Get The App

અમેરિકામાં જેફરી એપસ્ટેઇનનું ભૂત ધૂણી રહ્યું છે, જાણો આ ધનિક અને ઐયાશ અબજોપતિ બિઝનેસમેનની સંપૂર્ણ કુંડળી

Updated: Jul 27th, 2025

GS TEAM

Google News
Google News
Jeffrey Epstein case


Jeffrey Epstein case : ‘જેફરી એપસ્ટેઈન’ નામનું ભૂત અમેરિકામાં ફરી ધૂણવા લાગ્યું છે. સેંકડો યુવતીઓના શોષણમાં નિમિત્ત બનનાર જેફરી એપસ્ટેઈનના ગ્રાહકોની મસમોટી યાદીમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે આ શક્યતાને વિરોધી ડેમોક્રેટિક પાર્ટી અને મીડિયા દ્વારા ઉપજાવી કઢાયેલા ફેક ન્યૂઝ ગણાવી દીધા છે. આ દરમિયાન ટ્રમ્પ વહીવટીતંત્ર પર આ સિલસિલાબંધ જાતીય ગુના વિશેની વિગતો જાહેર કરવાનું દબાણ વધી રહ્યું છે. ટ્રમ્પે ગયા વર્ષે ચૂંટણી પ્રચારમાં આ ક્લાસિફાઈડ ફાઈલો જાહેર કરવાનું વચન આપ્યું હતું, પણ હવે તેઓ આ દિશામાં કશું કરી નથી રહ્યા. એક સામાન્ય પરિવારમાં જન્મેલા જેફરી એપસ્ટેઈને આખું જીવન સગીરાઓના શોષણ અને બ્લેકમેલિંગ જેવા ગંભીર ગુના આચર્યા હતા. 

તો ચાલો જાણીએ એપસ્ટેઈનના મોતના છ વર્ષ પછી પણ અમેરિકન સરકાર પર ‘એપસ્ટેઇન ફાઇલો’ જાહેર કરવાનું દબાણ કેમ છે? 

બાળપણ અભાવોમાં વીત્યું, પછી રોપાયા અમીર બનવાની મહત્ત્વાકાંક્ષાના બીજ 

1953માં ન્યૂયોર્કના એક મધ્યમવર્ગીય યહૂદી પરિવારમાં જન્મેલા જેફરી એપસ્ટેઈનના માતા-પિતા સામાન્ય સરકારી કર્મચારી હતા. પરિવારની આવક મર્યાદિત હોવાથી જેફરીનો ઉછેર મર્યાદિત સંસાધનોમાં થયો હતો. વંચિત બાળપણ જીવેલા બાળકને કદાચ એટલા માટે જ અમીર થવાની મહત્ત્વાકાંક્ષા હતી, જે સરવાળે તેને અક્ષમ્ય ગુના તરફ અને છેવટે અકાળ મૃત્યુ સુધી દોરી જવાની હતી. 

પહેલું કૌભાંડઃ નકલી ડિગ્રી બનાવીને નોકરી મેળવી

વિદ્યાર્થી તરીકે જેફરી ગણિતમાં નિષ્ણાત હતો. યોગ્ય સમીકરણ માંડવાનો કસબ તેણે કારકિર્દીમાં પણ અજમાવ્યો અને ધૂમ સફળ થયો. સ્કૂલ શિક્ષણ પછી તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પણ અભ્યાસ પૂરો કરી શક્યો નહીં. જેફરીમાં આત્મવિશ્વાસુ હતો, અન્યને સરળતાથી પ્રભાવિત કરવાની કળા પણ એ જાણતો અને તકવાદી પણ ખરો, એટલે એ બધા ગુણો અજમાવીને તેણે નકલી ડિગ્રી વડે ન્યૂયોર્કની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી મેળવી લીધી. 

જેફરી કરોડપતિ કઈ રીતે બન્યો? 

