Explainer: યુક્રેનના ‘ડોનબાસ’ પર રશિયાનો ડોળો, જાણો પુતિન ઝેલેન્સ્કી પાસે આ પ્રદેશ કેમ માંગી રહ્યા છે
Why Russia Wants Ukraine’s Donbas? : રશિયા-યુક્રેન યુદ્ધના સંભવિત અંતની ચર્ચા કરવા માટે રશિયા, યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપના નેતાઓ એકઠા થયા ત્યારે યુદ્ધની મુખ્ય યુદ્ધભૂમિ રહેલા યુક્રેનના ‘ડોનબાસ’ પ્રદેશ પર સૌનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનના આ પૂર્વીય ઔદ્યોગિક પ્રદેશ પર કબજો જમાવવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી આ માંગને સ્પષ્ટપણે નકારી ચુક્યા છે. ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે આખરે રશિયાને ડોનબાસ પ્રદેશ પ્રત્યે આવો મોહ શા માટે છે?
ડોનબાસ પર હાલમાં કોનું કેટલું નિયંત્રણ છે?
2022માં શરૂ થયેલા યુદ્ધમાં રશિયા યુક્રેનના ચાર પ્રદેશો પર કબજો જમાવવામાં સફળ રહ્યું છે. તેમાં ડોનબાસનો સમાવેશ કરતા બે પ્રદેશો – લુહાન્સ્ક અને ડોનેત્સક – તથા ઝાપોરિઝ્ઝિયા અને ખેરસનનો સમાવેશ થાય છે. રશિયાએ આ પ્રદેશોમાં અનિયમિત ચૂંટણીઓ યોજી, તેમને જોડી લેવાની ઘોષણા કરી હતી, જેને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા ગેરકાયદે ઠેરવવામાં આવી છે. હાલમાં, રશિયા સમગ્ર લુહાન્સ્ક પર અને ડોનેત્સકના લગભગ 75 % ભાગ પર નિયંત્રણ ધરાવે છે. યુક્રેનિયન સેનાએ ડોનેત્સકના કેટલાક ભાગો પર નિયંત્રણ જાળવી રાખ્યું છે.
યુક્રેનનો નકશો ( Photo Source : U.S. Department of Defense )
રશિયાના મુખ્ય હેતુઓ: સંપત્તિ, વ્યૂહાત્મકતા અને પ્રતીકાત્મકતા
રશિયાની ડોનબાસ પ્રત્યેની દિલચસ્પી પાછળ નીચે મુજબના કારણો રહેલા છે:
આર્થિક સંપત્તિ:
ડોનબાસ યુક્રેનનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર છે. અહીં ખનિજ સંસાધનોનો મોટો ભંડાર છે. ભૂતકાળમાં હતો એના કરતાં હાલમાં આ ભંડાર ઓછો જરૂર થયો છે, તેમ છતાં હજુ અહીંના પેટાળમાં પુષ્કળ ખનીજો ઉપલબ્ધ છે. ઉપરાંત અહીંની જમીન ખેતી માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે.
વ્યૂહાત્મક મહત્વ:
ડોનબાસનું ‘મારિયુપોલ’ બંદર એઝોવ સાગર પર આવેલું છે. મારિયુપોલ થઈને જ કાળા સમુદ્ર સુધી પહોંચી શકાતું હોવાથી રશિયા માટે આ બંદર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી રશિયા અને યુક્રેન બંને આ પ્રદેશનો કબજો ઈચ્છે છે.
પ્રતીકાત્મક મહત્વ:
ડોનબાસમાં રશિયન ભાષા બોલનારી વસ્તીની સંખ્યા નોંધપાત્ર છે, તેથી રશિયા એવો દાવો કરે છે કે તે રશિયન-ભાષી લોકોને રક્ષણ આપવા માટે આ વિસ્તારમાં કાર્યવાહી કરી રહ્યું છે. આ પ્રદેશ સોવિયેત યુગની પૌરાણિક કથાઓમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેથી આ પ્રદેશને રશિયામાં ભેળવી દઈને પુતિન એને આ યુદ્ધમાં રશિયાની જીતનું પ્રતીક બનાવવા માંગે છે.
