ગાજામાં ઇઝરાયેલ કેમ ઝુકયું ? બોંબના સ્થાને ફૂડ પેકેટ પણ વરસાવ્યા.
ઇઝરાયેલે આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝુકીને મદદ માટે તૈયાર થયું હતું.
ખાધ્ય સામગ્રી પુરી પાડવા માટે માનવીય ગલિયારાની સ્થાપના પણ કરશે.
વોશિંગ્ટન,૨૮ જુલાઇ,૨૦૨૫,સોમવાર
ગાજામાં રાહત શિબિરો પર હુમલા કરીને પુરવઠો અટકાવનારા ઇઝરાયલે ભૂખ્યા તરસ્યા ગાજાવાસીઓને રાહત સામગ્રી પહોંચાડવાની જાહેરાત કરવી પડી છે. ગાજાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૯ લાખ બાળકો ભૂખનો સામનો કરી રહયા છે જયારે ૭૦ હજારથી વધુ બાળકો અગાઉથી જ કુપોષણનો ભોગ બનેલા છે. પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકોમાં ગંભીર કુપોષણમાં માત્ર બે સપ્તાહમાં જ ત્રણ ગણો વધારો થયો છે.
તબીબોનું માનવું છે કે અનેક બાળકોના મસ્તિષ્કનો વિકાસ પ્રભાવિત થઇ રહયો છે. બાળકોના માનસિક વિકાસ અને ઇમ્યૂન સિસ્ટમને લાંબા ગાળાનું નુકસાન થયું છે. કદાંચ ભૂખમરાના સંકટથી બચી જાયતો પણ જીવન વ્યર્થ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. યુએનના જણાવ્યા અનુસાર ગાજાની સમગ્ર વસ્તી ખાધ્ય અસુરક્ષાની સ્થિતિમાં આવી ગઇ છે. ભૂખથી ટળવળતા બાળકો અને નજર સમક્ષ બાળકોના થતા મોતને જોઇ રહેલી માતાઓ માટે અત્યંત કરુણ સ્થિતિ ગાજામાં સર્જાઇ છે.
વિશ્વના અનેક દેશો ગાજામાં ભૂખથી મરી રહેલા લોકોને મદદ કરવા અથવા તો આંતરરાષ્ટ્રીય મદદને પહોંચાડવા વિનંતી કરતા હતા. આ વિનંતી છતાં ઇઝરાયેલ ટસ કે મસ થતું ન હતું. છેવટે ઇઝરાયેલે આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝુકીને મદદ માટે તૈયાર થયું હતું. ઇઝરાયેલની આર્મીએ ગાજામાં વિમાનની મદદથી રાહત સામગ્રી ફેંકવામાં આવશે એવી જાહેરાત કરી છે એટલું જ નહી યુએનના કાફલાને ખાધ્ય સામગ્રી પુરી પાડવા માટે માનવીય ગલિયારાની સ્થાપના પણ કરશે.
ગાજામાં ભૂખમરો અને કુપોષણનો સામનો કરતા લોકોને કેવી રીતે જીવાડવાએ મોટી સમસ્યા છે. ઉત્તરી ગાજામાં અલ અહલી અને અલ-અરબી હોસ્પીટલના ડાયરેકટર ડૉકટર ફદેલ નઇમે જણાવ્યું હતું કે એક ટંકનું પુરતું ભોજન મળવુંએ પણ લકઝરી ગણાય છે.
હોસ્પીટલના રસોઇ ઘરમાં ખોરાક રાંધવા માટેનો સામાન ખૂટી ગયો છે. આંતરરાષ્ટ્રીય સહાય મળતી બંધ થઇ જવાથી વધારે તકલીફનો સામનો કરવો પડે છે. સાદા ચાવલનો એક કટોરો બે લોકો માટે એક દિવસનો ખોરાક બની હયો છે. મદદનો અભાવ અને વેતન ના મળવાથી મેડિકલ પ્રોફેશનલ પણ રાશનની કતારોમાં ઉભા રહે છે. અનેક ડોકટરો પણ ભૂખમરાનો શિકાર બન્યા છે.