સ્કૂલની નોકરી ચાલતી હતી ત્યારે જેફરી એક દિવસ અમેરિકન અબજોપતિ એલન ગ્રીનબર્ગને મળ્યો, જે તે સમયે મોટી ફાઇનાન્સ કંપની બેર સ્ટર્ન્સના સીઈઓ હતા. તક મળતાં જેફરી ગ્રીનબર્ગની કંપનીમાં નાણાકીય સલાહકાર બની ગયો. 1981માં બેર સ્ટર્ન્સ છોડીને તેણે પોતાની કંપની શરૂ કરી. કહેવા માટે તો જેફરી નાણાકીય સલાહકાર હતો, પરંતુ વાસ્તવમાં તે ધનિકોના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો પાર પાડતો હતો. જેફરી પ્રભાવશાળી લોકોના નાણાંનું સંચાલન કરતો, પરંતુ એ લોકો કોણ હતા એ હંમેશાં ગુપ્ત રાખતો. 1990ના દાયકા સુધી જેફરી પ્રાઈવેટ વિમાન, યૉટ્સ, વૈભવી મકાનો અને રિસોર્ટનો માલિક બની ગયો. એ પછી શરૂ થયો સગીર છોકરીઓના શોષણનો ખેલ.

જેફરીને ઘિસલીન મેક્સવેલનો સાથ મળ્યો  

ન્યૂયોર્કમાં એક પાર્ટીમાં જેફરી ઘિસલીન મેક્સવેલને મળ્યો અને બંને મિત્ર બની ગયાં. ઘિસલીન બ્રિટિશ મીડિયા મોગલ રોબર્ટ મેક્સવેલની પુત્રી હતી. ઓક્સફર્ડમાં ભણેલી ઘિસલીન જેફરીના ગુનામાં સાથી બની ગઈ. તે નબળા પરિવારોની સગીરાઓને લક્ઝુરિયસ લાઈફની લાલચ આપીને વિશ્વાસમાં લેતી અને પછી તેમને જેફરીના વૈભવી રિસોર્ટમાં લઈ જતી. અબુધ છોકરીઓને ઘિસલીન મોટી બહેન જેવી લાગતી એટલે તેઓ એનો વિશ્વાસ કરી લેતી. રિસોર્ટમાં ધનિક લોકો આવતાં, જેમના ‘મસાજ’ કરવાનું કામ આ છોકરીઓને સોંપાતું. મસાજના બહાના હેઠળ પછી છોકરીઓનું શોષણ થતું. સગીરાઓના શોષણનો આ ખેલ વર્ષો સુધી ચાલતો રહ્યો. 

જેફરીનો ભાંડો કઈ રીતે ફૂટ્યો? 

વર્ષ 2005માં ફ્લોરિડાની 14 વર્ષની સગીરાના પિતાએ જેફરી સામે પોલીસ ફરિયાદ નોંધાવી. જેફરી પર જાતીય શોષણનો આરોપ લગાવાયો હતો. કેસની તપાસ શરૂ થઈ. ન્યૂયોર્કમાં જેફરીના મકાનમાં FBIએ દરોડો પાડ્યો, જેમાં છોકરીઓના શોષણની હજારો સીડી અને વીડિયો રેકોર્ડિંગ મળી આવ્યા. છોકરીઓના ફોટોગ્રાફ્સ, લેવડદેવડના શંકાસ્પદ દસ્તાવેજો અને જેફરીના ગ્રાહકોની યાદી પણ મળી આવી, જેમાં અમેરિકાની વિખ્યાત હસ્તીઓના નામ પણ હતા. 

જેફરીને સજા તો થઈ, પણ હળવી

એક છોકરીએ ફરિયાદ કરતાં બીજી છોકરીઓને પણ હિંમત આવી. એક પછી એક કરીને 30થી વધુ સગીરાએ હિંમત કરીને જેફરીના કુકર્મોનો પર્દાફાશ કર્યો. પરિણામે 2008માં જેફરીની ધરપકડ થઈ. તેણે ફક્ત એક સગીર પાસે વેશ્યાવૃત્તિ કરાવી હોવાની કબૂલાત કરી અને એ બદલ તેને માત્ર 13 મહિના માટે જેલની સજા થઈ. 

પત્રકારે પોલ ખોલતા જ હોબાળો

જેલમાંથી છૂટ્યા બાદ જેફરી મોજથી જીવતો રહ્યો. વર્ષો બાદ 2018માં માયામી હેરાલ્ડ અખબારની પત્રકાર જુલી કે. બ્રાઉને જેફરી એપસ્ટેઈનની કરતૂતોનો પર્દાફાશ કરતી લેખમાળા લખી. ત્રણ ભાગમાં પ્રકાશિત આ લેખમાળાને પરિણામે પીડિતોએ ફરી જેફરી સામે ફરિયાદ કરી. તપાસ શરૂ થઈ. એફબીઆઈએ ફરીથી કેસ ખોલ્યો અને 2019માં જેફરીની ધરપકડ કરાઈ. વર્ષ 2021માં જુલીએ એની લેખમાળાને ‘Perversion of Justice: The Jeffrey Epstein Story’ (ન્યાયનું વિકૃતિકરણ: ધ જેફરી એપસ્ટેઈન સ્ટોરી) નામે પુસ્તક રૂપે પ્રકાશિત કર્યું. આ પુસ્તકમાં કહેવાયું છે કે, કેવી રીતે શક્તિશાળી લોકોના દબાણ હેઠળ ન્યાય વ્યવસ્થા નિષ્ફળ રહી હતી અને અત્યાચારનો ભોગ બનનારી છોકરીઓને ન્યાય નહોતો મળ્યો. 

