Get The App

'... તો અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દઇશું', ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી!

Updated: Jun 12th, 2025

GS TEAM

Google News
Google News
Iran open Warning to America

Iran open Warning to America: અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો પહેલા તણાવ વધી રહ્યો છે. ત્યારે ઈરાનના સંરક્ષણમંત્રી અઝીઝ નાસિરઝાદેહે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી આપી દીધી હતી. ઈરાને ધમકી આપતા કહ્યું હતું કે જો પરમાણુ વાટાઘાટો નિષ્ફળ જશે અને અમેરિકા સાથે લશ્કરી સંઘર્ષ શરુ થશે તો તે અમેરિકન લશ્કરી ઠેકાણાને નષ્ટ કરી દેશે. 

શું છે આખો મામલો?

ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટો એપ્રિલમાં શરૂ થઈ હતી, જેનો ઉદ્દેશ્ય 2015ના પરમાણુ કરાર (JCPOA)ને ફરી શરુ કરવાનો હતો, જેને તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં એકપક્ષીય રીતે છોડી દીધો હતો. જાન્યુઆરી 2025માં જ્યારે ટ્રમ્પ સત્તામાં આવ્યા, ત્યારે તેમણે ફરીથી તેમની મહત્તમ દબાણ નીતિ લાગુ કરી, જેમાં લશ્કરી કાર્યવાહીની ધમકીઓ તેમજ રાજદ્વારી પ્રયાસોનો સમાવેશ થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી!

ઈરાનના સંરક્ષણમંત્રી નાસિરઝાદેહે કહ્યું, 'કેટલાક અમેરિકી અધિકારીઓ ધમકી આપી રહ્યા છે કે જો વાટાઘાટો નિષ્ફળ જાય તો સંઘર્ષ શરૂ થઈ શકે છે. જો અમારી સાથે યુદ્ધ શરુ કરવામાં આવશે તો પ્રદેશના તમામ અમેરિકી ઠેકાણાઓ અમારા લક્ષ્ય હશે અને અમે ખચકાટ વિના તેમના પર હુમલો કરીશું.' તેમણે એ પણ ખુલાસો કર્યો કે ઈરાને તાજેતરમાં બે ટન વજનવાળા વોરહેડ સાથે મિસાઈલનું પરીક્ષણ કર્યું છે, જે દર્શાવે છે કે ઈરાન તેની લશ્કરી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેની ખટાશ દૂર! જુઓ ઈલોનની માફી પછી અમેરિકન પ્રમુખનું રિએક્શન

ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ કરાર અંગે ઓછા આશાવાદી છે 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરમાણુ કરાર અંગે પહેલા કરતા ઓછા આશાવાદી છે. તેઓ માને છે કે ઈરાનને પરમાણુ હથિયારો વિકસાવતા રોકવું પડશે, પછી ભલે તે યુદ્ધ વગર હોય કે સૈન્ય કાર્યવાહી સાથે. ટ્રમ્પ ગુરુવારે વાતચીતની અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે ઈરાન કહે છે કે વાટાઘાટો રવિવારે ઓમાનમાં થશે.

અમારો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણ નાગરિક ઉદ્દેશી: ઈરાન 

ઈરાનનો દાવો છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે નાગરિક ઉદ્દેશ્યો માટે છે, પરંતુ પશ્ચિમી દેશોને શંકા છે કે ઈરાન પરમાણુ હથિયાર વિકસાવવા માંગે છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ જણાવ્યું છે કે ઈરાન 60% સુધી યુરેનિયમ સમૃદ્ધ છે, જે પરમાણુ હથિયાર માટે જરૂરી 90% ની શુદ્ધતાની નજીક છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયનએ ભારપૂર્વક કહ્યું છે કે ઈરાન પરમાણુ હથિયાર નહીં બનાવે અને તેમણે પશ્ચિમી દેશોને તેમના પરમાણુ કાર્યક્રમની તપાસ કરવાની ખુલ્લી ચેલેન્જ આપી છે. 

'... તો અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નષ્ટ કરી દઇશું', ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની ખુલ્લી ધમકી! 2 - image