World

બાંગ્લાદેશ કોના કંટ્રોલમાં ? આતંકી હારૂન ઇજ્જહારે કહ્યું : દેવ-બંદીઓ હિન્દૂઓ અને મંદિરોની રક્ષા કરશે

By GS TEAM
20 Dec 20252 mins read
બાંગ્લાદેશ કોના કંટ્રોલમાં ? આતંકી હારૂન ઇજ્જહારે કહ્યું : દેવ-બંદીઓ હિન્દૂઓ અને મંદિરોની રક્ષા કરશે

- ભારત એક આક્રમક અને આતંકવાદી દેશ છે

- હારૂને કહ્યું : તેઓ ભારતીય દૂતાવાસ ઉપદૂતાવાસોની રક્ષા કરશે દેશમાં કોઈ પણ પ્રકારનું મોલ કલ્ચર ચલાવી લેવામાં નહીં આવે

ઢાકા : એક સમયે ભારત વિરોધી આગઝરતાં પ્રવચનો આપનાર અને કટ્ટરપંથી ગતિવિધિને લીધે બહુચર્ચિત બની ગયેલા દેવબંદી મૌલવી હારૂન ઇજ્જહારે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ સ્થિત હાઈકમીશન અને તેની શાખાઓનું તેમના દેવબંદીઓ જ રક્ષણ કરશે. તેમજ હિન્દુઓ અને હિન્દૂઓનાં મંદિરોનું પણ તેઓના અનુયાયીઓ રક્ષણ કરશે. આ સાથે તેઓએ કહ્યું હતું કે દેશમાં ટોળાં શાહી (મોલ કલ્ચર) ચલાવી જ નહીં લેવાય.

આ દેવબંધી નેતા ભલે ગમે તે કહે પરંતુ તેમના અનુયાયીઓની હકીકત તેથી તદ્દન ઊલટી જ દેખાય છે. છેલ્લા કેટલાયે દિવસોથી આ કટ્ટરપંથી સમુહ વારંવાર ભારતીય હાઈ કમિશન અને સહાયક હાઈ કમિશન ઉપર હુમલા કરવાના પ્રયત્નો કરતા રહ્યા છે.

મતગાંવમાં ભારતીય ઉપદૂતાવાસ ઉપર પથ્થરબાજી કરવામાં આવી હતી તે ઘટનામાં ૧૨ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તે આરોપીઓને છોડાવવા હારૂન પોતે જ પોલીસ થાણે ગયો હતો. ત્યાં તેઓએ આવું નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે હું પૂછવા માગું છું કે ઉપદૂતાવાસની બારીનો એક પણ કાચ ફૂટયો ? ભારત એક આક્રમક અને આતંકવાદી દેશ છે. પરંતુ અહીં તો ભારતીય દૂતાવાસ એક નિર્દોષ સંસ્થા છે. તેને રક્ષણ અમે આપીશું. ભારતીય દૂતાવાસ સમક્ષ કોઈ ટોળું જમા થવા નહીં દઇએ. પોલીસ અને વહીવટીતંત્ર તો પછીની વાત છે. અમે બાંગ્લાદેશીઓ જ તેવું થવા નહીં દઈએ. જો ભારત સીમા પર હુમલો કરશે તો અમે જવાબ આપીશું પરંતુ હાઈ કમીશન એક નિર્દોષ સંસ્થા છે પરંતુ કોઈ છૂટક વ્યક્તિ હુમલો કરે તો તેની જવાબદારી અમે નહીં લઈએ.

હારૂન ઇજ્જહારે ભલે આવું નિવેદન કર્યું હોય પરંતુ તેણે અનેકવાર ભારત વિરોધી ભડકાઉ ભાષણો કર્યા છે. જાસૂસી અહેવાલો જણાવે છે કે હારૂન ઇજહારના અલ કાયદા અને લશ્કર એ તૈયબા સાથે પણ સંબંધ હોવાના દાવા કરાય છે.