ટ્રમ્પે ચાયના પર એકાએક 100% ટેરિફ શા માટે ફટકાર્યો

- યુ.એસ.- ચાયના ટ્રેડ વૉર તીવ્ર બને છે
- ચાયનાએ 'રેર-અર્થસ' નિકાસ પર અંકુશો મૂકતા યુ.એસ.ના ઉદ્યોગો અને સંરક્ષણ ઉત્પાદનો પર સીધી અસર થાય છે
વૉશિંગ્ટન : અમેરિકાએ ચીનમાંથી આયાત કરાતા તમામ માલ ઉપર ૧૦૦% ટેરિફ લગાડતા વેપાર ક્ષેત્રે ભારે ઉથલપાથલ થઈ ગઈ છે. ડાઉજોન્સ ૯૦૦ પોઇન્ટ અને એસએન્ડપી ૫૦૦ પોઇન્ટ તૂટયો છે. પ્રશ્ન તે છે કે અમેરિકી પ્રમુખે આવું પગલું અચાનક શા માટે લીધું ?
૧ નવેમ્બરથી ચીનથી આયાત થતા તમામ માલ પર અમેરિકામાં ૧૦૦% ટેરિફ લગાડાશે.
આ માટે કારણ તે છે કે, ચીને તેના રેર અર્થ મટિરિયલ્સ સહિત દરેક રેર- અર્થ (દુર્લભ- ખનિજો) ઉપર જબ્બર એક્સપોર્ટ ડયુટી વધારી દીધી છે આ ક્રીટકલ મટીલિયર્સ, સેમિ કન્ડક્ટર્સ, ફાયટર જેટ્સ અને અન્ય એડવાન્સ ટેક્નોલોજીમાં વપરાય છે.
પોતાના ટ્રુથ સોશ્યલ ઉપર ટ્રમ્પે ચાયના ઉપર અસામાન્ય આક્રમક વલણ લેતા લખ્યું : 'તે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નૈતિક અધ:પતન સમાન છે ' આ સાથે તેઓએ ચીનને એવી પણ ચેતવણી આપી છે કે, જો ચીન હજી પણ વધારે કઠોર પગલા લેશે તો ટેરિફ વધારો તુર્ત જ અમલી કરાશે.
ચીનના એક્સપોર્ટ કંટ્રોલ્સ અંગે અમેરિકી અધિકારીઓએ કહ્યું હતું કે, દક્ષિણ કોરિયામાં યોજાનારી એશિયા પેસિફિક ઇકોનોમિક કોન્ફરન્સ (એપેક) સમિટ યોજાવાની છે તેમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ભાગ લેવાના છે પરંતુ તેઓ મળે તેવી સંભાવના ઘણી ઓછી છે.
ટ્રમ્પે જ કહ્યું હતું કે, શી જિનપિંગને મળવાનું મને કોઈ કારણ લાગતું નથી. જો કે, સત્તાવાર રીતે તો તઓએ બંનેની મુલાકાત રદ કરી નથી.
તેઓ શી જિનપિંગને નહિ મળે તે માટે એક કારણ તે છે કે, ચીને દુર્લભ ખનિજો (રેર- અર્થસ)ની નિકાસ ઉપર કડક નિયંત્રણો મૂકી દીધા છે તેની અમેરિકાને સીધી અસર થાય તેમ છે તેથી તેના ઉદ્યોગો અને સંરક્ષણ બાબતોને પણ સીધી અસર થવાની છે.
જો કે, અમેરિકાએ તેની રેર અર્થસની ખાધ પૂરવા તેના દેશમાં જ ઉત્પાદન શરૂ કરી દીધું છે છતાં હજી તો તે ચીનથી આયાત થતા દુર્લભ ખનિજો ઉપર વધુ આધાર રાખે છે.
આમ છતાં ચીનના માલ ઉપર ૧૦૦% ટેરિફ લગાડવા પાછળ ટ્રમ્પની બેધારી નીતિ હોવાનું કહેતા વિશ્લેષકો જણાવે છે કે, એક તરફ ટ્રમ્પ ચીનને તે જણાવવા માંગે છે કે, અમેરિકાને દબાવી શકાશે નહીં તો બીજી તરફ ટેરિફનો લિવરેજ (ઉચ્ચાલન) તરીકે ઉપયોગ કરી ચીનને મંત્રણાના મેજ પર આવવાની ફરજ પાડી તેને અમેરિકાની શરતો સ્વીકારવા મજબૂર કરવા માંગે છે.
આ બંને મહાસત્તાઓના આર્થિક યુદ્ધની શેરબજાર ઉપર સીધી અસર થઈ છે. ડાઉજોન્સ આશરે ૯૦૦ પોઇન્ટ તૂટયો છે જ્યારે સ્ટેન્ડર્ડ એન્ડ પુઅર (એસએન્ડપી) ૫૦૦ પોઇન્ટ (૨.૭ ટકા) અને નાસ્ડેક ૩.૫ ટકા તૂટયો છે. મુખ્ય શેરોમાં તૂટ આવતા આવું બન્યું છે.
આ માટે તાઇવાન યુદ્ધની આશંકા પણ કારણરૂપ છે.