અલાસ્કામાં હિમતળાવ પીગળ્યું તો પ્રો નોબ નામનો ટાપુ બહાર દેખાયો !
- નાસાની સેટેલાઈટ ઈમેજમાં નવું તળાવ જોવા મળ્યું
- પહેલાં હિમતળાવ ટાપુની ચારેબાજુ ફેલાયેલું હતું, એક મહિનામાં જ બરફ પીગળી ગયાનું તારણ : ક્લાઈમેટ ચેન્જ ઈફેક્ટ
વૉશિંગ્ટન : નાસાની સેટેલાઈટમાં ઈમેજમાં જણાયું કે અલાસ્કાના બે નેશનલ પાર્કમાં આવેલું એક હિમતળાવ પીગળી ગયું હોવાથી ટાપુ બહાર દેખાવા માંડયો હતો. સેટેલાઈટ ઈમેજની સરખામણી ચોંકાવનારી હતી. ૧૩ જુલાઈથી છ ઓગસ્ટ સુધીના સમયગાળામાં જ ટાપુની ફરતેથી બરફ પીગળી ગયો હતો.
અલાસ્કાના દક્ષિણ-પૂર્વી ભાગમાં બરફ ઝડપથી પીગળી રહ્યો છે. બરફ પાણીમાં પરિવર્તિત થઈ રહ્યો છે. હિમતળાવોમાં જામેલો બરફ પાતળો થઈ રહ્યો છે. નાસાના લેટેસ્ટ અહેવાલમાં દાવો થયો હતો કે પાણી બરફની જગ્યા લઈ રહ્યું છે. ગ્લેશિયલ પીગળવાથી મોટા તળાવોનું નાના તળાવોમાં ઉપાંતર થઈ રહ્યું છે. બરફ પીગળવાથી અત્યાર સુધી ઢંકાયેલો વિસ્તાર બહાર ડોકાવા લાગ્યો છે. એવો જ એક નવો ટાપુ સેટેલાઈટ ઈમેજમાં દેખાયો છે.
પ્રો નોબ નામનો ટાપુ પહેલાં બરફના તળાવની અંદર હતો. એની આસપાસ બર્ફિલી શીલાઓ હતી. એ માત્ર એક ટપકું હોય એવો દેખાતો હતો. હવે તેની આસપાસથી બરફ પીગળી ગયો હોવાથી પાંચ વર્ગ કિલોમીટરનો આ ટાપુ બહારથી દેખાવા લાગ્યો છે. નાસાના કહેવા પ્રમાણે ૨૦મી સદીની શરૂઆતમાં અલસેક ગ્લેશિયર લેક ૩ માઈલ સુધી ફેલાયેલું હતું. ગ્લોબલ વોર્મિંગના કારણે એ હિમતળાવ સતત પીગળવા માંડયું છે. અલાસ્કામાં જ આવા સેંકડો તળાવો સંકોચાવા લાગ્યા છે. પ્રો નોબ નામનો ટાપુ જુદો પડી ગયો એ બરફ પાતળો થઈ રહ્યો હોવાનો સંકેત છે. આનાથી બહુ જ મોટું પરિવર્તન આવશે. ગ્લેશિયલ આટલી ઝડપથી પીગળશે તેની અસર સ્થાનિક સ્તરે ઈકોસિસ્ટમ પર પડશે.
પ્રો નોબનું નામ ગ્લેશિયોલોજિસ્ટ ઓસ્ટિન પોસ્ટે રાખ્યું હતું. એ જહાજના પ્રો જેવો આકાર ધરાવે છે. ૧૯૬૦માં ઓસ્ટિન પોસ્ટે વિમાનમાંથી એનું નિરીક્ષણ કરીને એવો ય અંદાજ બાંધ્યો હતો કે ૨૦૨૦ સુધીમાં ગ્લેશિયરથી ઘેરાયેલો આ ભાગ અલગ થઈ જશે. એ વાત સાચી પડી છે અને ૨૦૨૫ સુધીમાં આ વિસ્તાર હિમતળાવથી જુદો પડી ગયો છે.