- કોલમ્બિયા અમેરિકાના મીલીટરી એરક્રાફ્ટને ઇનકાર કરી શકે તો..
- કુવૈત, કોરોના અને યુક્રેન સમયે ભારતે વિક્રમી ઓપરેશન કરી નાગરિકોને પરત લાવ્યા તો અમેરિકાથી કેમ નહીં
નવી દિલ્હી : અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા અને હવે પરત મોકલી દેવામાં આવેલા મામલે ભારત સરકાર ઉપર તવાઈ બોલી રહી છે. આ ૧૦૪ નાગરીકોને હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવી મીલીટરી એરક્રાફ્ટમાં પરત મોકલવામાં આવ્યા તેની સામે વિરોધ પક્ષો અને સામાન્ય નાગરીકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. એવી દલીલ થઇ રહી છે કે કોલમ્બિયા જેવો ટચુકડો દેશ પોતાના નાગરીકોને પરત લેવા માટે પોતાના પ્લેન મોકલી શકતું હોય તો ભારત કેમ પોતાના વિમાન મોકલી નાગરીકોને પરત લાવી શકે નહીં.
એક સપ્તાહ અગાઉ અમેરિકન મીલીટરી એરક્રાફ્ટના દેશમાં પ્રવેશવા નહીં દેવાની કોલમ્બિયાએ જાહેરાત કરી હતી તેની સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોલમ્બિયા ઉપર ટેરિફ લાદવા હુકમ કર્યો હતો. જોકે, અંતે કોલમ્બિયાએ અમેરિકામાં ગેરકાદેસર પ્રવેશેલા પોતાના નાગરીકોને સ્વીકારવાની જાહેરાત કરતા મામલો થાળે પડયો હતો.
અખાતના યુદ્ધ સામે કુવૈતથી કે કોરોનાકાળમાં લોકડાઉન સમયે અને રશિયા - યુક્રેન યુદ્ધમાં પોતાના નાગરિકોને પરત લાવવા માટે ભારતે બહુ મોટા અભિયાન ચલાવ્યા છે ત્યારે અમેરિકાથી પણ પોતાના નાગરીકોને પરત લાવવા માટે ભારત વ્યવસ્થા કરી શકે છે. ૧૯૯૦માં ભારતે ૬૦ દિવસ દરમિયાન, ૫૦૦ ફ્લાઈટ થકી લગભગ ૧,૭૦,૦૦૦ નાગરીકોને વતન પરત પહોચાડયા હતા.
ટ્રમ્પ સત્તા ઉપર આવ્યા પછી લગભગ ૧૮,૦૦૦ લોકોને ગેરકાદેસર વસવાટ માટે અમેરિકાથી ભારત લાવવાના છે. અમૃતસર પહોંચેલા એરક્રાફ્ટમાં માત્ર ૧૦૪ નાગરિકો હતા તો આવી ૧૭૦ જેટલી ફ્લાઈટ ભારત આવી શકે છે. જોકે, સરકારના મતે આંકડો નાનો છે. સરકારે આજે જણાવ્યું હતું કે હજી ૪૮૭ નાગરીકોને લાવવાના છે.
અમેરિકન સરકારના સતત સંપર્કમાં હોવા છતાં, અમેરિકન સરકાર દ્વારા દરેક પ્રકારની વિગતો ભારતને પહોંચતી કરવામાં આવી રહી હોવા છતાં ભારત સરકાર સ્થાનિક લોકોને અંધારામાં રાખી રહી છે. ટેક્સાસથી પ્લેન રવાના થયું, ભારતમાં ક્યાં ઉતરાણ કરશે અંદર કેટલા નાગરીકો હશે એ અંગે ૨૪ કલાક અટકળો ચાલી પણ ભારત સરકારે આ અંગે પોતાના નાગરીકોને જ સત્તાવાર કોઈ જાણ કરી ન હોવાથી આક્રોશ વધી રહ્યો છે. ખુદ વિદેશ મંત્રીએ રાજ્યસભામાં સ્વીકાર કર્યો હતો કે આવી રહેલા ૧૦૪ લોકો અંગે અગાઉથી જાણકારી મળી હતી.
ભારતમાં એવી માંગ થઇ રહી છે કે ભારતે અમેરિકાના મીલીટરી એરક્રાફ્ટના બદલે પોતાના વિમાન મોકલી નાગરીકોને સન્માનપૂર્વક પરત લાવવા જોઈએ. અમેરિકાએ સી-૧૪ એરક્રાફ્ટનો ઉપયોગ કરેલો, ભારત પાસે પોતાના આ જ બનાવટના એરક્રાફ્ટ છે અને યુક્રેનથી ભારતીયોને પરત લાવવામાં તેનો ઉપયોગ પણ કરવામાં આવેલો એટલે તેનો ઉપયોગ ફરીથી કરી જ શકાય છે.
બીજી તરફ, સરકારની દલીલ છે કે આંતરરાષ્ટ્રીય નિયમોને આધીન ભારત અત્યારે આ મામલે કોઈ હસ્તક્ષેપ કરી શકે એમ નથી. ગુરુવારે આ મામલે સંસદના બન્ને ગૃહમાં સ્પષ્ટતા કરવા વિદેશ મંત્રી એસ. જયશંકરને ફરજ પડી હતી જ્યારે આજે વિદેશ સચિવની પત્રકાર પરિષદમાં પણ આ મુદ્દો ઉછળ્યો હતો. 'અમેરિકાએ ગેરકાદેસર ઘુસણખોરોને ઓળખી કાઢી તેમને પરત મોકલવા માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરેલી છે એ સંજોગોમાં તેમણે મીલીટરી એરક્રાફ્ટ મોકલ્યા હશે,' એમ વિદેશ સચિવ વિક્રમ મીસરીએ આજે જણાવ્યું હતું.
ટેક્સાસથી નીકળી ૪૦ કલાક બાદ અમૃતસર હાથકડી અને બેડીઓમાં આવેલા નાગરીકોના પ્રવાસના વર્ણન સાંભળી વિરોધ વધી રહ્યો છે. તેમને એકપણ મિનીટ માટે, જમવા માટે પણ બેડીના બંધનથી મુક્ત કરવામાં આવ્યા ન હતા. આ સંજોગોમાં એવી દલીલ થઇ રહી છે કે વિદેશ મંત્રાલય અમેરિકાની ડિપોર્ટેશન નીતિનો બચાવ કરી રહ્યા છે પણ ભારતના પોતાના નાગરીકોના હિતની રક્ષા માટે કોઈ બોલી રહ્યું નથી. જોકે, સરકારે હવે થોડું નરમ વલણ અપનાવી આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતીય નાગરિકોને યોગ્ય રીતે, સન્માનપૂર્વક પરત લાવવામાં આવે એ અંગે ચોક્કસ રીતે અમેરિકાને જાણ કરવામાં આવશે.


