- પિતા તારિક રહેમાન વડાપ્રધાન પદના ઉમેદવાર
- જાઇમાએ ક્વીન-મેરી યુનિવર્સિટી લંડનમાંથી કાનૂની ડિગ્રી મેળવી છે અને ''લિન્કન્સ-ઈન''માંથી બેરિસ્ટર બની લંડનમાં કાનૂની પ્રેક્ટિસ કરે છે
ઢાકા : બાંગ્લાદેશનાં રાજકારણમાં જીયા પરિવારની ચોથી પેઢીના પ્રવેશની ચર્ચા ગરમાઈ રહી છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બી.એન.પી.)ના કાર્યવાહક અધ્યક્ષ તારીક રહેમાનનું એકમાત્ર સંતાન બેરિસ્ટર જાઇમા રહેમાન હવે સક્રિય રાજકારણમાં પ્રવેશવા તૈયાર બની છે. ૧૭ વર્ષ સુધી લંડનમાં પિતાની સાથે સ્વૈચ્છિક દેશવટો વિતાવ્યા પછી ૨૫ ડિસેમ્બરે પિતાની સાથે સ્વદેશ પાછી ફરી છે. ફેસબુક પોસ્ટ અને પાર્ટી મિટીંગ્સમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશનાં પુનનિર્માણમાં પ્રદાન આપવા માગે છે, અને લોકો સાથે રહીને દેશને તલસ્પર્શી રીતે જાણવા માગે છે.
૨૬ ઓક્ટો. ૧૯૯૫ના દિને તેમનો જન્મ થયો. પૂર્વ પ્રમુખ ઝિયા ઉર્ રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝિયાનાં તેઓ પૌત્રી છે. બાળપણ ઢાકામાં ગયું. ૨૦૦૮માં જ્યારે તારિક આરોગ્યનાં અને રાજકીય કારણોસર લંડન આવી ગયા ત્યારે ૧૩ વર્ષની જાઇમા પોતાનાં માતા ડૉ. ઝૂબૈદા રહેમાન સાથે લંડન ગયાં. ત્યાં ક્વીન મેરી યુનિવર્સિટીમાંતી લો-ગ્રેજ્યુએટ થયાં. ત્યાર પછી ''લિન્કન્સ-ઈન''માંથી બાર-એટ-લો (બેરિસ્ટર) બન્યાં. કાનૂની પ્રેક્ટિસ શરૂ કરી. તે દરમિયાન લોકો સાથે કામ કરતાં સહાનુભૂતિ, ઈમાનદારી અને ન્યાયની સમજણ મેળવી તેઓએ તેઓનાં દાદીમા ખાલીદા ઉપર ખૂબ પ્રેમ છે. તેને તેઓ પ્રેમથી ડાડૂ કહે છે.
તારિક રહેમાન ઢાકા પાછા ફરતાં હજ્જારો લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. તેમની સાથે તેઓ ગુલશન એવન્યુ સ્થિત ૧૯૬ નંબરના બંગલામાં રહેવા ગયા.
૨૦૦૧ની સામાન્ય ચૂંટણી સમયે તેઓ મિડીયાની નજરમાં આવ્યાં ત્યારે આશરે ૬ વર્ષનાં હતાં. તેઓ પોતાનાં દાદી સાથે મતદાન કેન્દ્ર પર ગયાં હતાં. ૧૧મા વર્ષે એક ફૂટબોલ મેચમાં મેડલ જીત્યાં ત્યારે વડાપ્રધાન પદે ખાલીદા હતાં. તેઓ તેમની ચેમ્બરમાં ગયાં અને મેડલ દેખાડયો હતો. જાઇમાએ આ બધું ફેસબુક પર લખ્યું અને જણાવ્યું કે પુરાણી યાદો હજી મારી સાથે છે.
૨૦૨૬માં બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ તો તારિક વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. તેઓ ઢાકા ઉતર્યા ત્યારે બૂટ-મોજાં કાઢી ખુલ્લા પગે ભૂમિ પર ઊભા રહી કહ્યું, ૬,૩૧૪ દિવસ પછી માતૃભૂમિ પર મેં પગ રાખ્યા છે. જો તારિક વડાપ્રધાન બનશે તો જાઇમા મહત્ત્વનું ખાતું સંભાળશે તે નિશ્ચિત છે.
ઉલ્લેખનીય છે કે ખાલીદા જ્યારે હોસ્પિટલમાં હતાં ત્યારે ૧ ડિસેમ્બરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરી ખાલીદાની સારવારમાં રહેલા તબીબો સાથે પણ વાત કરી ખાલીદાના ખબર અંતર પૂછ્યા હતા.


