ગાય, કુતરા સહિતના પ્રાણીઓ અને પક્ષીઓની સરખામણીમાં માણસ કેમ વધારે જીવે છે? વૈજ્ઞાનિકોએ શોધી કાઢયું રહસ્ય
મ્યૂટેશન દર ઓછો હોય એ જીવો લાંબુ જીવતા હોવાનું ધ્યાનમાં આવ્યું
કુતરા, બિલાડા સહિતના પ્રાણીઓમાં મ્યૂટેશન દર માણસ કરતા વધારે
લંડન,19 એપ્રિલ,2022,મંગળવાર
બધા માણસો ભલે 100 વર્ષ જીવતા ના હોય પરંતુ માણસનું આયુષ્ય 100 વર્ષનું ગણવામાં આવે છે. કુદરતે માણસને આપેલું આ આયખું તેની આસપાસ રહેતા કુતરા, ઘોડા, ગાય. બકરી સહિતના પશુ પક્ષીઓ કરતા વધુ વધારે છે. એક ગાય સરેરાશ 20 થી 25 વર્ષ જ જીવે છે. કુતરાનું આયુષ્ય 15 વર્ષ હોય છે.
આ બધાની સરખામણીમાં માણસ કેમ આટલું બધુ જીવે છે તે અંગે બ્રિટીશ વૈજ્ઞાનિકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. બ્રિટીશ વૈજ્ઞાનિકોએ સમજાવ્યું છે કે કોઇ પણ જીવ કેટલું વધારે જીવશે એ ઘણું કરીને શરીરમાંના જેનેટિક મ્યૂટેશન પર નિર્ભર કરે છે.
વૈજ્ઞાનિકોના માનવા પ્રમાણે જો માણસ અને જાનવરના શરીરમાં એક સરખા પ્રમાણમાં જેનેટિક મ્યૂટેશન થાય તો તે વધારે જીવે પરંતુ તેમ થતું નથી. આનો મતલબ કે પ્રજાતિઓમાં આયખાનો આધાર ડીએનએમાં આવનારી ખામીઓ અને તેની ગતિ પર નિર્ભર છે. વેલકમ સેંગર ઇન્સ્ટીટયૂટના વૈજ્ઞાનિકો દ્વારા એક સ્ટડી થયો તેમાં ધ્યાનમાં આવ્યું છે કે જેનેટિક ડેમજની ગતિ જ લાંબા જીવનની ચાવી બની શકે છે.
જે જીવો લાંબુ જીવે છે તે ડીએનએ મ્યૂટેશનના પ્રમાણને ધીમું કરી નાખે છે.વૈજ્ઞાનિકોનું માનવું છે કે કેટલાક જીવોના ઉદાહરણથી એ સમજી શકાય છે. જેમ તે જિરાફનું આયુષ્ય 24 વર્ષ જયારે બીજી તરફ નાના નેકેડ મોલ ચુહાનું જીવન 25 વર્ષ જેટલું હોય છે આથી કદનું મહત્વ રહયું નથી. સંશોધકોએ બંનેનું જીનેટિક મ્યૂટેશન તપાસ્યું તો લગભગ એકસરખું જ હતું.
માણસના શરીરમાં દર વર્ષે 47 જેટલા જીનેટિક મ્યૂટેશન થાય છે
જીરાફના શરીરમાં દર વર્ષે સરેરાશ 99 જેટલા જીનેટિક મ્યૂટેશન થાય છે, જેટલા મ્યૂટેશન વધારે તેટલી જીવોની ઉંમર પણ ઓછી હોય છે. જે જીવોમાં મ્યૂટેશન દર સમાન રીતે ઓછો હોય છે તે વધારે જીવે છે. સરેરાશ એક માણસના શરીરમાં દર વર્ષે 47 જેટલા જીનેટિક મ્યૂટેશન થાય છે.
એ હિસાબે 83.6 વર્ષ થાય છે. હવે ઉંદરની વાત કરીએ તો ઉંદરમાં દર વર્ષે 796 જેટલા જીનેટિક મ્યૂટેશન થાય છે જે માણસ કરતા ખૂબ વધારે હોવાથી ઉંદર 3.7 વર્ષ જ જીવે છે. એવી જ રીતે કુતરામાં દર વર્ષે 249 જીનેટિક મ્યૂટેશન જયારે સિંહમાં 160 જેટલા હોય છે.
પહેલા વૈજ્ઞાનિકોનું માનવું હતું કે જીવોનો આકાર તેની ઉંમરને અસર કરે છે જેમાં નાના જાનવરોમાં ઝડપથી ઉર્જા વ્યતિત થાય છે કારણ કે તેમને સેલ ટર્નઓવરમાં ખૂબ તેજ ગતિની જરુર પડે છે આથી જ તો ઉંમર નાની થઇ જાય છે.
હાનિરહિત જીનેટિક મ્યૂટેશન કયારેક કેન્સરનું પણ કારણ બને છે
જીનેટિક મ્યૂટેશન સોમેટિક મ્યૂટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે જે શરીરની તમામ કોશિકાઓમાં થાય છે. આ મ્યૂટેશન મોટે ભાગે હાનિકારક હોતા નથી પરંતુ કેટલાક મ્યૂટેશન કેન્સરના કારક બને છે જે સેલના સામાન્ય કાર્યોમાં અવરોધ ઉભો કરે છે.સંશોધકોએ માણસ સહિત 16 જેટલા મેમલ જીવોની આંતરડામાં રહેલા સ્ટેમસેલમાં થનારી આનુવાંશિક ખામીઓનું વિશ્વલેષણ કર્યુ હતું.
તેના આધારે આ સાબીત થયું કે જે પ્રજાતિમાં જીવનદોર લાંબો બોય છે એ પ્રજાતિમાં મ્યૂટેશનનો દર ધીમો હોય છે. સંશોધકો હવે મ્યૂટેશન પેટર્ન પર 400 વર્ષ જીવતી શાર્ક ઉપર સંશોધન કરવા ઇચ્છે છે. શાર્ક હાડમાંસ ધરાવતા જીવમાં પૃથ્વી પર સૌથી લાંબુ જીવનારો જીવ છે. આ અંગેનો સ્ટડી જર્નલ નેચરમાં પ્રકાશિત થયો છે.