શેખ હસીના અંગે તંગદિલી પ્રવર્તતી હોવા છતાં અજિત દોવલ બાંગ્લાદેશના NSAને શા માટે મળ્યા ?

- બાંગ્લાદેશના NSA ડો. ખલિલ ઉર-રહેમાને દોવલને ઢાકા આવવા આમંત્રણ આપ્યું : સાથે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી
નવી દિલ્હી : દિલ્હીમાં મળી રહેલી કોલંબો સિક્યુરીટી કોનકલેવ સમયે અહીં (નવી દિલ્હી) આવેલા બાંગ્લાદેશના નેશનલ સિકયુરીટી એડવાઇઝર ડો. ખલીલ- ઉર-રહેમાને ભારતના નેશનલ સિકયુરીટી એડવાઈઝર અજિત દોવલ સાથે સઘન મંત્રણાઓ યોજી હતી. જે દરમિયાન તેઓએ બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની પણ માગણી કરી હતી.
જો કે ભારતે તે અંગે કોઈ જવાબ આપ્યો હોવાનું સ્પષ્ટ થતું નથી.
આમ છતાં બંને વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સુધારવા અને વધારવા વિષે ચર્ચા કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. અજિત દોવલ ડો. રહેમાનને મળ્યા તે પાછળ મુખ્ય કારણ તે માનવામાં આવે છે કે, બંને દેશો વચ્ચે તંગદિલી પ્રવર્તતી હોવા છતાં, બંને દેશો સંબંધો તદ્દન તોડી નાખવા માગતા નથી. નહીં તો તે કોલંબો સિકયુરીટી કોનક્લેવ જે દિલ્હીમાં જ યોજાયો હતો તેમાં ભાગ લેવા બાંગ્લાદેશ કોઈ પ્રતિનિધિને મોકલે જ નહીં. બીજી તરફ બાંગ્લાદેશ પણ ભારત સાથેના સંબંધો તદ્દન વણસી જાય તે બાંગ્લાદેશને પોસાય તેમ નથી, તે પણ તેટલું જ સ્પષ્ટ છે. માટે તો તેણે તે કોનક્લેવમાં ડો. રહેમાન સાથે એક પ્રતિનિધિ મંડળ પણ મોકલ્યું હતું.
રહેમાને દોવલને મંત્રણાના અંતે કહ્યું હતું કે, તમારા અનુરૂપ સમયે બાંગ્લાદેશની મુલાકાતે આવજો.
શેખ હસીનાને બાંગ્લાદેશમાં રહેલી ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટે ફાંસીની સજા તો ફરમાવી દીધી છે, પરંતુ તે જાણે જ છે કે, તેનો અમલ થઈ શકે તેમ નથી. તેણે ઇન્ટરપોલની પણ મદદ લેવા વિચાર્યું છે. પરંતુ હજી મદદ માગી નથી. કારણ કે ઇન્ટરપોલને પણ દિલ્હી વિમાન ગૃહેથી જ ભારત પાછી વાળી દે તો ભારે મોટો ફિયાસ્કો થાય તેમ છે.
સીએસસીમાં માલદીવ, મોરેશ્યસ, શ્રીલંકા અને ભારત સભ્ય તરીકે છે. જ્યારે બાંગ્લાદેશ અને ઓબ્ઝર્વર તરીકે ઉપસ્થિત રહેશે. મલેશિયાને ગેસ્ટ તરીકે આમંત્રિત કરાયું છે.

