Get The App

ભારત પર આગામી 24 કલાકમાં ધરખમ ટેરિફ નાખીશ : ડોનાલ્ડ ટ્રમ્પ

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
ભારત પર આગામી 24 કલાકમાં ધરખમ ટેરિફ નાખીશ : ડોનાલ્ડ ટ્રમ્પ 1 - image


- રશિયન ઓઇલની ખરીદીની કિંમત ભારતે ચૂકવવી પડશે

- રશિયા પાસેથી જ ઓઇલ ખરીદતા ચીનને કશું ન કરી ભારત જેવા ગાઢ સહયોગી સાથે સંબંધ ખતમ ન કરાય : ઇન્ડિયન અમેરિકન નિકી હેલીની ચેતવણી

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત સારું ટ્રેડિંગ પાર્ટનર નથી અને હું ભારત પર આગામી ૨૪ કલાકમાં ધરખમ ટેરિફ નાખીશ. જો કે ટ્રમ્પ અગાઉ ૨૫ ટકાના ટેરિફની તો જાહેરાત કરી જ ચૂક્યા છે, કારણ કે ભારત રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે અને રશિયાના વોર મશીનને ફંડિંગ પૂરુ પાડે છે. રશિયાએ અમેરિકાની ધમકી નવસંસ્થાનવાદ સમાન ગણાવી હતી. 

ટ્રમ્પે ભારત પર આરોપ મૂક્યો હતો કે તે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ઓઇલ ખરીદીને વૈશ્વિક બજારમાં જંગી ભાવે વેચે છે. તેણે જણાવ્યું હતું કે ભારત સૌથી ઊંચો ટેરિફ વસૂલતો દેશ છે. વિશ્વનો કોઈ દેશ નાખતો નથી તેટલો ટેરિફ તે નાખે છે. અમે ભારતના આ ઊંચા ટેરિફના કારણે તેની સાથે બહુ ઓછો કોરાબોર કરી શકીએ છીએ. ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત સારું ટ્રેડિંગ પાર્ટનર નથી, કારણ કે તે અમારી સાથે નોંધપાત્ર કારોબાર કરે છે, પરંતુ અમે તેની સાથે ખાસ કારોબાર કરી શકતા નથી. અમે તેના પર હાલના ૨૫ ટકા ટેરિફ પર નહીં અટકીએ, ઘણો જબરદસ્ત ટેરિફ નાખીશું. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે તેઓ રશિયન ઓઇલ ખરીદે છે. આમ ભારતની ખરીદી રશિયન વોર મશીનને ઇંધણ પૂરુ પાડે છે. જો તે આમ ચાલુ રાખશે તો હું ખુશ રહેવાનો નથી.

ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે ભારત સાથે ટ્રેડ ડીલ થવાની તૈયારીમાં છે તેનું શું છે,  ટ્રમ્પે જણાવ્યુ હતું કે ભારતના ટેરિફ ઘણા ઊંચા છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હવે તો ભારત તેના ઊંચા ટેરિફમાંથી ઝીરો ટેરિફ કરે તો પણ જ્યાં સુધી તે રશિયન ઓઇલની ખરીદી બંધ નહીં કરે ત્યાં સુધી હું સંમત નહીં થાઉં.  ટ્રમ્પના નિવેદન બાદ ભારતે વળતા જવાબમાં જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપીયન યુનિયન રશિયા પાસેથી ઓઇલની ખરીદીને લઈને ભારતને બિનજરૂરી રીતે લક્ષ્યાંક બનાવી રહ્યા છે. તેમને પોતાને જો યુક્રેનની આટલી ચિંતા હોય તો તે રશિયા પાસેથી તેમનો જે પણ કારોબાર છે તે પહેલા બંધ કરે, પછી બીજાને કહે. હવે તે સમયે તેઓ પોતાના હિતોને પ્રાધાન્ય આપે છે તો પછી અમે અમારા હિતોને પ્રાધાન્ય આપીએ છીએ. અમેરિકા તેના પરમાણુ ઉદ્યોગ માટે રશિયા પાસેથી હાલમાં પણ યુરેનિયન હેક્સા ફ્લુરોઇડ, ઇવી માટે પેલેડિયમ, ખાતરો તથા રસાયણોની આયાત કરે છે. જ્યારે યુરોપ રશિયા પાસેથી ખાતર, માઇનિંગ પ્રોડકટ્સ, રસાયણો, આયર્ન અને સ્ટીલ તથા મશીનરી ઇક્વિપમેન્ટની આયાત કરે છે. પછી તે ભારત સામે આંગળી ચીંધે તે ક્યાંથી ચાલે. આમ અમેરિકા અને યુરોપીયન યુનિયને બેવડા ધોરણો રાખવાનું છોડવું જોઈએ.

રશિયાએ ભારતના સમર્થનમાં જણાવ્યું હતું કે દરેક સાર્વભૌમ દેશને તેના ટ્રેડિંગ પાર્ટનર પસંદ કરવાનો અધિકાર છે. યુક્રેન યુદ્ધ તો યુરોપ અને અમેરિકા લડી રહ્યા છે. યુક્રેન તો ફક્ત પ્યાદુ જ છે. જો યુરોપ-અમેરિકા તેમા પડયા ન હોત તો આ યુદ્ધ ક્યારનુંય પૂરુ થઈ ગયું હોત. અમેરિકાનું વર્તમાન વલણ બતાવે છે કે તે આજે પણ દક્ષિણ એશિયાના દેશોને તેના અંકુશમાં રાખવા માંગે છે. તે રીતસર નવસંસ્થાનવાદ જેવું જ વલણ છે.આજના યુગમાં પ્રતિબંધોથી કશું વળતું નથી. અમેરિકાનું આ પગલું પણ તેના માટે બૂમરેંગ સમાન સાબિત થશે. 

ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન લીડર નિક્કી હેલીએ જણાવ્યું હતું કે રશિયા પાસેથી ભારતે ઓઇલની ખરીદી અટકાવવી જોઈએ, પરંતુ આ મુદ્દે કંઈ ભારત જેવા ગાઢ સહયોગી સાથે સંબંધો ખતમ ન કરાય અને ચીનને છૂટો દોર ન અપાય. ટેરિફના મોરચે ચીનને ૯૦ દિવસની રાહત અપાઈ છે, જ્યારે ભારત પર ટેરિફ ઝીંકવામાં આવી રહ્યો છે. ચીન રશિયન અને ઇરાનીયન ઓઇલનું સૌથી મોટું ખરીદદાર છે. તેની સામે ટ્રમ્પ તંત્ર કેમ આકરા પગલાં અપનાવતું નથી.

Tags :