આખી દુનિયામાં GEN Z પેઢી નાખુશ, ત્યારે નાનકડા દેશ લિથુઆનિયાના યુવાનો ખુશ, શું છે રહસ્ય?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gen Z Unhappiness : દુનિયાના મોટા ભાગના દેશોમાં GEN Z પેઢી (13 થી 28 વર્ષની વયના યુવાનો) નિરાશા અને અસંતોષ અનુભવી રહી છે. નેપાળમાં તો આ અસંતોષ એટલો ઉગ્ર બન્યો કે આખો દેશ સળગ્યો અને સરકારનું એક જ રાતમાં પતન થઈ ગયું. અમેરિકા જેવા સમૃદ્ધ અને શક્તિશાળી દેશમાં પણ યુવાઓ સુખી નથી. ડિજિટલ દુનિયા કામચલાઉ મનોરંજન આપે છે, છતાં મહત્ત્મ GEN Z યુવાનોને એકલતા સાલે છે, અને સ્પર્ધામાં પાછળ રહી જવાનો ભય પણ સતાવે છે. આ મોટાભાગના દેશોની કહાની છે. આવા સમયમાં પણ લિથુઆનિયા જેવા નાના યુરોપિયન દેશના યુવાનો દુનિયાની સરખામણીમાં સૌથી વધુ ખુશ હોવાનું જાહેર થયું છે. ચાલો, એના કારણો જાણીએ.
હેપ્પીનેસ રિપોર્ટમાં લિથુઆનિયાનું સ્થાન
વર્ષે વરસે પ્રકાશિત થતા ‘વર્લ્ડ હેપ્પીનેસ ઈન્ડેક્સ’ માં સામાન્ય રીતે ફિનલેન્ડ અને સ્વીડન જેવા દેશો ટોચ પર હોય છે. ગયા વર્ષના રિપોર્ટમાં ખાસ વાત એ જોવા મળી કે લિથુઆનિયાના 30 વર્ષથી ઓછી ઉંમરના નાગરિકોએ પોતાની ખુશીને 10 માંથી સરેરાશ 8 ગુણ આપ્યા હતા.
આ પણ વાંચો: 'કરો યા મરો, બીજો કોઈ રસ્તો જ નથી..' લંડનમાં ભડકેલા વિરોધની આગમાં મસ્કે ઘી કેમ હોમ્યું?
યુવાધનને પ્રાધાન્ય આપીને પ્રગતી કરી
લગભગ ચાર દાયકા પહેલાં લિથુઆનિયા સોવિયેત યુનિયનના કબજામાં હતો. અર્થતંત્રથી લઈને વાણી-સ્વાતંત્ર્ય સુધી બધું મર્યાદિત હતું. જનતામાં વધેલા અસંતોષને પરિણામે બળવો થયો અને અંતે 1990માં દેશે સ્વતંત્રતા મેળવી. શરૂઆતમાં ત્યાંનું ચલણ અસ્થિર હતું, બળતણની અછત હતી અને જીવન સ્તર પણ અત્યંત નીચું હતું. પરંતુ ધીમે ધીમે સુધારા આવ્યા. એનું એક કારણ એ પણ ખરું કે, લિથુઆનિયાની મોટાભાગની નીતિઓ યુવાનોને કેન્દ્રમાં રાખીને ઘડાઈ. એ દેશે યુવા પેઢીના કૌશલ અને પ્રક્રુતિને ધ્યાનમાં રાખીને દેશનું ભાવિ ઘડ્યું.
શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓનો તણાવ ઓછો કરે એવી છે
આપણા દેશમાં ઉચ્ચ અભ્યાસ કરતા બાળક માટે માતાપિતાએ લોન લીધી હોય તો એનો તણાવ વિદ્યાર્થી પણ અનુભવતો હોય છે. ભણ્યા બાદ સારી નોકરી મેળવીને એ લોન ચૂકવાનું માનસિક દબાણ રહેતું હોય છે જે વિદ્યાર્થીના અભ્યાસ પર અસર કરે છે. આ પ્રેશર ઘણીવાર તો એટલી હદે વધી જતું હોય છે કે વિદ્યાર્થી આત્મઘાતી પગલું પણ ભરી લેતા હોય છે. લિથુઆનિયામાં આવું નથી થતું. કેમ? એના કારણો નીચે જોઈએ.
