રશિયાએ તૈયાર કર્યું ખતરનાક પોસાઇડન સબમરીન પરમાણુ ડ્રોન, સમુદ્રમાં સુનામીમાં લાવવાની તાકાત; જાણો ખાસિયત

Russian Poseidon Submarine Drone: રશિયાએ પાણીની અંદર પરમાણુ સબમરીન ડ્રોનનું પરીક્ષણ કર્યું છે, જેણે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને આ અંગે જાહેરાત કરી હતી. પુતિનની જાહેરાતથી અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં હડકંપ મચ્યો છે. પરિણામે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાત્કાલિક પરમાણુ પરીક્ષણનો આદેશ આપ્યો છે.
પોસાઇડન(Poseidon) નામના આ ડ્રોનની ક્ષમતાઓ વિશે હજુ સુધી કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પુતિને જણાવ્યું હતું કે પરમાણુ-સક્ષમ ઓટોમેટિક સબમરીન ડ્રોન પોસાઇડનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે રશિયાની સૌથી શક્તિશાળી સર્મત(Sarmat) મિસાઇલ કરતાં વધુ શક્તિશાળી છે. પોસાઇડન ડ્રોનનું પરીક્ષણ સબમરીનમાંથી કરવામાં આવ્યું હતું. આ ડ્રોન એક પરમાણુ પાવર પ્લાન્ટથી સજ્જ છે જે મોટી સબમરીનના રિએક્ટર કરતાં 100 ગણું નાનું છે. પુતિને એમ પણ કહ્યું હતું કે સર્મત મિસાઇલ ટૂંક સમયમાં રશિયાની સેનામાં સામેલ કરવામાં આવશે.
અત્યંત ખાસ છે પોસાઇડન રિએક્ટર
પુતિને પોસાઇડન રિએક્ટરને નોંધપાત્ર ગણાવતાં ઉમેર્યું હતું કે તેના નિર્માણમાં સ્પેસ ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે પુતિને 2018માં રાષ્ટ્ર સંબોધનમાં પરમાણુ-સક્ષમ ડ્રોનના વિકાસનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને મંગળવારે જણાવ્યું હતું કે પોસાઇડન ડ્રોન પરીક્ષણ દરમિયાન સફળ રહ્યું હતું. જોકે, તેમણે વધુ વિગતો આપી ન હતી.

દરિયાકાંઠે સુનામી લાવવાની ક્ષમતા
પુતિને પોસાઇડન ડ્રોન વિશે વધુ માહિતી આપી નથી. પરંતુ રશિયન મીડિયાના અહેવાલ અનુસાર, આ મિસાઈલ દરિયાકાંઠાની નજીક વિસ્ફોટ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેના વિસ્ફોટથી પાણીથી ભરેલું રેડિએક્ટિવ શક્તિશાળી સુનામી લાવે છે.


