FOLLOW US

કોણ છે ખાલિસ્તાની આતંકી નિજ્જર? જેના માટે કેનેડાના પીએમ ટ્રુડો ભારત સાથે સબંધ બગાડવા તૈયાર થયા

Updated: Sep 19th, 2023

image : Twitter

નવી દિલ્હી,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર

ખાલિસ્તાની આતંકીઓના બચાવમાં હવે ખુલ્લેઆમ ઉતરી પડેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કારણે ભારત અને કેનેડાના સબંધોમાં ભારે કડવાશ આવી ચુકી છે. 

કેનેડામાં તાજેતરમાં ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ હતી અને આ હત્યા માટે ટ્રુડોએ ભારતને શંકાના દાયરામાં ઉભુ કરીને ભારતના એક ડિપ્લોમેટને દેશ છોડવા માટે આદેશ આપ્યો છે.

ટ્રુડોના આ વલણથી ભારત જ નહીં કેનેડાના લોકો પણ હેરાન થઈ રહ્યા છે. આ ઘટનાક્રમના કારણે આતંકી નિજ્જર રાતોરાત ચર્ચામાં આવી ગયો છે. હરદીપસિંહ નિજ્જર પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. કેનેડાના મીડિયા રિપોર્ટ પ્રમાણે 1997માં બોગસ પાસપોર્ટના સહારે શરણાર્થી બનીને તે કેનેડા પહોંચ્યો હતો. તેની અરજીને જોકે સરકારે ફગાવી દીધી ત્યારે તેણે 11 દિવસની અંદર કેનેડાની એક મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જેની પાછળનો ઈરાદો કેનેડાની નાગરિકતા મેળવવાનો હતો.  

90ના દાયકાથી તે કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદને પ્રોત્સાહન આપતો હતો. 2023ના જૂન મહિનામાં કેનેડામાં તેની હત્યા થઈ હતી. મંદિરના પાર્કિંગમાં બે હુમલાખોરોએ તેને ગોળી મારી હતી. એ પછી હજી સુધી આ ઘટનામાં કોઈની ધરપકડ થઈ નથી. 

નિજ્જર પર 2022માં પંજાબમાં હિન્દૂ પૂજારની હત્યાનુ કાવતરુ રચવાનો આરોપ હતો. ઓગસ્ટ 2009માં તે રાષ્ટ્રીય સિખ સંગત પ્રમુખ રુલદા સિહંની ગોળી મારવાની ઘટનામાં આરોપી હતો. 

2007માં લુધિયાણાના એક થિયેટરમાં થયેલા બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા. જેમાં નિજ્જરનુ નામ પણ સંડોવાયુ હતુ. પંજાબના પૂર્વ સીએમ બિયંત સિંહની હત્યામાં સામેલ આરોપીને તેણે 10 લાખ રુપિયા પૂરા પાડ્યા હતા. ઈન્ટરપોલે તેની સામે નોટિસ જાહેર કરી હતી. હરદીપસિંહ નિજ્જર આતંકી સંગઠન સિખ ફોર જસ્ટિસ સાથે પણ જોડાયેલો હતો.  

2018માં ટ્રુડો જ્યારે ભારત આવ્યા ત્યારે પંજાબના તે સમયના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે તેમની સાથે મુલાકાત કરી હતી. કેપ્ટને ટ્રુડોને આતંકીઓનુ જે લિસ્ટ આપ્યુ હતુ તેમાં નિજ્જરનુ પણ નામ હતુ.  

હરદીપસિંહ નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો પ્રમુખ હતો. જેની સ્થાપના 2014માં થઈ હતી. ભારતમાં જ્યારે કૃષિ કાયદા સામે આંદોલન ચાલી રહ્યુ ત્યારે વિદેશોમાં ભારતીય દૂતાવાસો સામે ખાલિસ્તાની સંગઠન સિખ ફોર જસ્ટિસના આતંકીઓએ દેખાવો કર્યા હતા. જેની પાછળનો હેતુ ભારત સામે લોકોને ભડકાવવાનો હતો. આ માટે એનઆઈએ દ્વારા થયેલી પોલીસ ફરિયાદમાં પણ નિજ્જરનુ નામ સામેલ હતુ. 

Gujarat
English
Magazines