાથે વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા
- ભારત-અમેરિકાના વેપાર કરારમાં કૃષિ અને ડેરી સેક્ટર્સ સૌથી મોટા પડકાર, અંતિમ ચર્ચા માટે ભારતીય ટીમ વોશિંગ્ટનમાં
- ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથેના વેપાર સોદાની વિગતો જાહેર કરી નહીં, પરંતુ રેર અર્થ અંગે સમજૂતી થયાની અટકળો
વોશિંગ્ટન : અમેરિકાએ ચીન સાથે વેપાર સોદા પર હસ્તાક્ષર કરી લીધા છે અને હવે અમેરિકા ટૂંક સમયમાં ભારત સાથે એક 'ખૂબ મોટી ડીલ' કરવા જઈ રહ્યું છે તેમ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ તરીકે બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી ભારત અને અમેરિકાએ દ્વિપક્ષીય વેપાર માટે વાટાઘાટો શરૂ કરી હતી, જે હવે અંતિમ તબક્કામાં છે. અમેરિકા સાથે વેપાર સોદા માટે ભારતની એક ટીમ વોશિંગ્ટન પહોંચી છે, જેના બીજા જ દિવસે પ્રમુખ ટ્રમ્પે ભારત સાથે મોટા વેપાર સોદાની તૈયારીની જાહેરાત કરી છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળમાં સત્તા સંભાળ્યા પછી દુનિયાના દેશો પર ટેરિફ બોમ્બ ઝિંકવાની સાથે વેપાર વાટાઘાટો હાથ ધરી હતી. એ જ રીતે ભારત સાથે પણ અમેરિકાની દ્વિપક્ષીય વેપાર અંગે વાટાઘાટો ચાલી રહી છે. આ માટે ભારતીય પ્રતિનિધિઓની એક ટીમ અંતિમ ચર્ચા માટે વોશિંગ્ટન પહોંચી છે ત્યારે ટ્રમ્પે આ જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે બીગ બ્યુટીફુલ બિલ અંગે વાત કરતા કહ્યું કે, દરેક દેશ અમેરિકા સાથે કોઈ સોદો કરવા માગે છે અને તેનો ભાગ બનવા માગે છે. યાદ કરો, મેં થોડા મહિના પહેલાં કહ્યું હતું. મીડિયા કહેતું હતું કે, શું ખરેખર એવું કોઈ છે, જેને અમેરિકા સાથે વેપાર સોદામાં કોઈ રસ છે? હું કહેવા માગું છું કે અમે ગઈકાલે જ ચીન સાથે વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા છે. અમે કેટલાક ખૂબ જ સારા સોદા કરવા જઈ રહ્યા છીએ. અમે એક સોદો ભારત સાથે પણ કરી રહ્યા છીએ.
ટ્રમ્પની આ ટીપ્પણી એવા સમયે આવી છે જ્યારે ભારતના વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલ અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર માટે ગુરુવારે અમેરિકા પહોંચ્યા છે. ભારત અને અમેરિકા ૯ જુલાઈ પહેલાં વચગાળાના વેપાર કરાર માટેની વાટાઘાટોને અંતિમ ઓપ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના અનેક દેશો પર ઊંચા ટેરિફ નાંખ્યા હતા, પરંતુ બે એપ્રિલે આ ટેરિફનો અમલ ૯ જુલાઈ સુધી મુલતવી રાખ્યો હતો. ભારત અને અમેરિકાના વેપાર કરારમાં કૃષિ અને ડેરી સેક્ટર્સ પડકારજનક ક્ષેત્ર છે. ભારતે કોઈપણ દેશ સાથેના ફ્રી ટ્રેડ કરારમાં તેનું ડેરી ક્ષેત્ર ખુલ્લું કર્યું નથી.
ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું કે, દરેક દેશ સાથે સોદો કરવામાં આવશે નહીં. અમે બધા જ દેશો સાથે સોદા કરવાના નથી. અમે કેટલાક ખૂબ જ સારા સોદા કરવા જઈ રહ્યા છીએ. અમે અન્ય એક એવો સોદો કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે ભારત માટે દરવાજો ખોલવા જઈ રહ્યા છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પે ઉમેર્યું કે, ચીન સાથેના સોદામાં અમે ચીન માટે દરવાજો ખોલી રહ્યા છીએ. જોેકે, ટ્રમ્પે ચીન સાથેના સોદાની વિગતો જાહેર કરી નહોતી, પરંતુ વ્હાઈટ હાઉસના એક અધિકારીએ કહ્યું કે, આ સમજૂતી ચીન સાથે અમેરિકામાં રેર અર્થ શિપમેન્ટ્સમાં ગતિ લાવવા પર કેન્દ્રીત હતી. આ એક એવો મુદ્દો છે, જેના કારણે વૈશ્વિક પુરવઠા ચેનમાં અવરોધો ઊભા થયા હતા.
અધિકારીએ કહ્યું કે, ચીન સાથેના સોદાનો આશય મહત્વપૂર્ણ ખનિજો અને ચુંબકો પર ચીનના પ્રતિબંધોના કારણે થતા વિલંબનો ઉકેલ લાવવાનો છે, જેણે ઓટોમોટિવ, સંરક્ષણ અને ટેક્નોલોજીના ક્ષેત્રો સહિત અમેરિકન ઉદ્યોગો પર ગંભીર અસર કરી હતી.
અમેરિકા સાથે વેપાર સોદા મુદ્દે ભારત પોતાના હિતો જાળવવા મક્કમ
નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર માટેની વાટાઘાટો મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગઈ છે. જોકે, બંને દેશ વચ્ચે ૯ જુલાઈની ડેડલાઈન પહેલા વેપાર કરાર થશે કે કેમ તે અંગે અસમંજસની સ્થિતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે અમેરિકા ભારત સમક્ષ ઓટો પાર્ટ્સ, સ્ટીલ તેમજ સોયાબીન, મકાઈ, ઘઉં, ઈથેનોલ જેવા કૃષિ ઉત્પાદનો તથા ડેરી ઉત્પાદનો પર ઈમ્પોર્ટ ડયુટી ઘટાડવા માગ કરી રહ્યું છે. પરંતુ ભારત આ મુદ્દાઓ પર પોતાની ઘરેલુ પ્રાથમિક્તા અને નીતિઓને સુરક્ષિત રાખવા માગે છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની ઘરેલુ ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ રોજગાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓનું રક્ષણ કરશે. સૂત્રો મુજબ ભારત અને અમેરિકાના વાટાઘાટોકાર વચ્ચે આ મુદ્દાઓ પર સહમતી નથી થઈ. ભારતે અમેરિકાને પોતાની માગો પૂરા કરવા સકારાત્મક સંકેત આપ્યા છે, પરંતુ તે કોઈપણ કિંમતે પોતાની નીતિઓ સાથે સમજૂતી કરવા તૈયાર નથી. ભારત અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતીના પહેલા તબક્કાને ૨૦૨૫ સુધીમાં પૂરી કરવા અને ૨૦૩૦ સુધી વેપારને લગભગ ૧૯૧ અબજ ડોલરથી વધારીને ૫૦૦ અબજ ડોલર કરવા પહેલા જ સહમતી વ્યક્ત કરી ચૂક્યું છે. ભારતે બ્રિટન સાથે મુક્ત વેપાર કરી લીધા છે અને યુરોપીયન સંઘ સાથે વાતચીત કરી રહ્યું છે.








