પાકિસ્તાનના અણુશસ્ત્રો અંગે સોશિયલ મીડિયામાં ચર્ચાતું કિરાના હિલ્સ શું છે ?
પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લાની પહાડીઓમાં અનેક મજબૂત ગુફાઓ છે.
કિરાના હિલ્સમાં પાકિસ્તાનના અણુ શસ્ત્રો હોવાનું માનવામાં આવે છે
નવી દિલ્હી,૧૨ મે,૨૦૨૫,સોમવાર
પહેલગામ હુમલા પછી ભારતે ઓપરેશન સિંદુર અંર્તગત પાકિસ્તાનના આતંકવાદી સ્થળો પર જે ઓપરેશન ચલાવ્યું તેને લઇને ભારતીય સેનાના અધિકારીઓએ સમાચાર માધ્યમોને માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરન્સમાં સોશિયલ મીડિયામાં વહેતા એક સમાચાર અંગે પ્રશ્ન પુછાયો હતો કે શું ભારતે કિરાના હિલ્સ નામના કોઇ સ્થળ પર હુમલો કર્યો હતો ? આ સ્થળ પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવતું હતું. આનો જવાબ આપતા એર માર્શલ ભારતીએ કહયું હતું કે આ કિરાના હિલ્સ પરમાણુ પ્રતિષ્ઠાન છે એ જણાવવા બદલ ધન્યવાદ. આ અંગે અમે કશું જાણતા નથી. અમે કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી.
કિરાના હિલ્સ સોશિયલ મીડિયામાં સતત ચર્ચાતું રહયું છે આથી આ સ્થળ અંગે જાણવાની ઉત્સૂકતા વધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હિલ્સ પાકિસ્તાનના રક્ષા મંત્રાલય દ્વારા સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધા જિલ્લાની પહાડીઓ અનેક મજબૂત ગુફાઓ છે. આ પહાડીઓનો જ એક હિસ્સો કિરાના હિલ્સ છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાની સેના અણુ શસ્ત્રો રાખે છે. ભારતે ઓપરેશન સિંદુર અંર્તગત પાકિસ્તાનને પાઠ ભણાવવા સરગોધામાં મુશર એરબેસ રન વે પર હુમલો કર્યો હતો. આ સ્થળ કિરાના હિલ્સની નજીક આવેલું છે આથી ભારતે પાકિસ્તાનના અણુ ઠેકાણા પર હુમલો કર્યો હોવાનું સોશિયલ મીડિયામાં ફેલાયું હતું. ૭૦ ચો કિમીમાં ફેલાયેલા વિસ્તાર પર પાકિસ્તાન સરકારનું નિયંત્રણ છે.
આ સ્થળ રોડ,રેલ અને હવાઇ સેવા સાથે જોડાયેલું છે. ૧૯૯૦માં પાકિસ્તાનના પરમાણુ પરીક્ષણની તૈયારીઓ કરતા પકડાયું ત્યારે આ સ્થળ અંગે દુનિયાને જાણવા મળ્યું હતું. અમેરિકાએ વિરોધ નોંધાવતા પાકિસ્તાને પરમાણુ પરીક્ષણ રદ્દ કર્યુ હતું. આથી આજે પણ એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો કિરાના હિલ્સમાં છુપાવેલા છે. (પ્રતિકાત્મક ઇમેજ)