Get The App

અમેરિકા પર પ્રતિબંધ મૂકનારા પણ અનેક દેશો છે, જાણો જગત જમાદારનો હાથ હંમેશા ઉપર કેમ રહે છે

Updated: Sep 17th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકા પર પ્રતિબંધ મૂકનારા પણ અનેક દેશો છે, જાણો જગત જમાદારનો હાથ હંમેશા ઉપર કેમ રહે છે 1 - image


AI તસવીર

U.S. Sanctions Explained: વૈશ્વિક રાજકારણમાં પ્રતિબંધો એક શક્તિશાળી હથિયાર છે, પરંતુ પ્રતિબંધની અસર કેટલી અને કેવી હશે એનો આધાર કયા દેશ દ્વારા કોના પર પ્રતિબંધ લગાવાયો છે, તેના પર છે. આ પ્રકારના પ્રતિબંધો માટે અમેરિકા સૌથી કુખ્યાત છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા માત્ર લશ્કરી જ નહીં, પરંતુ આર્થિક શક્તિના દમ પર પણ વૈશ્વિક નેતૃત્વ સ્થાપિત કરી ચૂક્યું છે.

આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ડૉલરનું પ્રભુત્વ, વિશ્વ બૅંક અને આઇએમએફની પકડ તથા યુએનમાં પ્રભાવના કારણે અમેરિકા વારંવાર પ્રતિબંધોનો એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે. અમેરિકાનો દાવો છે કે, આવા પ્રતિબંધો માનવાધિકારોના ભંગ, પરમાણુ હથિયાર વિકાસ કે વૈશ્વિક શાંતિને જોખમમાં મૂકતા વર્તન સામે લદાય છે, પરંતુ વિવેચકો કહે છે કે અમેરિકાના ‘પ્રતિબંધોનું રાજકારણ’ ઘણીવાર ફક્ત તેના વ્યૂહાત્મક હિતો સાધવાનો જ માર્ગ હોય છે. વિશ્વના અનેક દેશો પર અમેરિકા જાતભાતના પ્રતિબંધો મૂકી ચૂક્યું છે, તો સામે એવા કિસ્સા પણ છે જ્યારે વિશ્વના દેશોએ અમેરિકા પર પ્રતિબંધ મૂક્યા હોય. આવા પ્રતિબંધોની અમેરિકા પર કેમ કોઈ ખાસ અસર નથી થતી, તે જાણીએ. 

અમેરિકાની વૈશ્વિક દબાણની નીતિ

હાલમાં અમેરિકાએ 20થી વધુ દેશપ પર વિવિધ સ્તરે પ્રતિબંધો લાદ્યા છે. એમાંય ઈરાન, રશિયા, અફઘાનિસ્તાન, ચીન, વેનેઝુએલા અને ઉત્તર કોરિયા જેવા દેશો અમેરિકાના આકરા પ્રતિબંધોનો સામનો કરતા આવ્યા છે. આર્થિક વ્યવહાર પર નિયંત્રણ મૂકવું, ટૅક્નોલૉજીના હસ્તાંતરણ પર પ્રતિબંધ મૂકવો અને રાજદ્વારી અવરોધ પેદા કરવો- જેવા અનેક સ્વરૂપે અમેરિકા અન્ય દેશોને દબાવવાનો પ્રયાસ કરતું રહે છે. 

પ્રતિબંધની અસર કેવી રીતે દેખાય છે?

આ પ્રકારના પ્રતિબંધોનો પ્રભાવ દેશની આંતરિક શક્તિ અને વૈશ્વિક જોડાણ પર આધારિત રહે છે. ઉદાહરણ તરીકે, બ્રિટન દ્વારા રશિયન બૅંકોને તેના નાણાકીય નેટવર્કમાંથી અલગ કરી દેતા તેની અસર સામાન્ય રશિયન નાગરિકો સુધી પહોંચી હતી, તેઓ બ્રિટિશ બૅંકોમાં મૂકેલા નાણાં મર્યાદિત માત્રામાં જ ઉપાડી શકતા હતા. આ સ્થિતિમાં પ્રજા પરોક્ષ રીતે સરકાર પર દબાણ કરે છે, જેને લીધે જે-તે દેશે વહેલા-મોટા પ્રજાની માંગ સામે ઝૂકી જવું પડે છે અને પ્રતિબંધ મૂકનાર દેશની વાત માની લેવી પડે છે. પરંતુ દેશ પાસે વિકલ્પરૂપે મજબૂત વેપારી ભાગીદારો અને કુદરતી સંસાધનો હોય, તો તે લાંબા સમય સુધી ટકી શકે છે.

