World

ભારતે જયારે ૧૯૮૮માં ઓપરેશન કેક્ટસ શરુ કરી માલદીવનું રક્ષણ કર્યુ હતું

By GS TEAM
4 Nov 20252 mins read
ભારતે જયારે ૧૯૮૮માં ઓપરેશન કેક્ટસ શરુ કરી માલદીવનું રક્ષણ કર્યુ હતું

નવી દિલ્હી,4 નવેમ્બર,2025, મંગળવાર 

૧૯૮૮માં શ્રીલંકાના ઉગ્રવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મિ ઓફ તમિલે રાજકિય તખ્તો પલટવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતે ઓપરેશન કેકટ્સ હાથ ધરીને માલદિવનું રક્ષણ કર્યું હતું. ૩ નવેમ્બર ૧૯૮૮ના રોજ ઉગ્રવાદીઓ સ્પીડ બોટ લઇને પ્રવાસીઓ બની માલદીવમાં ઘૂસ્યા હતા.શ્રીલંકામાં રહીને કારોબાર ચલાવતા માલદીવના એક વેપારી અબ્દુલ્લા લથુફીએ શ્રીલંકાના ઉગ્રવાદી સંગઠન સાથે હાથ મિલાવીને આ કાવતરું ઘડયું હતું. આ ઉપરાંત માલદિવના પૂર્વ રાષ્ટ્પતિ મહંમદ નસીરનો  પણ આ હુમલામાં હાથ હોવાનો આક્ષેપ થયો હતો.

ઘાતક હથિયારોથી લેસ ઉગ્રવાદીઓએ માલદીવની રાજધાની માલેની સરકારી ઇમારતો પોતાના કબ્જામાં લઇ લીધી હતી.પોર્ટ અને ટેલીવિઝન સ્ટેશન પણ ઉગ્રવાદીઓના નિયંત્રણમાં આવી ગયા હતા. ઉગ્રવાદીઓ માલદીવના તત્કાલિન રાષ્ટ્રપતિ મામૂન અબ્દૂલ કયૂમને કેદ કરવા માંગતા હતા.આથી ગભરાયેલા મામૂને ભારતની મદદ માંગતા ભારતના તત્કાલિન વડાપ્રધાન રાજીવગાંધીએ વિલંબ કર્યા વિના આગ્રા છાવણીમાં રહેલા ભારતીય સેનાના ૩૦૦ પેરાશૂટ જવાનોને માલદીવ રવાના કર્યા હતા. આ ભારતીય જવાનોની આ ટૂકડી માલદીવ પહોંચીને પરીસ્થિતિ સંભાળે તે પહેલા કોચીથી ૧૩૦૦ જવાનોની એક ટૂકડી પણ માલદિવ પહોંચી ગઇ હતી.


રાજધાની માલેના આકાશમાં ભારતીય વાયુસેનાના  વિમાન ઉડતા જોઇને ઉગ્રવાદીઓના છક્કા છુટી ગયા હતા.ભારતીય સેનાએ માલેના એરપોર્ટને ઉગ્રવાદીઓના કબ્જામાંથી છોડાવીને રાષ્ટ્રપતિને સલામત સ્થળે ખસેડયા હતા.હતાશ થઇને શ્રીલંકા તરફ પાછા ફરી રહેલા ઉગ્રવાદીઓએ જહાજનું અપહરણ કર્યુ ત્યારે ભારતે ગોદાવરી જહાજમાંથી બ્રિગેડિયર ફારુખ બુલસારાના નેતૃત્વમાં પેરાશૂટ જવાનો અપહરણ કરેલા જહાજમાં ઉતર્યા હતા.સામ સામે ગોળીબાર થયા જેમાં ભારતીય કમાંડોએ ૧૯ ઉગ્રવાદીઓના ઢીમ ઢાળી દિધા હતા.આ ઓપરેશન પાર પડયા પછી પણ ભારતા ૧૫૦ સૈનિકો એક વર્ષ સુધી માલદીવમાં રહયા હતા. ભારતના આ કેકટ્સ અભિયાનના દુનિયામાં ખૂબજ વખાણ થયેલા પરંતુ શ્રીલંકાએ વિરોધ કર્યો હતો.