રશિયાના પ્રમુખ પુતિન ( ફોટો સોર્સ : IANS )
ડોનબાસ પર રશિયાનો દાવો કાયદેસર ગણાય?
આંતરરાષ્ટ્રીય કાયદા અને ઐતિહાસિક સંદર્ભના આધારે જોઈએ તો ડોનબાસ પર રશિયાના દાવા શંકાસ્પદ અને નિરાધાર ગણાય છે. એ માટે નિષ્ણાતો નીચે મુજબના બે કારણો આપે છે.
1) રશિયા દ્વારા બુડાપેસ્ટ મેમોરેન્ડમનું ઉલ્લંઘન
5 ડિસેમ્બર, 1994 ના રોજ હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં એક સમજૂતી થઈ હતી, જે અંતર્ગત યુક્રેને તેની પાસેના પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરી દીધો હતો અને એના બદલામાં એને રશિયા, અમેરિકા અને બ્રિટેન દ્વારા યુક્રેનની સાર્વભૌમિકતા અને સરહદોની અખંડિતતાની ગેરંટી આપવામાં આવી હતી. 2014માં ક્રિમિયા અને 2022માં ડોનબાસ પર આક્રમણ કરીને રશિયાએ આ કરારનો ભંગ કર્યો છે.
2) ભાષા સામાજિક ઓળખ નક્કી કરતી નથી
રશિયા દાવો કરે છે કે યુક્રેન 500 વર્ષ સુધી રશિયાનો ભાગ હતો, તેથી યુક્રેનના રશિયન-ભાષી લોકો તેમની સાથે જોડાવા માંગે છે, પરંતુ અભ્યાસો કહે છે કે યુક્રેનમાં રહેતા બહુમતી રશિયન-ભાષીઓ પોતાને યુક્રેનિયન જ ગણે છે, અને તેમને રશિયન સુરક્ષાની કોઈ જરૂર હોવાનું કહેતા નથી. અરે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પોતે પણ રશિયન-ભાષી છે.
આવા કારણોસર નિષ્ણાતો જણાવે છે કે, માત્ર ઐતિહાસિક સંબંધ અથવા ભાષિક સામ્યતા જ કોઈ પ્રદેશ પર કાયદેસર દાવો સાબિત કરવા માટે પર્યાપ્ત નથી. જે રીતે અંગ્રેજી બોલતા કેનેડિયનો પોતાને અમેરિકન માનતા નથી, એ જ રીતે રશિયન બોલતા યુક્રેનિયનોને પણ ધરાર રશિયામાં જોડી દેવામાં કોઈ તર્ક નથી.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ( ફોટો સોર્સ : IANS )
શું યુક્રેન ડોનબાસ છોડશે?
યુક્રેનની સરકાર અને ત્યાંની જનતા ડોનબાસ પર તેમના દાવાને લઈને અત્યંત મક્કમ છે. રશિયન-નિયંત્રિત પ્રદેશોમાં થયેલી માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને કારણે યુક્રેનિયનો વધુ જમીન છોડવા માટે તૈયાર નથી.
અલબત્ત, નિષ્ણાતો એવી સંભાવના પણ વ્યક્ત કરે છે કે યુદ્ધવિરામ થતો હોય તો યુક્રેન સાર્વભૌમત્વનો ઔપચારિક દાવો ત્યજ્યા વિના હાલની યુદ્ધ-સરહદો સ્વીકારવા માટે સંમત થઈ શકે છે. જોકે, આવા કોઈપણ સમાધાન માટે યુક્રેન નેટો જેવી સંસ્થાઓથી મજબૂત સુરક્ષા ગેરંટી માંગી શકે છે.