- ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું : 'જો ઇરાનની સરકારે દેખાવકારો ઉપર ગોળી ચલાવી કે કોઇની હત્યા કરી તો અમેરિકા હસ્તક્ષેપ કરવા તૈયાર છે'
તહેરાન : ઇરાનમાં ચાલી રહેલાં વ્યાપક આંદોલનને લીધે તો સમગ્ર જગત અચંબો પામી ગયું છે, આંચકો ખાઈ ગયું છે. તેવે સમયે અમેરિકાના પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓનાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશ્યલ પર જારી કરેલા એક સંદેશામાં સ્પષ્ટ કહ્યું હતું કે જો ઇરાની સરકારે દેખાવકારો ઉપર ગોળીઓ ચલાવી કે તેમની હત્યા કરી તો અમેરિકા હસ્તક્ષેપ કરવા પૂરી રીતે તૈયાર છે.
ટ્રમ્પનાં આ નિવેદન અંગે ઇરાનના સર્વોચ્ચ નેતા અલ ખામેનીના વરીષ્ટ સલાહકારે કહ્યું હતું કે અમેરિકા હસ્તક્ષેપને લીધે સમગ્ર ક્ષેત્રમાં અવ્યવસ્થા ફેલાઈ જશે. જ્યારે ખામેનીએ તો કડક શબ્દોમાં ધમકી આપતાં કહ્યું હતું કે અમારી બાબતમાં જો તમે (ટ્રમ્પ) હસ્તક્ષેપ કરશો તો તબાહ થઇ જશો.
ઉલ્લેખનીય છે કે ઇરાનની તબાહ થઇ ગયેલી આર્થિક વ્યવસ્થા આક્રોશિત જનતા સડક ઉપર ઉતરી આવી છે. ગુરૂવારે તો સરકાર વિરોધી પ્રદર્શનો તો પ્રાંતોમાં ફેલાઈ ગયાં છે. દેખાવકારો અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હોવાનું બહાર આવ્યું છે. આમ છતાં સરકાર દેખાવકારો સામે કડક હાથે કામ લેવાના મૂડમાં છે તો સામે દેખાવકારો પણ તેટલા જ મક્કમ છે.
અત્યારે પાટનગર તહેરાનમાં આંદોલન મંદ પડયું છે. પરંતુ અન્ય સ્થળોએ તેમાં તેજી આવી છે. બુધવારે બે અને ગુરૂવારે પાંચ લોકોનાં મૃત્યુ જુદાં જુદાં શહેરોમાં પણ નોંધાયા છે. જે પણ શહેરોમાં આ આંદોલન ચાલે છે તેમાં લૂર જાતીય સમુદાઈની બહુમતી છે.
જો કે ૨૦૨૨ પછી ઇરાનમાં સૌથી પ્રચંડ પ્રદર્શનો થયાં છે. ૨૦૨૨માં ૨૨ વર્ષનાં મહસા અમીનીનાં પોલીસ કસ્ટડીમાં થયેલાં મૃત્યુ પછી સૌથી મોટા દેખાવો બની રહ્યા છે.
આર્થિક અંધાધૂંધી સામે આ વખતે દેખાવો યોજાયા તેમાં સૌથી ગંભીર દેખાવો લોરેસ્ટાન પ્રાંતનાં અજના શહેરમાં થયાં છે.
અર્ધ સરકારી સમાચાર એજન્સી ફોર્સે વધુ ૩ લોકો માર્યા ગયા હોવાના સમાવેશ આવ્યા છે. સુધાર સમર્થક મીડીયા સહિત અન્ય મીડીયાએ પણ આ પ્રમાણે જણાવ્યું હતું.


