શું છે ‘પાસપોર્ટ બ્રો’, જેના સહારે પશ્ચિમી દેશોના પુરુષો 'વિદેશી વહુ'ની શોધમાં હોય છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

‘Passport Bro’ Explained: આજના જમાનામાં પ્રેમ અને લગ્નની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. અનેક સમાજ અને દેશોમાં લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધવા મુશ્કેલ છે. લગ્નો પણ અગાઉ જેવા ટકાઉ નથી રહ્યા. આ માહોલમાં એક નવો ટ્રેન્ડ શરુ થયો છે- 'પાસપોર્ટ બ્રો'. ટ્રેન્ડ નવો પણ છે અને વિવાદાસ્પદ પણ છે. શા માટે વિવાદાસ્પદ છે, એ જાણવા વિષયમાં ઊંડા ઉતરીએ.
શું છે 'પાસપોર્ટ બ્રો'નો કોન્સેપ્ટ?
'પાસપોર્ટ બ્રો' એટલે પોતાના શક્તિશાળી પાસપોર્ટનો ઉપયોગ કરીને ઓછા વિકસિત દેશોની મહિલાઓ સાથે લગ્ન કરવાવાળા પશ્ચિમી દેશના પુરુષોનો સમૂહ. તેમનો મુખ્ય હેતુ એવી સ્ત્રીને શોધવાનો હોય છે, જે પશ્ચિમી 'આધુનિક નારીવાદ'થી અપરિચિત હોય અને જે સ્ત્રી-પુરુષના પરંપરાગત જીવનમાં વિશ્વાસ રાખતી હોય. આ પુરુષોનું માનવું છે કે પશ્ચિમમાં સ્ત્રીઓ ભૌતિકવાદી, અહંકારી અને પારિવારિક મૂલ્યોને ઓછું મહત્ત્વ આપનારી થઈ ગઈ છે, જ્યારે કે વિદેશમાં તેમને વફાદાર, સેવાભાવી અને પતિ-પરિવારને કેન્દ્રમાં રાખનારી સાથી મળી જાય છે.
ક્યાંનો વર, ક્યાંની વધુ?
અમેરિકા, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાના પુરુષોમાં 'પાસપોર્ટ બ્રો'નો ટ્રેન્ડ લગભગ વર્ષ 2010થી ચાલી રહ્યો છે. એ સમયથી જ પશ્ચિમી દેશના પુરુષોની નજર યોગ્ય જીવનસાથી માટે પૂર્વ યુરોપ, દક્ષિણ અમેરિકા અને એશિયાના ઓછા વિકસિત દેશો તરફ દોડવા લાગી હતી. પોતાના દેશની કારકિર્દીલક્ષી મહિલાઓને છોડીને અન્ય દેશોમાં પરણવા જવાનો હેતુ 'સંસ્કારી' અને કુટુંબ-કેન્દ્રિત પત્નીની તલાશમાં રહેલો છે. જો કે આ ટ્રેન્ડ માટે 'પાસપોર્ટ બ્રો' જેવા શબ્દો વર્ષ 2022થી સોશિયલ મીડિયામાં ચર્ચાતો થયો છે.

હાંસિયામાં ધકેલાઈ ગયેલા પશ્ચિમી પુરુષોએ શોધ્યો નવો માર્ગ
આ ટ્રેન્ડનું મૂળ પશ્ચિમી દેશોમાં થયેલા કેટલાક સામાજિક ફેરફાર છે. નારીવાદની લહેરથી સ્ત્રીઓની સ્વાતંત્ર્ય અને સમાનતાની માંગ વધી છે, જેને લીધે પુરુષોનો એક વર્ગ પોતાને હાંસિયામાં ધકેલાઈ ગયેલો માનવા લાગ્યો છે. આ વર્ગને લાગે છે કે નારીવાદી વલણને લીધે પશ્ચિમી દેશોની સંસ્કૃતિ હવે પુરુષોને ઓછું મહત્ત્વ આપે છે. તેથી આવી માન્યતા ધરાવતા પુરુષોએ લગ્ન માટે એવા દેશો તરફ નજર દોડાવી છે, જ્યાં સમાજ પુરુષપ્રધાન હોય, સ્ત્રીઓ આજ્ઞાંકિત હોય, અને જ્યાં લગ્નના ક્ષેત્રમાં પુરુષની 'કિંમત' વધારે અંકાતી હોય.
વિદેશી વહુ લાવવાના અન્ય કારણો પણ છે
પશ્ચિમી દેશની યુવતીઓ ભણીગણીને કમાતી થાય, કારકિર્દીમાં સ્થિરતા મેળવે એમાં એમની લગ્ન માટેની ઉંમર નીકળી જતી હોય છે. ઘણી પગભર યુવતીઓ તો લગ્ન કરવામાં માનતી જ નથી. લગ્ન કરીને પણ બાળકો ન ઇચ્છતી હોય એવી યુવતીઓનું પ્રમાણ પણ વધતું જાય છે. સારું કમાતી પત્ની સાથે સહેજ વાંકું પડ્યું તો છૂટાછેડા લઈ લેશે, એવી તલવાર પણ પુરુષને માથે સતત લટકતી હોય છે. આ બધાં કારણોસર પણ પશ્ચિમી પુરુષો ટકાઉ લગ્નજીવન અને પરંપરાગત જીવનશૈલીની ચાહમાં અન્ય દેશોની સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માટે પ્રેરાઈ રહ્યા છે.

