શું ૮ લાખ જેટલા ભારતીયોએ કુવૈત દેશ છોડવાનો વારો આવશે ?
કુવૈતની ૪૩ લાખની વસ્તીમાં ૧૪.૫ લાખ જેટલા ભારતીયો રહે છે
કુવૈતમાં પ્રવાસી કોટાના બીલના મુસદ્દાને લઇને ભારતીયોમાં ચિંતા
કુવૈત સિટી ,6,જુલાઇ, 2020, સોમવાર
અખાતી દેશ કુવૈતેમાં પ્રવાસી કોટા બીલના મુસદ્દાને મંજુરી મળી ગઇ છે. નવા કાનુન મુજબ ૮ લાખ ભારતીયોએ કુવૈત છોડવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી હોવાનું ચર્ચાય છે. ગલ્ફ ન્યૂઝમાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસની મહામારી પછી કુવેતમાં વિદેશીઓની સંખ્યા ઓછી કરવા પર ભાર મુકવામાં આવી રહયો હતો. ગત મહિને કુવૈતના વડાપ્રધાન શેખ સબા અલ ખાલિદે અલ સબાએ પ્રવાસીઓ ની સંખ્યા ૭૦ ટકાથી ઘટાડીને ૩૦ ટકા રાખવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કુવૈતની એસેમ્બલીમાં કાનુની અને વૈધાનિક સમિતિ દ્વારા બિલને મુસદ્દાને મંજુરી મળી ગઇ છે.
બિલ મુજબ ભારતીયોની સંખ્યા ૧૫ ટકાથી વધારે હોવી જોઇએ નહી. જો કે બીલ પાસ થયું હોય પરંતુ હજુ ઘણા તબક્કામાંથી પસાર થવાનું છે આથી કશોક રસ્તો નિકળશે એવી પણ આશા રાખવામાં આવી રહી છે.કુવેતમાં ભારતીય સમૂદાયની ૧૪.૫ લાખ જેટલી વિશાળ વસ્તી છે. કુવૈતની કુલ જનસંખ્યા ૪૩ લાખ છે જેમાં મૂળ કુવૈતીઓની વસ્તી ૧૩ લાખ જયારે પ્રવાસીઓની સંખ્યા ૩૦ લાખ છે. ભારત ઉપરાંત ઇજીપ્ત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિતના એશિયન દેશના નાગરિકો કુવૈતમાં રોજગાર ધંધા માટે રહે છે.
ગત વર્ષ કુવૈતી સાંસદ ખાલિદ અલ સાલેહે એ તો પોતાના દેશમાં વિદેશીથી આવતા લોકોના તોફાન જેવા પ્રવાહને રોકવાની વાત કરી હતી. તેમણે નોકરીઓ અને સત્તા પર વિદેશીઓએ કબ્જો જમાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. કુવૈતની નેશનલ એસેમ્બલીમાં ૫૦ જેટલા સાંસદો ચૂંટાઇને આવે છે જેમાં મોટે ભાગે ધનાઢય અને વગ ધરાવતા હોય એ જ નિર્ણય લેવામાં આગળ પડતા હોવાનું માનવામાં આવે છે. કુવૈત અને ભારતીયોનો નાતો ખૂબજ જુનો છે.
૧૯૬૧ સુધી કુવૈત બ્રિટનની છત્રછાયામાં હતું ત્યારથી જ ભારતીયો અહંી સ્થાઇ થતા રહયા છે. વેપારથી લઇને તમામ ક્ષેત્રોમાં ભારતીયો જોવા મળે છે. કુવૈતમાં ડ્રાઇવર,રસોઇયાથી માંડીને વિવિધ સર્વિસમાં જોડાઇને રોજગારી મેળવતા ભારતીયોની સંખ્યા અંદાજે સાડા ત્રણ લાખ જેટલી છે. આ એવી સર્વિસ છે જે છોડાવીને બીજાને સેટ કરવા સહેલું હોતું નથી તેમ છતાં કુવૈતમાં રહીને રોજગારી રળતા ભારતીયોમાં ભય ફેલાઇ રહયો છે.