જેફરીની મિલકતો ઐયાશીનો અડ્ડો બની ગઈ હતી

જુલીએ તેના પુસ્તકમાં જેફરીના જીવન, તેણે આચરેલા ગુના અને તેના દિગ્ગજ હસ્તીઓ સાથેની મિત્રતા વિશે પણ લખ્યું છે. તેણે લખ્યું છે કે, જેફરી એક ‘મેગા મેનિપ્યુલેટર’ હતો, જે તેના મોહક વ્યક્તિત્વ અને બુદ્ધિમતાથી વિશ્વના સૌથી શક્તિશાળી લોકોને પ્રભાવિત કરી દેતો. ન્યૂયોર્ક ટાઉનહાઉસથી લઈને પામ બીચ હવેલી અને લિટલ સેન્ટ જેમ્સ આઈલેન્ડ સુધીની તેની મિલકતોનો ઉપયોગ રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને શ્રીમંત ઉદ્યોગપતિઓના મનોરંજન માટે થતો હતો.

‘પીડોફાઈલ આઈલેન્ડ’ બન્યો વ્યભિચારનું કેન્દ્રબિંદુ

આ પુસ્તકમાં લખાયું છે કે, જેફરીની ઝાકમઝોળ ધરાવતી પાર્ટીઓ એક પ્રકારની જાળ હતી, જેમાં સગીરાઓને ધનિકોની હવસનો શિકાર બનાવાતી હતી. જેફરીના માલિકીના ટાપુ લિટલ સેન્ટ જેમ્સને અમેરિકન મીડિયાએ ‘પીડોફાઈલ આઈલેન્ડ’ ગણાવ્યો. આ ટાપુ વ્યભિચાર અને ગુનાઈત પ્રવૃત્તિઓનું કેન્દ્રબિંદુ બની ગયો હતો, કેમ કે જે છોકરી તાબે ન થતી એની પાસે બળજબરીપૂર્વક કામ લેવાતું અને પછી તેની પાસે વધુ કામ લેવા તેને બ્લેકમેલ કરાતી. જેફરીએ પોતાની મિલકતોમાં કેમેરા છુપાવેલા હતા, જેમાં થયેલા રેકોર્ડિંગ વડે એ ધનિક ગ્રાહકોને પણ બ્લેકમેલ કરતો. 

ટ્રમ્પ, ક્લિન્ટન અને પ્રિન્સ એન્ડ્રુ જેફરી પર મહેરબાન? 

જુલીએ પુસ્તકમાં દાવો કર્યો છે કે, જેફરીનું નેટવર્ક તેની સૌથી મોટી તાકાત હતી. તેનો સંપર્ક પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, બ્રિટનના પ્રિન્સ એન્ડ્રુ, અબજોપતિ ઉદ્યોગપતિ લેસ વેક્સનર અને ડોનાલ્ડ ટ્રમ્પ જેવી હસ્તીઓ સાથે હતો. જેફરીએ આવા પહોંચેલા લોકો સાથેની ઓળખાણનો ઉપયોગ પોતાના ગુના છુપાવવા અને પોતાનો પ્રભાવ વધારવા માટે કર્યો હતો. એટલે જ તો તેને ફક્ત 13 મહિના માટે જેલની સજા થઈ હતી.

નોંધનીય છે કે, જેફરી એપસ્ટેઈન અને ડોનાલ્ડ ટ્રમ્પ 1980ના દાયકાથી એકબીજાને ઓળખતા હતા. બંને પાર્ટી સર્કિટમાં પ્રખ્યાત હતા. સામાજિક કાર્યક્રમો, ગાલા ડિનર અને ક્લબોમાં તેઓ એકબીજાને ભેટતા જોવા મળતા. 2002માં એક મેગેઝિનમાં પ્રકાશિત થયેલા લેખમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું જેફરીને વર્ષોથી ઓળખું છું. તે એક અદ્ભુત વ્યક્તિ છે. તેની સાથે સમય વિતાવવાની મજા આવે છે.’