પુરુષપ્રધાન માનસિકતાની તીવ્ર ટીકા
'પાસપોર્ટ બ્રો'ના આ ટ્રેન્ડની વિશ્વભરમાં ચર્ચા છે અને તેની ટીકા પણ થઈ રહી છે. તેના પર આરોપ છે કે, આ ટ્રેન્ડ દ્વારા સ્ત્રીઓની મહત્ત્વાકાંક્ષા અને સ્વાતંત્ર્યને મર્યાદિત કરી દેવાય છે. તેમાં વિદેશી મહિલાઓને માત્ર પત્ની અને માતાની ભૂમિકા ભજવનાર તરીકે જોવામાં આવે છે. ટીકાકારોનું કહેવું છે કે, આ ટ્રેન્ડ અનુસરનારા પુરુષો લાગણી કે સાચા પ્રેમના નહીં, પણ સ્ત્રીઓ પર નિયંત્રણ અને સત્તા ધરાવવાના ઇચ્છુક હોય છે. આ પ્રકારના સંબંધોમાં આર્થિક અસમાનતા હોવાથી લગ્ન પછી મહિલાનું દમન અને શોષણ થવાનું જોખમ પણ હોય છે. ટૂંકમાં 'પાસપોર્ટ બ્રો'ના આ ટ્રેન્ડ દ્વારા સ્ત્રીનું સ્થાન નીચું આંકીને પુરુષપ્રધાન માનસિકતાને પોષવામાં આવે છે, એવી ટીકા બહોળા પાયે થઈ રહી છે.
કયા દેશોમાં 'પાસપોર્ટ બ્રો' ટ્રેન્ડ સૌથી વધુ ચાલી રહ્યો છે?
ફિલિપાઇન્સ, થાઇલૅન્ડ, કોલંબિયા, વિયેતનામ, મેક્સિકો, આર્જેન્ટિના, સર્બિયા, પેરુ, તાઇવાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવા દેશોમાં 'પાસપોર્ટ બ્રો' ટ્રેન્ડ સૌથી વધુ સ્વીકૃત છે. યુક્રેન અને રોમાનિયા જેવા પૂર્વી યુરોપિયન દેશોની યુવતીઓ પણ આ ટ્રેન્ડને અનુસરી રહી છે. છેલ્લા ત્રણ કરતાં વધુ વર્ષથી યુદ્ધની માર સહન કરી રહેલા યુક્રેનની યુવતીઓ હવે ત્યાંની અનિશ્ચિત પરિસ્થિતિથી કંટાળી ગઈ છે, જેને લીધે ત્યાં 'પાસપોર્ટ બ્રો' ટ્રેન્ડ અનુસરીને સમૃદ્ધ દેશમાં સ્થાયી થઈ જવાનું ચલણ વધ્યું છે.
ભારતમાં કેમ 'પાસપોર્ટ બ્રો' ટ્રેન્ડનો પ્રભાવ નથી દેખાતો?
ભારતના સાંસ્કૃતિક મૂળિયા અને પારિવારિક મૂલ્યો અન્ય દેશો કરતાં વધુ ઊંડા અને મજબૂત છે. આ ઉપરાંત ભારતમાં મહિલાઓ ઝડપથી આર્થિક રીતે પગભર થઈ રહી છે, જેને લીધે ફક્ત બહેતર ભવિષ્ય માટે વિદેશી પુરુષ સાથે પરણી જવાનું ચલણ આપણા દેશમાં જોવા મળતું નથી. વધુમાં અન્ય દેશોની તુલનામાં ભારતની યુવતી સાથે લગ્ન કરીને એને વિદેશ લઈ જવાની પ્રક્રિયા કાયદાકીય રીતે પ્રમાણમાં વધુ જટિલ હોવાથી પણ વિદેશી પુરુષો લગ્ન માટે ભારત પર પસંદગી નથી ઉતારતા.
તસવીરો : AI / ENVATO








