જહાજમાં 2000 કિમીનું અંતર કાપીને ગાજાની મદદે આવી રહેલી 22 વર્ષની યુવતી કોણ છે? ઇઝરાયેલનું નેવી ફોર્સ એલર્ટ મોડ પર
આ જહાજ એક જૂનથી ઇટાલીના સિસલી બંદરગાહથી રવાના થયું હતું
ઇઝરાયેલ જહાજને ગાજાના કાંઠા સુધી પહોંચતું રોકવા માટે કટ્ટીબધ્ધ છે
તેલ અવિવ,૫ જુન,૨૦૨૫,ગુરુવાર
એક બાજુ ઇઝરાયલ દ્વારા ગાજા પર મોટી સૈન્ય કાર્યવાહી ચાલું છે બીજી બાજુ ગાજાના બાળકો માટે દૂધ,પાણી,ખોરાક અને દવાઓ લઇને એક એક જહાજ ઝડપથી ગાજા તરફ આવી રહયું છે. આમ તો યુએન દ્વારા યુધ્ધગ્રસ્ત વિસ્તારના અસરગ્રસ્તો માટે ખોરાક પાણી સપ્લાયનું અભિયાન અવિરત ચલાવવામાં આવતું હોય છે પરંતુ જે જહાજ ગાજા તરફ આવી રહયું છે તે વિશ્વની જળવાયુ એકિટવિસ્ટ ગ્રેટા થનબર્ગનું છે.
જો કે આના પર શું વિવાદ છેડાયો છે તે જાણવું રસપ્રદ છે. ગાજા આવી રહેલા જહાજનું નામ ધ મેડલિન છે જે માનવાધિકાર સંગઠન ફ્રિડમ ફલોટિલા કોલિએશન (એફએફસી) સાથે જોડાયેલું છે. આ જહાજનું નામ ગાજાની પ્રથમ અને એક માત્ર ફિશરવુમનના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ જહાજ એક જૂનથી ઇટાલીના સિસલી બંદરગાહથી રવાના થયું હતું જે ગાજા પહોંચવા માટે ૨૦૦૦ કિમીનું અંતર કાપશે.
અનુમાન અનુસાર ૭ જુનના રોજ ગાજા પહોંચે તેવી શકયતા છે પરંતુ ઇઝરાયેલની નેવી ફોર્સ તેને અટકાવી શકે છે. આ જહાજમાં ગ્રેટા થનબર્ગ ખૂદ મુસાફરી કરી રહી હોવાથી ઇઝરાયેલ એલર્ટ થઇ ગયું છે. ગ્રેટા થનબર્ગની સાથે ૧૧ કાર્યકર્તાઓ છે જેમાં ફ્રાંસની સાંસદ રીમા હસન, જર્મનીની યાસમીન જાર, ફ્રાંસના બેપ્ટિસ્ટ આંદ્રે, બ્રાઝીલના થિયાગો અવિલા, ફ્રાંસના ઉમર ફઇદ, પેસ્કલ અને યાનીસ મહાદી, તુર્કીયેવા સૂયાબ ઓર્દુ, સ્પેનના સર્ગિયો ટોર્બિયો, નેધરલેન્ડના માર્કો રેન્સ અને ફ્રાંસની રેવા વિયાર્ડનો સમાવેશ થાય છે.
ગ્રેટા થનબર્ગ ના જહાજ પ્રવાસ પર ઇઝરાયેલી સેનાએ વાંધો ઉઠાવ્યો છે. ઇઝરાયેલી સેનાના પ્રવકતા એફી ડેફ્રિને નિયમો અનુસાર કાર્યવાહી કરવાની વાત કરી છે. ઇઝરાયેલ જહાજને ગાજાના કાંઠા સુધી પહોંચતું રોકવા માટે કટ્ટીબધ્ધ છે. એઇસીસીએ અગાઉ મે મહિનામાં કન્સાઇન્સ નામનું જહાજ ગાજા રવાના કર્યુ હતું પરંતુ ૨ મે ના રોજ ઇઝરાયેલના ડ્રોન એટેકમાં નાશ કરવામાં આવ્યો હતો.
ગ્રેટા થનબર્ગે બયાન જાહેર કર્યુ છે કે જે ખોટું છે તેની વિરુધ ઉભા રહેવાનો કોશિષ હંમેશા કરવી જોઇએ જયારે આપણે પ્રયત્ન કરવાનો છોડી દઇશું ત્યારે માનવતા પણ છુટી જશે. ગ્રેટા થનબર્ગ કાર્યકર્તાઓ સાથે જહાજમાં ગાજા પહોંચી રહી હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ગ્રેટા ફોટામાં પેલેસ્ટાઇની ઝંડો પકડેલી જણાય છે. ગાજાના સમર્થકો અને વિરોધીઓમાં જળવાયું એકટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ ચર્ચાનું કેન્દ્ર બની છે.