હજારો પ્રતિબંધો છતાં રશિયા અડગ 

યુક્રેન યુદ્ધને કારણે રશિયા પર અત્યાર સુધી દસ હજારથી વધુ પ્રતિબંધો લદાયા છે, જે એક વિશ્વ વિક્રમ છે. આમ છતાં રશિયા તૂટી પડ્યું નથી. તેના બે મુખ્ય કારણો છે: 1. ઊર્જા અને કુદરતી સંસાધનોની તેની આત્મનિર્ભરતા. અને 2. ચીન જેવા ખમતીધર અને ભારત જેવા નિરપેક્ષ દેશો સાથેના તેના સારા સંબંધ. 

આ પરથી સાબિત થાય છે કે વૈશ્વિક રાજકારણમાં પ્રતિબંધો માત્ર ત્યારે જ અસરકારક સાબિત થાય, જ્યારે આંતરરાષ્ટ્રીય સમાજ એકજૂટ થઈને તેનો અમલ કરે અને જે-તે દેશને એકલો પાડી દે.

અમેરિકાની સામે પણ પ્રતિબંધોની અસર સીમિત

અમેરિકા બીજા દેશો પર પ્રતિબંધ લાદીને તેનું નાક દબાવવાનો પ્રયાસ કરે છે, તો બીજા દેશો શા માટે અમેરિકા સાથે એવું ન કરે? રશિયા, ઈરાન, ક્યુબા, વેનેઝુએલા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ વખતોવખત અમેરિકા સામે પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાએ 2018માં રશિયા પર પ્રતિબંધ મૂક્યા, તેના જવાબમાં રશિયાએ પણ અનેક અમેરિકન સંસ્થાઓ અને અધિકારીઓને પ્રતિબંધિત કરી દીધા હતા. પરંતુ તેની અસર ઓછી થઈ. કારણ કે બંને દેશ એકબીજા સાથે ઝાઝો વેપાર કરતાં નથી. વળી, તે દેશો વૈશ્વિક અર્થતંત્રમાં સીમિત ભૂમિકા ધરાવતા હોવાથી અમેરિકાને કોઈ ફરક જ ન પડ્યો, અને એ પ્રતિબંધો ફક્ત પ્રતીકાત્મક વિરોધ બનીને રહી ગયા. 

પ્રતિબંધોની અસર અમેરિકા પર કેમ નથી થતી?

અમેરિકા આર્થિક, લશ્કરી અને રાજદ્વારી મહાશક્તિ છે. વિશ્વના મોટા ભાગના વેપાર વ્યવહારો અમેરિકન ડૉલરમાં થાય છે. વિશ્વ બૅંક, યુએન અને અન્ય મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અમેરિકાના નાણાં પર નિર્ભર છે. અસીમ સૈન્ય શક્તિને લીધે અમેરિકાની દુનિયાભરમાં ધાક છે. તેથી જો કોઈ દેશ અમેરિકા સાથેના સંબંધો તોડી નાખે, તો તેનું નુકસાન તેને જ વધારે ભોગવવું પડે, અમેરિકાએ નહીં. આ જ કારણ છે કે અમેરિકા સામે અસરકારક પ્રતિબંધો લાગુ કરવું અઘરું બની જાય છે. તેનું વૈશ્વિક પ્રભુત્વ જ તેની ઢાલ છે.

રશિયા જેવો દેશ જ અમેરિકાને નુકસાન કરી શકે 

રશિયા જેવી મહાસત્તા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો ક્યારેક અમેરિકાને વત્તે-ઓછે અંશે નુકસાન કરે છે. ઉદાહરણ તરીકે, રશિયાએ ઊર્જાની નિકાસ ઓછી કરી દેતાં તેની સીધી અસર યુરોપિયન અર્થતંત્ર પર થઈ હતી, ઇંધણ-ગેસમાં ભાવ વધારો થયો હતો. આ કારણસર પરોક્ષ રીતે અમેરિકાએ પણ નુકસાન સહન કરવું પડ્યું હતું. આ પરથી સાબિત થાય છે કે, જો રશિયા જેવો દેશ ઇચ્છે તો અમેરિકાને પણ નુકસાન કરી શકે એમ છે. 

Tags :