Get The App

અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ્ટર' ઝીંકી ઈરાનમાં મચાવી તબાહી, જાણો તેની વિશેષતા

Updated: Jun 22nd, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ્ટર' ઝીંકી ઈરાનમાં મચાવી તબાહી, જાણો તેની વિશેષતા 1 - image



Iran-Israel War: અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેમાં ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્હાનના પરમાણુ ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ હુમલાઓ અમેરિકાની વાયુસેનાએ ફાઈટર જેટ B2 બોમ્બર દ્વારા કરાયો છે. અહેવાલો અનુસાર, ફાઈટર જેટ B2 બોમ્બર્સે આ ત્રણ સ્થળો પર હજારો કિલોગ્રામ બોમ્બ ફેંક્યા છે, જે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાય  છે. આ બોમ્બને મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) પણ કહેવામાં આવે છે. 



મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર શું છે?

અહેવાલો અનુસાર, મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) એ 30,000 પાઉન્ડ (13607 કિગ્રા)નો બોમ્બ છે જે ખાસ કરીને અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખતમ કરી શકે છે. આ બોમ્બ અત્યંત મજબૂત સ્ટીલ એલોયથી બનેલો છે જે તેને જમીનની અંદર સેંકડો ફૂટ સુધી પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે. 

બંકર બસ્ટર બોમ્બ GPS સંચાલિત હોય છે

અમેરિકાની એરફોર્સના જણાવ્યાનુસાર, મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર બોમ્બ GPS સંચાલિત હોય છે અને તેને ફક્ત B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બરથી જ છોડી શકાય છે. ફાઈટર જેટ B2 બોમ્બરની ખાસિયત એ છે કે તે રડારથી છુપાઈને લાંબા અંતર સુધી ઉડી શકે છે અને હવામાં ઇંધણ ભરીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: 'તાકાતના જોરે જ શાંતિ સ્થપાય...' ઈરાન પર અમેરિકાના હુમલાથી નેતન્યાહુ થયા ખુશખુશાલ!

બંકર બસ્ટર 200 ફૂટની ઊંડાઈ સુધી જઈ શકે છે

અત્યાર સુધી કોઈપણ યુદ્ધમાં બંકર બસ્ટર બોમ્બના ઉપયોગ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ લશ્કરી નિષ્ણાતો માને છે કે આ બોમ્બ હવે પહેલા કરતા વધુ અદ્યતન અને અસરકારક બની ગયો છે. આ બોમ્બ લગભગ 200 ફૂટની ઊંડાઈ સુધી ઘૂસી શકે છે, અને છેલ્લા 20 વર્ષમાં તેના વિકાસથી તેની ક્ષમતાઓમાં વધુ વધારો થયો છે.

B2 બોમ્બર્સમાંથી બંકર બસ્ટર છોડી શકાય છે

અમેરિકાની સેના પાસે  હાલમાં 19 ઓપરેશનલ B2 બોમ્બર્સ છે. તેઓ સબસોનિક સ્પીડથી ઉડે છે પરંતુ તેમની રેન્જ લાંબી છે. 1990 ના દાયકામાં કોસોવો યુદ્ધ દરમિયાન, B2 પાઇલટ્સે અમેરિકાના મિઝોરીમાં વ્હાઇટમેન એરફોર્સ બેઝથી ઉડાન ભરી હતી અને સીધા લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. વર્ષ 2017માં બે B2 બોમ્બર્સે લિબિયામાં ઇસ્લામિક સ્ટેટ કેમ્પ પર હુમલો કરવા માટે 34 કલાક ઉડાન ભરી હતી.

અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ્ટર' ઝીંકી ઈરાનમાં મચાવી તબાહી, જાણો તેની વિશેષતા 2 - image



Tags :