એવી વ્યક્તિ જેણે પોતાના જ મૃત્યુની તારીખ નક્કી કરી, હવે મુક્તપણે જીવે છે, જાણો તેમના વિશે
Alex Pandolfo Scheduled His Death: અલ્ઝાઈમર રોગથી પીડિત 71 વર્ષીય એલેક્સ પાંડોલ્ફોનું જીવન પ્રેરણાદાયક છે. તેઓ જીવનને પ્રેમ કરે છે, છતાં તેમણે ઈચ્છા મૃત્યુનો વિકલ્પ પસંદ કર્યો છે. જેથી તેઓ બાકીના દિવસો ખુશીથી જીવી શકે. તેમના આ નિર્ણયના કારણે મૃત્યુના અધિકાર અને જીવનની ગુણવત્તા પર ચર્ચાઓ શરુ થઈ છે.
2015માં 61 વર્ષની ઉંમરે અલ્ઝાઈમરનું નિદાન થયા બાદ ડોક્ટરોએ તેમને માત્ર 3-4 વર્ષનો સમય આપ્યો હતો. જોકે, પાંડોલ્ફોએ અપેક્ષિત આયુષ્ય કરતાં વધુ જીવન જીવ્યું છે. તેઓ રોજિંદા કામો માટે દિવસમાં લગભગ 10 એલાર્મ સેટ કરે છે, જેમાં દવા લેવી, મીટિંગ યાદ રાખવી અને ફરવા જવાનું સામેલ છે.
પાંડોલ્ફો જણાવે છે કે તેમને નવા નામ અને ચહેરા યાદ રાખવામાં મુશ્કેલી પડે છે, તેથી તેઓ રોજિંદા કામો અને મળનારા લોકો માટે ઘણા એલાર્મ અને નોટ સેટ કરે છે. દરેક દિવસ કિંમતી છે. સવારે ઊઠીને Morticia Addamsનું એક પેઇન્ટિંગ અને બહેને આપેલો હમ્બગ સોફ્ટ-ટોય જોઈને તેમનો દિવસ શરૂ થાય છે.
મા-બાપને પણ આ જ મુશ્કેલી
પાંડોલ્ફોના માતા-પિતા, બંનેને ડિમેન્શિયા હતો. તેમના પિતા વિન્સેન્ટની કથળતી સ્થિતિ અને પીડામાંથી મુક્તિની ઇચ્છાએ પાંડોલ્ફોને ઊંડી અસર કરી. આ અનુભવોને કારણે, તેમણે સ્વિત્ઝરલૅન્ડમાં ઈચ્છા મૃત્યુનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું.
તેમના પિતા વિન્સેન્ટને 1999માં અને માતા મેરીને 2017માં બંનેને પણ ડિમેન્શિયા થયો હતો. વિન્સેન્ટની ઝડપી કથળતી સ્થિતિ અને અંતિમ દિવસોની યાદો પાંડોલ્ફો માટે ઈચ્છા મૃત્યુને સમર્થન આપવાનું મુખ્ય કારણ બન્યા.
સ્વિત્ઝરલૅન્ડમાં ઈચ્છા મૃત્યુ કાયદેસર
રોગનું નિદાન થયા બાદ, પાંડોલ્ફોએ સ્વિત્ઝરલૅન્ડની એક સંસ્થાનો સંપર્ક કર્યો. છ અઠવાડિયામાં તેમનો અરજી મંજૂર થઈ ગઈ. પાંડોલ્ફો જણાવે છે કે આ મંજૂરી મળતા તેમને રાહત થઈ, કારણ કે તેઓ જીવનની ગુણવત્તા ગુમાવવાથી ડરતા હતા, નહીં કે મૃત્યુથી.
સ્વિત્ઝરલૅન્ડમાં ઈચ્છા મૃત્યુ કાયદેસર છે, પરંતુ યુકેમાં ગેરકાયદેસર હોવાથી ઘણા લોકો ત્યાં મુસાફરી કરે છે. આ પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે, જેના કારણે તે બધા માટે સુલભ નથી અને આ એક સામાજિક ચિંતાનો વિષય છે.
પાંડોલ્ફો કહે છે કે, 'હું મરવા નથી માંગતો, પરંતુ પીડાદાયક અંતથી બચવા માંગુ છું. આ નિર્ણયે મને નિર્ભય બનાવ્યો છે. અલ્ઝાઈમરનો કોઈ ઈલાજ ન હોવાથી મને સંતોષ છે કે અંત પર મારું નિયંત્રણ હશે. મારો પરિવાર મારા નિર્ણયમાં મારી સાથે છે.'
બ્રિટનમાં કાયદામાં ફેરફારની ચર્ચા
જૂનમાં હાઉસ ઓફ કોમન્સે ટર્મિનલી ઇલ એડલ્ટ્સ બિલ પસાર કર્યું છે, જે હવે હાઉસ ઓફ લોર્ડ્સમાં વિચારણા માટે છે. આ બિલના સમર્થકો તેને સહાનુભૂતિપૂર્ણ અને વ્યક્તિની સ્વાયત્તતાનું સમર્થન માને છે. જ્યારે વિરોધમાં ધાર્મિક અને તબીબી જૂથો સુરક્ષા અને દબાણ જેવા જોખમો વિશે ચિંતા વ્યક્ત કરે છે.
જો આ બિલ પસાર થઈ જાય, તો તે 18 વર્ષથી ઉપરના ઇંગ્લેન્ડ અને વેલ્સના નિવાસીઓને - જે 12 મહિનાથી જીપીમાં નોંધાયેલા હોય, માનસિક રીતે સક્ષમ હોય અને એવું માનવામાં આવે કે તે છ મહિનાની અંદર મૃત્યુ પામશે - તો તેમને મૃત્યુ માટે અરજી કરવાનો અધિકાર આપશે. પાંડોલ્ફો જેવા એવા વર્ગ માટે, જેમની બીમારીઓ ન્યુરોડીજનરેટિવ છે અને ધીમી ચાલી રહી છે, આ છ-મહિનાની મર્યાદા સમસ્યા ઊભી કરે છે. તેઓ કહે છે, જો હું છ મહિનામાં મૃત્યુ પામવાનો હોત, તો મારી માનસિક ક્ષમતા પણ કદાચ ખતમ થઈ ગઈ હોત.