ટ્રમ્પનો રિસોર્ટ ‘માર-એ-લાગો’ પણ ઐયાશીનો અડ્ડો હતો?

જેફરીના છટકામાં ફસાયેલી વર્જિનિયા ગિફ્રે નામની એક પીડિતાએ દાવો કર્યો હતો કે, તે ટ્રમ્પના વૈભવી રિસોર્ટ માર-એ-લાગોના સ્પામાં કામ કરતી હતી, ત્યારે જ જેફરી અને ઘિસલીને તેનો સંપર્ક કરીને તેને ફસાવી હતી. 2015માં એક ઈન્ટરવ્યૂમાં વર્જિનિયાએ માર-એ-લાગોને છોકરીઓના શિકારનું સ્થળ ગણાવ્યું હતું. 

ટ્રમ્પે જેફરી સાથેની મિત્રતા તોડી નાંખી હતી?

એક અન્ય પુસ્તક ‘ફિલ્ધી રિચ: અ પાવરફૂલ બિલિયોનેર, ધ સેક્સ સ્કેન્ડલ ધેટ અનડીડ હિમ એન્ડ ઓલ ધ જસ્ટિસ ધેટ મની કેન બાય’માં ડોનાલ્ડ ટ્રમ્પ અને જેફરીની 15 વર્ષની મિત્રતાનો ઉલ્લેખ કરાયો છે. એ પુસ્તકમાં એવું પણ લખાયું છે કે, ‘માર-એ-લાગો’ના એક સભ્યે ટ્રમ્પને ફરિયાદ કરી હતી કે, જેફરીએ તેની સગીરાને તેના ઘરે બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. એ પછી ટ્રમ્પે જેફરીને માર-એ-લાગોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેની સાથેની મિત્રતા તોડી નાંખી હતી.

જેફરીનો અંતઃ કુદરતી મૃત્યુ, આત્મહત્યા કે હત્યા?  

જુલીની લેખમાળા પ્રકાશિત થયા બાદ ફરી અનેક પીડિતોએ જેફરી સામે પોલીસ ફરિયાદ કરવા માંડી. આ દરમિયાન 6 જુલાઈ, 2019ના રોજ તેની ધરપકડ થઈ અને તેને ન્યૂયોર્કની જેલમાં ધકેલી દેવાયો. 10 ઓગસ્ટ 2019ના રોજ જેફરી જેલમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. એના મોતને આત્મહત્યા જાહેર કરાઈ, પરંતુ એ બાબતે શંકા જાગે એવી વાતો સામે આવી હતી. જેમ કે, જેફરીનું મોત થયું એ જ દિવસે જેલના કેમેરા બંધ હતા અને ગાર્ડ પણ ઊંઘી ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ આત્મહત્યા હોવાનું જણાવાયું હતું, પણ અમેરિકાના જાણીતા ફોરેન્સિક નિષ્ણાત ડૉ. માઈકલ બોડેને રિપોર્ટ જોઈને કહ્યું હતું કે, જેફરીના ગળાના હાડકાં તૂટેલા હતા, ફાંસો ખાવાથી આવું ન થાય, આવું ગળું દબાવવાથી થાય.

ઘિસલીન મેક્સવેલે જેફરીના મોતને હત્યા ગણાવી

જેફરીના મોત વિશેની વિગતો જાણીને જેલવાસ ભોગવી રહેલી જેફરીની સાથી ઘિસલીન મેક્સવેલે જેલમાંથી કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે જેફરીએ આત્મહત્યા કરી હોય. જેફરીનું મોં ખૂલે તો કોઈને એમના રહસ્ય ખૂલી જવાનો ડર લાગ્યો હોવો જોઈએ.’ 

જેફરી એપસ્ટેઈનનું જીવન જેટલું રહસ્યમય હતું, એટલું જ રહસ્યમય તેનું મૃત્યુ પણ રહ્યું. અમેરિકામાં સતત ચર્ચાતું રહ્યું છે કે, જેફરીના કિસ્સાએ સમગ્ર સિસ્ટમનો પર્દાફાશ કરી નાંખ્યો છે કે, પૈસો અને સત્તા હોય તો ન્યાય પણ ખરીદી શકાય છે.

Tags :