- લિથુઆનિયામાં સરકારી શિક્ષણમાં ટ્યુશન ફી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. ખાનગી સંસ્થાઓમાં પણ ફી ઘણી ઓછી છે.
- વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે હળવું કામ કરવાની છૂટ મળે છે, જેથી તેઓ લોન લીધા વિના અભ્યાસખર્ચ કાઢી શકે છે.
- ગામડામાંથી શહેર આવનારા વિદ્યાર્થીઓને ઓછા ભાડે રહેઠાણ આપવામાં આવે છે.
- કોઈ વિદ્યાર્થીએ પોતાના ઘરે જવા અથવા પ્રવાસ માટે લાંબી રજા લીધી હોય તો એ સમય દરમિયાન તેણે પોતે જે રૂમ કે ફ્લેટ ભાડે લીધો હોય એ બીજા કોઈને ભાડે આપી શકે છે, જેથી એનો ભાડા-ખર્ચ હળવો થાય. આને ‘સબલેટ’ કહેવાય છે.
રંગીન નાઇટલાઇફ અને સાંસ્કૃતિક જગત
લિથુઆનિયા નાનો દેશ હોવા છતાં તેની નાઇટલાઇફ બહુ જીવંત છે. રાજધાની વિલ્નિયસ સહિત મોટાભાગના શહેરોમાં વિકએન્ડમાં આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક થીમવાળા રેસ્ટોરન્ટ્સ, થિયેટર, આર્ટ ગેલેરી અને લાઇવ કોન્સર્ટ ગજબનું આકર્ષણ સર્જે છે. વિલ્નિયસનો જૂનો વિસ્તાર યુનેસ્કો હેરિટેજ સાઇટ છે, જ્યાં ઐતિહાસિક ચર્ચો, રંગબેરંગી મકાનો અને દુકાનો યુવાનો તથા પ્રવાસીઓ વચ્ચે સેતુ સાધવાનું કામ કરે છે. આમ, દેશનો માહોલ જ જીવંત હોવાથી અહીં GEN Z ને જીવન બોજરૂપ નથી લાગતું.
આ પણ વાંચો: નેપાળ હિંસામાં 30થી વધુ પોલીસ ચોકી અને સ્ટેશન ફૂંકી મરાયા, સ્વયંસેવકોએ સફાઈ શરૂ કરી
રોજગારીની તકો વધતાં ઘરવાપસી થવા લાગી
ભારતની જેમ લિથુઆનિયાના યુવાનોમાં પણ અમેરિકા જવાનો ક્રેઝ હતો, પણ છેલ્લા થોડા વર્ષોમાં બદલાવ આવ્યો છે. લિથુઆનિયામાં બેરોજગારીનો દર યુરોપિયન યુનિયનના અન્ય દેશોની સરેરાશ કરતા ઓછો છે. એ જ કારણે અમેરિકા ગયેલા ઘણા યુવાનો સ્વદેશ પાછા ફરી રહ્યા છે. સરકારે યુવાનોને ‘દેશ માટે કામ કરો’ એવી હાકલ કરી છે, જેને GEN Z તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. પરત ફરતા યુવાનોને સ્ટાર્ટઅપ્સ અને નવા પ્રોજેક્ટ્સ માટે સરકાર સહાયતા આપે છે, જેને લીધે છેલ્લા પાંચ વર્ષમાં ઘરવાપસી કરનારા યુવાનોની સંખ્યામાં ખૂબ વધારો થયો છે.
લિથુઆનિયાના GEN Z ફ્રેન્ડલી માહોલનું અનુકરણ કરીને દુનિયાના અન્ય દેશો પણ પોતાની આગામી પેઢીને એક સલામત ભવિષ્ય આપવાની પહેલ કરશે, તો આ પેઢીના યુવાનોની મૂંઝવણભરી સ્થિતિનો અંત આણી શકાશે.









