- ગાઝા અંગે પસાર થયેલા શાંતિ પ્રસ્તાવ પર કટાર, ઇજીપ્ત અને તૂર્કી જેવા દેશોએ હસ્તાક્ષર કર્યા, તેથી તેનું મહત્વ વધી ગયું છે
વૉશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં સોમવારે સાંજે ઇજીપ્તમાં ગાઝા શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા થઇ તે સમિટમાં ભારત સહિત ૨૦ દેશોના નેતાઓ ઉપસ્થિત હતા. આ શાંતિ માટે ટ્રમ્પે યશ લીધો તો પાકિસ્તાને તેઓને શાંતિ માટેનાં નોબેલ પ્રાઇઝ માટે યોગ્ય કહ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે પહેલાં પણ તેઓને નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય કહ્યા હતા. તે વાત તેઓએ ફરીથી કરી.
આ શાંતિ સમજૂતી માટે હસ્તાક્ષર કરનારાઓ સહમત થયા હતા કે, તેઓ તેનું પાલન કરશે જ. બે વર્ષથી ચાલતું આ યુદ્ધ આજે સમાપ્ત થયું છે. સાથે આશા દર્શાવવામાં આવી છે કે મધ્ય પૂર્વમાં સલામતી અને સહકારનો નવો અધ્યાય શરૂ થયો છે. ઇઝરાયલીઓ અને પેલેસ્ટાઇનીઓ હવે શાંતિથી રહી શકશે. તેથી બંનેના નાગરિકોના માનવ-અધિકારોની રક્ષા થઇ શકશે, તેમનું ગૌરવ પણ જળવાશે.
અમે તે વાતને પુષ્ટિ આપીએ છીએ કે સાર્થક પ્રગતિ સહયોગ, સહકાર અને નિરંતર સંવાદથી જ થઇ શકે. આ ભૂમિ, ઇસ્લામ, યહૂદી અને ઇસાઇ ધર્મ સાથે જોડાયેલી છે. તે પવિત્ર સંબંધો પ્રત્યે સન્માન અને તેનાં વિરાસત સ્થળોનાં સંરક્ષણ પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા રહેશે. તે પ્રતિબદ્ધતા સર્વોપરી છે. અમે દરેક પ્રકારના ઉગ્રવાદ અને કટ્ટરપંથને સમાપ્ત કરવા કૃત નિશ્ચયી છીએ.
અમે વચન આપીએ છીએ કે ભવિષ્યમાં પણ વિવાદોનો ઉકેલ બળપ્રયોગ કે દીર્ઘકાલીન સંઘર્ષ સિવાય રાજદ્વારી ચર્ચા દ્વારા કરવો અને તે સ્વીકારીએ છીએ કે મધ્ય પૂર્વ હવે સતત યુદ્ધો થંભી ગયેલી મંત્રણાઓનું ચક્કર સહન કરી શકીએ તેમ નથી, છેલ્લાં બે વર્ષ ચાલેલી ત્રાસદી અમને તે યાદ આપે છે કે આગામી પેઢીઓ અતીતની અસફળતાઓને બદલે ઉજ્વળ ભવિષ્ય માટે હકદાર છે.


