ડોનાલ્ડ ટ્રમ્પને તાલિબાનો પાસેથી કેમ બગરામ એરબેઝ પાછું જોઇએ છે, ચીન સાથેનું છે કનેકશન
બગરામના બે રન વેમાંથી એકનો રન વે ૨.૫ કિમી કરતા પણ લાંબો છે.
અમેરિકાના ત્રણ રાષ્ટ્રપ્રમુખો આ એરબેઝની મુલાકાત લઇ ચુક્યા છે
નવી દિલ્હી,22 સપ્ટેમ્બર,2025,સોમવાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત રવિવારે અફઘાનિસ્તાનને ધમકી આપી હતી કે પોતાનું બગરામ એરબેઝ અમેરિકા ફરી મેળવવા ઇચ્છે છે. જો અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર આમ નહી કરે તો પરિણામ ભોગવવા તૈયારી રાખવી પડશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં લખ્યું હતું કે જો અફઘાનિસ્તાન બગરામ એરબેઝને અમેરિકાને સોંપવામાં નહી આવે તો ખૂબજ ખરાબ ગણાશે. ટ્રમ્પે અગાઉ બ્રિટન પ્રવાસ દરમિયાન પણ આવું જ બયાન આપ્યું હતું જેનાથી તાલિબાન સરકારે ખૂબજ કડક પ્રતિક્રિયા આપી હતી.
તાલિબાન વિદેશ મંત્રાલયના અધિકારી જાકિર જલાલીેએ સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં કહયું હતું કે અફઘાનોના ઇતિહાસમાં કોઇ પણ વિદેશી સૈન્યની હાજરી સ્વીકારી નથી. ૨૦૨૧ પછીમાં તાલિબાન શાસકો સત્તા પર આવ્યા પછી અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે કોઇ પણ પ્રકારના રાજકીય સંબંધો જોવા મળતા નથી. યાદ રહે બગરામ દુનિયાના સૌથી મોટા એરબેઝમાંનું એક છે. અમેરિકાનું સૈન્ય બે દાયકા સુધી અઝઘાનિસ્તાનમાં હતું ત્યારે તાલિબાનો સામે લડવા માટેના મહત્વના કેન્દ્રોમાંનું એક હતું. અમેરિકાના સૈન્યએ અફઘાનિસ્તાનમાંથી વિદાય લીધી ત્યારે બગરામ એરબેઝ પરથી ઉડેલા અમેરિકાના છેલ્લા વિમાનની તસ્વીર વાયરલ થઇ હતી.
એ સમયે અમેરિકાના સૈન્ય ઉપકરણ, સૈનિક વાહન અને ગોળા બારુદ પણ રહી ગયા હતા. છેલ્લા ૩ વર્ષથી બગરામ એરબેઝ પર તાલિબાની સેના અમેરિકાના શસ્ત્ર સરંજામનો ઉપયોગ કરીને સૈન્ય પરેડ અને અન્ય પ્રકારના સમારોહ આયોજીત કરે છે. ટ્રમ્પ જાણે છે કે બગરામ બેઝથી થોડે કે દૂર ચીન પોતાના પરમાણુ હથિયારો બનાવે છે આથી તેના પર ચીનનો પ્રભાવ વધે તો અમેરિકા માટે મુશ્કેલી ઉભી થાય માટે તાલિબાન પાસેથી એરબેઝ પાછો લઇ લેવો એ જ સારો વિકલ્પ છે. બગરામથી ચીનનું નજીકનું પરમાણુ સ્થળ ૨ હજાર કિમી દૂર છે તેનું નામ ઉત્તર પશ્ચિમ ચીનમાં લોપ નૂર નામનું ક્ષેત્ર છે. અમેરિકાના લોક હીડ એસઆર-૭૧ બ્લેકબર્ડ જેવા આઘુનિક સૈન્ય વિમાનો આ અંતરને લગભગ એક કલાકમાં પુરુ કરી શકે છે.
સૌથી પહેલા ૧૯૫૦ના દશકામાં સોવિયત સંઘે બનાવ્યું હતું.
બગરામ એરબેઝ કાબુલથી ઉત્તરમાં ૬૦ કિમી દૂર પરવાન પ્રાંતમાં આવેલું છે. સૌથી પહેલા ૧૯૫૦ના દશકામાં સોવિયત સંઘે બનાવ્યું હતું. ૧૯૮૦ના દસકામાં અફઘાનિસ્તાન કબ્જો કર્યો ત્યારે બગરામ મુખ્ય અડ્ડો બની ગયું હતું.વર્ષ ૨૦૦૧માં અમેરિકાએ તાલિબાનને સત્તા પરથી હટાવ્યું ત્યારે અડ્ડાને નિયંત્રણમાં લીધું હતું. એ સમયે બગરામ ખંડહરમાં ફેરવાઇ ગયું હતું પરંતુ અમેરિકી સેનાએ ફરીથી બનાવ્યું જે અંદાજે ૩૦ વર્ગ માઇલ એટલે કે ૭૭ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. બગરામ અમેરિકા અમેરિકાના સૌથી મોટા અને દુનિયા મજબૂત એરબેઝમાંનું જે કોન્ક્રિટ અને સ્ટીલથી બનેલું છે.
આ એરબેઝ અંદાજે ૧૦ હજાર જેટલા સૈનિકો રહી શકે તેટલું વિશાળ છે
આ અનેક કિલોમીટર લાંબી મજબૂત દિવાલોથી ઘેરાયેલું છે. તેની આસપાસ આ ક્ષેત્ર સુરક્ષિત હતું જેમાં કોઇ પણ બહારની વ્યકિત પ્રવેશ કરી શકતું નથી. આ એરબેઝમાં એટલા બધા બેરક અને કવાટર છે કે અંદાજે ૧૦ હજાર જેટલા સૈનિકો રહી શકે છે. બગરામના બે રન વેમાંથી એકનો રન વે ૨.૫ કિમી કરતા પણ લાંબો છે. આ એક એવું એરબેઝ છે જેનો અમેરિકાના ૩ પ્રમુખ જયોર્જ ડબ્લ્યુ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લઇ ચુકયા છે. જો બાયડને પણ ૨૦૧૧માં બગરામ એરબેઝની મુલાકાત લીધી હતી પરંતુ એ સમયે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા આના પરથી બગરામ એરબેઝનું અમેરિકા માટે કેટલું મહત્વ છે તેનો ખ્યાલ આવે છે.